લોન મેળા થકી પૂરા પડાયેલા ધિરાણ બેન્કો માટે NPAને આમંત્રણ આપવા જેવો ઘાટ


છેલ્લા ત્રણ દાયકામાં  જોવા મળી ન હોય તેવી પદ્ધતિ અપનાવીને વર્તમાન સરકારે દેશની જાહેર ક્ષેત્રની બેન્કો પાસે લોન મેળાનું આયોજન કરાવી એક રીતે તેમની કામગીરીમાં દરમિયાનગીરી કરવાનું કામ કર્યું છે. દેશમાં નીચા આર્થિક વિકાસ દરને ધ્યાનમાં રાખી સરકારનું લોન મેળા યોજવાનું ફરમાન આવી પડયું હતું જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોને દેશભરમાં ૪૦૦ જેટલા લોન મેળા યોજવા સૂચના અપાઈ હતી.

આ લોન મેળામાં ૧૮ સરકારી બેન્કોએ રૂપિયા ૨૫૦૦ અબજની લોન્સ છૂટી કરી હોવાનું સરકાર વતી જાહેર કરવામાં આવ્યું છે. જો કે અગાઉ જે લોન્સ મંજુર કરાઈ હતી પરંતુ તેના નાણાં છૂટા કરાયા નહોતા તેનો પણ આમાં સમાવેશ થતો હોવાનો બેન્કરો દ્વારા દાવો કરાયો છે. લોન મેળા હેઠળ છૂટી કરાયેલી લોન્સમાં નિયમોને અભરાઈએ  ચડાવી દેવાયા હોવાનું  બેન્કરો ખાનગીમાં જણાવી રહ્યા છે.

સપ્ટેમ્બર મહિનાનો બેન્ક લોન છૂટી કરવાનો આંક જે ૧૨ અબજ ડોલર રહ્યો હતો જેની સામે ઓકટોબરનો આંક બમણો થઈને ૩૫ અબજ ડોલર જેટલો રહ્યો છે. ઓકટોબરનો આંક સામાન્ય કરતા વધુ રહ્યો છે અને તે જરદસ્તીનો સોદો હોવાથી બેન્કોની નોન પરફોર્મિંગ એસેટસ ફરી માથું ઊંચકે તો નવાઈ નહીં એવો પણ બેન્કરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. 

આ અગાઉ ૧૯૮૦ના દાયકામાં આવા પ્રકારના લોન્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સામાન્ય  સંજોગોમાં કોઈ વ્યક્તિ અથવા કંપની લોન્સ લેવા જાય છે ત્યારે ધિરાણમાં અનેક પ્રકારના કાગળિયા કરવામાં આવતા હોય છે એટલું જ નહીં બોરોઅરની વિશ્વસ્નિયતા પણ ચકાસાતી હોય છે. બેન્કો પાસે લોન્સ મેળાનું આયોજન કરાવીને સરકાર એક રીતે બેન્કો પર લોન્સ છૂટી કરવા દબાણ કરી રહી હોવાનું પ્રતિત થાય છે.

જો કે હાલમાં લોન્સ મેળાનું આયોજન કરવા પાછળનો વિચાર તહેવારો દરમિયાન વધુને વધુ લોન્સ છૂટી થાય તેવા સરકારના પ્રયત્ન  હતો એવો બચાવ કરવામાં આવ્યો હતો. બોરોઅરોના ઘરઆંગણે જઈને લોન્સ છૂટી કરવા પાછળનો અન્ય એક હેતુ ઉપભોગ માગ વધારવાનો પણ  રહ્યો હતો, પરંતુ પ્રાપ્ત આંકડા પર નજર નાખતા જણાય છે કે  દશેરા-દિવાળીના તહેવારો  દરમિયાન ઉપભોગ માગમાં ખાસ વધારો થયો નહતો.  

દેશની જાહેર ક્ષેત્રની બેન્કો  છેલ્લા કેટલાક વર્ષોથી જંગી એનપીએનો સામનો કરી રહી છે. આ એનપીએ વધવા પાછળના કારણોમાં ૨૦૦૧થી ૨૦૧૦ના દાયકાના મધ્ય ભાગમાં  ઉદ્યોગોને તથા કૃષિ ક્ષેત્રને અપાયેલી આડેધડ લોન્સ રહેલું છે. લોન્સ  પૂરી પાડવામાં બેન્કો પર થયેલા રાજકીય દબાણોએ આમાં મોટી ભૂમિકા ભજવી છે. 

રાજકીય આગેવાનો તથા ઉદ્યોગોની સાંઠગાંઠ પણ એનપીએ વધવા માટે કારણભૂત હોવાનું કહેવાય છે. એનપીએની આ સમશ્યામાંથી બેન્કોને  બહાર લાવવાના પ્રયાસો ચાલુ છે ત્યારે  લોન્સ મેળા યોજીને ધિરાણ પૂરા પાડવામાં બેન્કોની એનપીએમાં વધારો થવાના સંજોગો ઊભા થઈ શકે એમ છે.  દેશની જાહેર ક્ષેત્રની બેન્કો હાલમાં ૧૪ અબજ ડોલરની એનપીએનો સામનો કરી રહી છે. 

લોન્સ મેળા દરમિયાન લોન્સ છૂટી કરવામાં ઈન્કમ ટેકસ રિટર્ન્સ ભર્યાના પુરાવા અથવા પ્રોપર્ટી અથવા વાહનોના દસ્તાવેજની ચકાસણી પડતી મુકાઈ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. જે લોકોને લોન્સ છૂટી કરવામાં આવી છે તેમના બેન્ક ખાતાની ચકાસણી અને તેમની અગાઉની લોન્સના રિપેમેન્ટના ઈતિહાસને જ ધ્યાનમાં લઈ લોન્સ છૂટી કરી દેવાયાનો દાવો કરાઈ રહ્યો છે. સરકારના આવા પ્રકારના વલણથી બેન્કરો પર ફરી દબાણ વધ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. 

બેન્કરોની વાત માનીએ તો, સરકારની ધિરાણ નીતિ પછી તે કૃષિ ધિરાણ હોય કે નાના ઉદ્યોગ ગૃહો માટેની નીતિ હોય તેમાં ધોરણોનું પાલન કરવામાં આંખ આડા કાન કરાતા હોય છે અને તેને કારણે જ બેડ લોન્સમાં વધારો થાય છે. મુદ્રા લોન્સમાં વધી રહેલા એનપીએના  પ્રમાણ પ્રત્યે રિઝર્વ બેન્કે  તાજેતરમાં જ ચિંતા વ્યકત કરી હતી.

નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો પૂરો પાડવા  વર્તમાન સરકા દ્વારા  તેમની અગાઉની મુદતમાં  એટલે કે ૨૦૧૫માં મુદ્રા  લોન સ્કીમ દાખલ કરવામાં આવી હતી.  મુદ્રા લોન્સ છૂટી કરતા પહેલા લોન્સ મેળવનારાઓની બેન્કોએ પૂરતી ચકાસણી  થતી નહીં હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. મુદ્રા સ્કીમ હેઠળની લોન્સમાં એનપીએનો આંક ગયા નાણાં વર્ષમાં વધીને ૧૬૪.૮૧ અબજ ડોલર પહોંચી ગયો હતો.  

૧૯૮૦ના દાયકામાં જ્યારે લોન્સ મેળા મારફત લોન્સ છૂટી કરવાનું આયોજન કરાયું હતું ત્યારે લોન્સ માગવા આવનારાઓ માટે નિયમો એટલા હળવા બનાવાયા હતા કે તેમને તેમના એક ફોન નંબરને રહેઠાણ તથા આવકના પુરાવા તરીકે માની લઈને લોન પૂરી પાડવામાં આવી હતી.

આ ગાળામાં બેન્કોની નફાશક્તિમાં ઘટાડો થયો હતો અને બેડ લોન્સમાં વધારો. ૧૯૮૦માં બેન્કોનું રિટર્ન્સ ઓન એસેટનો આંક જે  ૦.૫૬ ટકા હતો તે ૧૯૯૦માં ઘટીને ૦.૧૫ ટકા પર આવી ગયો હતો. આવી જ કંઈક સ્થિતિનું આવનારા વર્ષમાં પુનરાવર્તન તો નહીં થાયને એવી પણ બેન્કીંગ ક્ષેત્રે ચિંતા ફેલાયેલી છે.

 લોન્સ મેળા મારફત છૂટી કરાયેસી લોન્સમાં બેન્કોનો અભિગમ વ્યવહારુ નહીં હોવાના  થઈ રહેલા દાવાને જોતા  એનપીએના દૂષણનું પુનરાવર્તન  થાય તો નવાઈ નહીં ગણાય.  એનપીએમાં અટવાઈ ગયેલી બેન્કોને બહાર કાઢવા માટે રિઝર્વ બેન્ક તથા સરકાર છેલ્લા બે વર્ષથી જોરદાર પ્રયાસો કરી રહી છે અને આ પ્રયાસોના  પૂરતા પરિણામ હજુ જોવા મળવાના બાકી  છે ત્યારે લોન્સ મેળાનું આયોજન   બેન્કો માટે આફતરૂપ સાબિત થશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.

કોર્પોરેટ લોન્સમાં એનપીએના ઊંચા પ્રમાણ બાદ બેન્કો રિટેલ, કૃષિ તથા એમએસએમઈ લોન્સ તરફ વધુ ધ્યાન આપવા લાગી છે ત્યારે તેમાં કોઈપણ પ્રકારની કચાસ બેન્કો માટે જૈસે થે તેવી સ્થિતિ બની રહેશે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં  એનપીએમાં વધારા માટે સરકારી નીતિઓ જ કોઈને કોઈ રીતે જવાબદાર હોવાનું સરકારે  હવે તો સમજી લેવું  જ પડશે.   

સરકારી ઉપક્રમો રાજકારણીઓ દ્વારા નહીં પરંતુ વ્યવસાયીક ધોરણે ચાલે તેની ખાતરી રાખવાની રહેશે.  ઊંચી એનપીએને પરિણામે બેન્કો માંદી પડી છે. આ માંદગીના કારણો સરકાર તથા નીતિવિષયકો સારી રીતે જાણે છે, તેમ છતાં  બેન્કોની કામગીરીમાં તેમની દરમિયાનગીરી ઓછી થતી નથી એ આપણું કમનશીબ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P3GPWX
Previous
Next Post »