
દેશના કેટલાક જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાંથી સરકારી હિસ્સાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં સરકારે તાજેતરમાં દર્શાવેલી આક્રમકતાના વ્યાપક પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જંગી નાણાંભીડનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર કેટલાક જાહેર ઉપક્રમોમાં હિસ્સાનું સંપૂર્ણ તો કેટલાકમાં પોતાના હિસ્સાને ૫૧ ટકાથી પણ નીચે લઈ જવાનો નિર્ણય કર્યો છે. જો કે ઉપક્રમોમાં સરકારના હિસ્સાને ઘટાડવા છતાં ઉપક્રમમાં આડકતરી રીતે પોતાનું નિયંત્રણ જાળવી રાખવાનો પણ સરકારે પ્રયાસ કર્યો છે.
દેશના કેટલાક ઉપક્રમો એવા છે જેમાં એલઆઈસી જેવી નાણાં સંસ્થાઓ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ઉપક્રમોમાં હિસ્સો ઘટાડવાના કેબિનેટ નિર્ણય બાદ આ ઉપક્રમોના શેરભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. નફો કરતા સરકારી ઉપક્રમોનું વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર યોગ્ય છે ખરો? એવો પ્રશ્ન થયા વગર રહેતો નથી. વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૧.૦૫ લાખ કરોડ ઊભા કરવાની સરકારની યોજના છે, પરંતુ અર્થતંત્રમાં મંદીને કારણે સરકારનો આ ટોર્ગેટ પૂરો થવા સામે રુકાવટો આવી રહી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત માત્ર રૂપિયા ૧૭૩૬૪.૨૬ કરોડ ઊભા કરી શકાયા છે. આ અગાઉ માત્ર ૨૦૧૭-૧૮માં જ સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ ઊભી કરી શકી હતી. જો કે તે વેળા દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હતું. ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાથી સરકારની નાણાંકીય તંદૂરસ્તીમાં સુધારો થાય છે ખરો? આ અગાઉની સરકારોએ અનેક જાહેર ઉપક્રમોમાંથી સરકારી હિસ્સાનું વ્યૂહાત્મક વેચાણ કર્યું છે.
૨૦૦૦થી ૨૦૦૪ના ગાળામાં જાહેર ક્ષેત્રની કંપનીઓના થયેલા ડિસઈન્વેસ્ટમેન્ટ બાદ ખાનગી ક્ષેત્રના હાથમાં ગયેલી આ કંપનીઓના કામકાજ પર નજર નાખવામાં આવતા જણાય છે કે ઓછામાં ઓછી નવ કંપનીઓમાંથી આઠ કંપનીઓ આજે જંગી નફો કરતી કંપની બની ગઈ છે. જે સૂચવે છે કે શાસકોના હાથમાં આ કંપનીઓ સુરક્ષિત નહોતી અથવા તો જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી જેવી કહેવત લાગુ કરવી હોય તો જેના માલિક સરકાર હોય તે કંપનીઓ ભાગ્યે જ નફો કરી શકે છે એમ કહી શકાય.
નફો કરતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) ઉપરાંત શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ) તથા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોન્કર)માં હિસ્સાના વ્યૂહાત્મક વેચાણ કરવાનો કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં નિર્ણય કર્યો હતો. ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની વસૂલીમાં પડી રહેલી તૂટને કારણે વર્તમાન નાણાં વર્ષમાં રાજકોષિય ખાધને ટકાવી રાખવા સરકાર જાહેર ઉપક્રમોમાંથી હિસ્સાનું વેચાણ કરવા આક્રમક બની હોવાનું આના પરથી કહી શકાય છે.
જો કે સરકારનો આ નિર્ણય અવ્યવહારુ વેપાર નિર્ણય છે અને દેશના હિતની વિરુદ્ધ છે એવી દલીલ સાથે નિર્ણય સામે વિરોધ ઊભો થઈ રહ્યો છે. આ અગાઉ પણ એચપીસીએલના ડિસઈન્વેસ્ટમેન્ટ જેમાં ઓએનજીસીએ ઈક્વિટી હસ્તગત કરી હતી તે પણ ચર્ચાસ્પદ બન્યું હતું. આનાથી એચપીસીએલની કામગીરી કઈ રીતે સુધરી હતી તેવો સવાલ હજુ પણ ઊભો થઈ રહ્યો છે.
બીપીસીએલના વ્યૂહાત્મક વેચાણના નિર્ણયમાં તે સાઉદીની અરામકો કંપનીને આપી દેવાની શકયતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અસ્વીકાર્ય છે એટલું જ નહીં વિદેશની કંપનીને તે સોંપી દેવાનું જોખમી પણ બની શકે છે.બીપીસીએલ સાથે રાષ્ટ્રીય ભાવના જોડાયેલી છે અને દેશના હીતચિંતકો દ્વારા પરિશ્રમ કરીને તે ઊભી કરવામાં આવી છે ત્યારે તેને આસાનીથી વિદેશી હાથોમાં જવા દેવાનું વ્યાજબી લેખાવી શકાય નહીં.
વિવિધ રાજકીય પક્ષો ઉપરાંત સ્વદેશી જાગરણ મંચે પણ ડિસઈન્વેસ્ટમેન્ટના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. નફો કરતા ઉપક્રમોના વેચાણ કરીને સરકાર શું સાબિત કરવા માગે છે તે સમજી શકાય એમ નથી.
જો કે બીપીસીએલ, એસસીઆઈ તથા કોન્કરમાંના હિસ્સાનું વેચાણ કરવાના સરકારના નિર્ણયથી આ કંપનીઓની કામગીરી વધુ મજબૂત બનશે અને હિસ્સાના વેચાણને કારણે કંપનીઓમાં નવું ઈન્વેસ્ટમેન્ટ આવશે જેને આધારે તેમાં આધુનિકરણ અને વિસ્તરણ હાથ ધરી શકાશે એમ ઉદ્યોગ સંસ્થા ફિક્કી દ્વારા એક તરફ દાવો કરાઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ આ કંપનીઓના કર્મચારી સંગઠનોએ નિર્ણય સામે અવાજ ઉઠાવી હડતાળની ચીમકી આપી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ખાનગી ક્ષેત્રના આગમનથી નોકરીઓ છીનવાઈ જવાના ભયને કારણે કર્મચારીઓ દ્વારા વિરોધ ઉઠી રહ્યો છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમો ખોટમાં ચાલવા પાછળના કારણો ભૂલભરેલી નીતિઓ તથા ખોટા નિર્ણયો રહેલા છે. સરકારે હાલમાં જે નિર્ણય કર્યા છે તે પાછળ અમલદારોની મેલી મુરાદ કામ કરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખાનગી ક્ષેત્ર સાથેના ઘરોબાને લઈને અમલદારો દ્વારા ઉપક્રમોના વેચાણની સલાહ આપવામાં આવી રહી છે. નાણાં ઊભા કરવાના સ્રોત તરીકે ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ આગળ ધપાવવો હોય તો આવા વેચાણમાં સરકારની એસેટસના યોગ્ય મૂલ્યાંકન મળી રહે તે જરૂરી છે.
નફો કરતા સરકારી ઉપક્રમો બહુરાષ્ટ્રીય કંપનીઓને સસ્તામાં પધરાવી દેવા પાછળ સરકારનું કયું ગણિત કામ કરે છે તેવો પણ સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયાનું વેચાણ નહી ંથઈ શકે તો તેને તાળાં મારી દેવા જેવી પણ વાતો સરકાર તરફથી કરવામાં આવી રહી છે જે દેશની નાણાં સ્થિતિ કેટલી હદે કથળી ગઈ હશે તેના સંકેત આપે છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમો ખાનગી હાથોમાં જઈને તેની નફાશક્તિ વધારી શકતા હોય તો સરકાર પાસે રહી તેમાં વધારો શા માટે થઈ ન શકે એવો ઊભો થઈ રહેલો સવાલ અસ્થાને નથી. એર ઈન્ડિયાની નાણાંકીય તથા અન્ય દસ્તાવેજો પર નજર નાખતા જણાય છે કે, એર ઈન્ડિયાના દેવા તથા એસેટસને રિસ્ટ્રકચરિંગ કરી તેના લાયાબિલિટીઝ ઘટાડી શકાય છે એટલું જ નહીં તેને ફરી પાછી દેશના ગૌરવસમી વિમાની સેવા બનાવી શકાશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ZlIcj
ConversionConversion EmoticonEmoticon