મોંઘવારી વકરવાના, અર્થતંત્રની વૃધ્ધિ ખોટકાવાના એંધાણ


ફેબુ્રઆરીથી ઓક્ટોબર દરમિયાન ૧૩૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો અને સરકારી પગલાઓની જોઇએ તેટલા પ્રમાણમાં અસર જોવા મળી નથી

ગ્રાહક અને વ્યવસાયિક (બિઝનેસ) વિશ્વાસ ઘટયો હોય તે વખતે માત્ર વ્યાજદરમાં ઘટાડો થવાથી માંગ ઉત્તેજીત થતી નથી

આખરે રિઝર્વ બેંક દ્વારા છેલ્લા કેટલાક ત્રિમાસિકથી ભારતીય અર્થતંત્ર સામે અનેક પ્રતિકૂળતાઓ/પડકારો ઉદ્ભવ્યા છે તે સ્વીકારીને વિવિધ નાણાસંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓના ચીલેચાલીને અર્થતંત્રની વૃધ્ધિનો અંદાજ ઘટાડીને ૫ ટકા કર્યો છે તેની સાથોસાથ દેશમાં ફુગાવો અપેક્ષા કરતા ઘણો ઊંચો છે તેમ જણાવીને ચાલુ નાણાં વર્ષમાં છેલ્લા છ માસમાં ફુગાવો ૪.૭ ટકાથી ૫.૧ ટકા વચ્ચે રહેવાનો અંદાજ મુક્યો છે. આમ, રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા બાદ દેશમાં મોંઘવારી વકરવાના અને અર્થતંત્ર ડામાડોળ બન્યું હોવાની બાબતને પુષ્ટિ મળી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુવર્ષે અત્યાર સુધીમાં રેપોરેટમાં ૧.૩૫ ટકાનો ઘટાડો કર્યા બાદ ગત સપ્તાહે ધિરાણ નીતિની સમીક્ષા બાદ પોલિસી રેટ યથાવત રાખીને આશ્ચર્ય સર્જ્યું હતું. અર્થતંત્રની વૃધ્ધિ ખોટકાવા સહિતની અન્ય પ્રતિકૂળતાઓને જોતા રિઝર્વ બેંક પોલિસી રેટમાં ઘટાડો થવાની તમામને અપેક્ષા હતી.

પરંતુ મધ્યસ્થ બેંકે રેટ ઘટાડાની સાઈકલ પર બ્રેક મારીને જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંક અને સરકાર દ્વારા અત્યાર સુધી ભરાયેલા પગલાંની અસર કેવી થઇ છે તેનો અભ્યાસ કર્યા બાદ અને આગામી બજેટમાં સરકાર કેવા પગલાં ભરે છે. તે જોયા બાદ જ વ્યાજદર અંગે નિર્ણય લેવાશે. આમ, હવે આગામી બજેટ પછી વ્યાજ દર અંગે નિર્ણય લેવાશે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે.

આર્થિક નિષ્ણાંતોના મત મુજબ રિઝર્વ બેંકની આ કવાયત સમયસરની છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો એ એક મજબૂત સરાહનીય પગલુ છે. પરંતુ તે ટ્રેકશન મેળવવામાં સમય લેશે. આમ, રિઝર્વ બેંકની કવાયત જોતા એમ કહી શકાય કે આગામી વર્ષ પણ પ્રતિકૂળ જણાઈ રહ્યું છે. વર્ષાન્ત આસપાસ અર્થતંત્રમાં વૃધ્ધિ જોવા મળશે.

આરબીઆઈએ કન્ઝ્યુમર પ્રાઈસ ફુગાવા (સીપીઆઈ)ના અંદાજમાં સુધારો કર્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા અર્ધવાર્ષિક ૫.૧-૪.૭ ટકા અને ૨૦૨૦-૨૧ના પહેલા અર્ધવાર્ષિક ૪-૩.૮ ટકા છે. થોડા દિવસો અગાઉ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) ૪.૫ ટકા ઉતરી આવી હતી જે છ વર્ષમાં સૌથી નીચલું સ્તર છે.

મોટાભાગના ક્ષેત્રો હાલ મેક્રો હેડવિન્ડસનો સામનો કરી રહ્યા છે. તમામ બ્રોડ મેક્રો પરિમાણો (રોકાણ, ઘરેલું અને વૈશ્વિક) નાણાકીય વર્ષ ૨૦૧૪ પછીના નીચા સ્તરે/નજીક છે. અહેવાલો સૂચવે છે કે ગ્રાહક અને વ્યવસાયિક વિશ્વાસ બંનેમાં ઘટાડો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (આઈઆઈપી) મુખ્ય ક્ષેત્રની વૃધ્ધિ અને ગ્રામીણ રોજગારની સંખ્યા બાબતે પણ પ્રતિકૂળ માહોલ ઉદ્ભવેલો છે.

'વર્તમાન વાતાવરણ હેઠળ જ્યારે વ્યવસાય અને ગ્રાહક બંનેનો વિશ્વાસ વધ્યો છે ત્યારે એકલા દરમાં ઘટાડો થવાથી વપરાશ અને/અથવા રોકાણની માંગ ઉત્તેજીત થતી નથી. સરકારે જાહેર કરેલા વિવિધ પગલાઓની સાથે સાથે ફેબુ્રઆરી-ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન પોલિસી રેટમાં ૧૩૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો જોઇએ તેટલા પ્રમાણમાં અસરકારક પૂરવાર થયા નથી એમ કહેવું અસ્થાને નથી.'

'વર્તમાન જોખમો બેલેન્સ શીટ ડિલિવરેજિંગ ચક્રને લંબાવતા, ખાનગી રોકાણ ચક્રની રીકવરી મુલતવી રાખવાથી ભારતની સંભવિત વૃધ્ધિને વધુ નુકશાન થશે. જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦ અને નાણાકીય વર્ષ ૨૦૨૧માં પણ નિરાશા જળવાઈ રહે તેવી અપેક્ષા છે.' નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૦માં જીડીપી વૃદ્ધિનો અંદાજ ૪.૯ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૬.૧ ટકાનો અંદાજ રજૂ ક્રયો છે.

વૈશ્વિક અર્થતંત્રની મંદી અને ઘરેલુ માંગમાં સ્થગિતતા વચ્ચે આગામી સમયમાં દેશમાં ફુગાવો માથું ઊંચકશે અને મોંઘવારી બેકાબૂ બની શકે છે અને બીજી તરફ આર્થિક વૃદ્ધિદર નબળો પડી શકે છે તેવી શક્યતા છે. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળા માટે ફુગાવાના દરનો અંદાજ વધારીને ૫.૧-૪.૭ ટકા કરી દીધો છે, જે તેના અગાઉના ૩.૫-૩.૭ ટકાના અંદાજથી ઘણો જ વધારે છે. ડુંગળી અને ટામેટા સહિત શાકભાજીના ભાવમાં ભારે ઉછાળાને કારણે ફુગાવો વધી રહ્યો છે. આ સાથે જ  ઇમ્ૈંએ જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ચાલુ વર્ષ માટે ૬.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે.

રિઝર્વ બેન્કે તેની પોલિસી બેઠક દરમિયાન કહ્યું હતું કે 'આગામી સમયમાં ફુગાવો અનેક પરિબળોને કારણે વધશે. શાકભાજીના ભાવ વધ્યા છે તે આગામી મહિનાઓમાં હજી ઊંચા જ રહેશે. ખરીફ પાક આવશે પછી ફેબુ્રઆરીની શરૂઆતમાં ભાવ અંકુશમાં આવે તેમ જણાય છે.'

કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ વધારતા પરિબળો અંગે રિઝર્વ બેન્કે કહ્યું હતું કે ખાદ્યચીજોનો ફુગાવાનો દર ઓક્ટોબરમાં ૬.૯ ટકા રહ્યો હતો, જે ૩૯ મહિનામાં સૌથી વધારે હતો. અનેક રાજ્યોમાં ચોમાસું પૂરું થવાના સમયે ભારે વરસાદ અને પૂર આવતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા.

આ ઉપરાંત ફળ, દૂધ, કઠોળ, અનાજના ભાવ પણ વધ્યા છે, જેને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો છે. ઘાસચારો પણ મોંઘો બન્યો હોવાથી દૂધના ભાવ વધ્યા છે. કઠોળમાં ઉત્પાદન ઘટયું છે અને વાવેતર પણ ઘટયું છે. લઘુત્તમ ટેકાના ભાવની પણ અસર જોવાઈ છે. ખાંડ અને કન્ફેકશનરીના ભાવ સપ્ટેમ્બર સુધી નીચા હતા, પણ ઓક્ટોબરમાં તેમાં પણ ઉછાળો આવ્યો હતો.

કારણ કે શેરડીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ઘટયું હતું. આ તમામ પરિબળોને ધ્યાનમાં લઇને ઓક્ટોબર ૨૦૧૯થી માર્ચ ૨૦૧૯ના છ મહિનાના ગાળા દરમિયાન ફુગાવાનો દર ૫.૧-૪.૭ની રેન્જમાં રહેશે તેવો અંદાજ આપ્યો છે. આગામી નવા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં ફુગાવાનો દર ૪.૦-૩.૮ વચ્ચે રહેશે તેવી ધારણા તેણે દર્શાવી છે.

બીજી તરફ રિઝર્વ બેન્કે કહ્યું છે કે આર્થિક વૃધ્ધિનો દર અર્થાત જીડીપી વૃદ્ધિદર ચાલુ વર્ષે ૫ ટકા રહેશે. અગાઉ તેણે તેનો અંદાજ ૬.૧ ટકા દર્શાવ્યો હતો. તેણે કહ્યું હતું કે સ્થાનિક માંગ નબળી પડી છે અને નિકાસ પણ ખાસ વધી નથી. સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર માત્ર ૪.૫ ટકા રહ્યો હતો, જે છ વર્ષના તળિયે હતો. આરબીઆઈએ કહ્યું કે ચાલુ વર્ષ માટે રિયલ જીડીપી ગ્રોથ ૫ ટકા જ રહેશે તેવો અંદાજ છે. ઓક્ટોબરથી માર્ચના ગાળામાં વૃદ્ધિદર ૪.૯-૫.૫ ટકા રહેવાની ધારણા છે અને આગામી ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં તે ૫.૯-૬.૩ ટકા રહેવાની ધારણા છે.

બેન્કો આરબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ઘટાડાયેલા વ્યાજનાદરનો લાભ ગ્રાહકોને આપવામાં ઝડપ કરે અને વૈશ્વિક ટ્રેડ ટેન્શનનો ઝડપી ઉકેલ આવે તો ગ્રોથ ઝડપથી વધી શકે છે. તેનાથી ઊલટું, જો બેન્કો વ્યાજના દરનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચાડે અને વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહેશે તો આર્થિક નરમાઈ આગળ ધપવાનું જોખમ પણ છે. આમ, આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને મોંઘવારી અને આર્થિક ક્ષેત્ર એમ બેઊ તરફથી ફટકો પડી શકે છે.

સરકારી યોજનાના વ્યાજદર વધશે કે ઘટશે ?

રિઝર્વ બેંકના પોલિસીરેટને યથાવત રાખવાના નિર્ણય બાદ સરકારી વિવિધ યોજનાના વ્યાજ દર વધશે કે ઘટશે તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

આ મુદ્દે જાણકાર વર્તુળોે જણાવ્યું હતું કે સરકાર ચાલુ માસે આગામી સમયમાં નાની બચત યોજનાઓના વ્યાજના દરની સમીક્ષા કરશે. ત્યાર પછી પોસ્ટ ઓફિસ, સુકન્યા સમૃધ્ધિ સહિતની અન્ય યોજનાઓના વ્યાજ દર વધશે કે ઘટશે તે જાણવા મળશે.

RBIનો વૃધ્ધિનો અંદાજ લેહમેન ક્રાઈસીસ વેળાથી પણ નીચે

રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્ર દ્વારા વૃધ્ધિનો જે અંદાજ મુકાયો છે તે લેહમેન ક્રાઈસીસ વેળાની સપાટીથી પણ નીચો હોવા છતા સરકાર અને રિઝર્વ બેંક હાલની આર્થિક મંદી અંગે ગંભીરતા દાખવતી નથી.

રિઝર્વ બેંકે તાજેતરમાં જ વૃધ્ધિનો અંદાજ ઘટાડીને ૫ ટકા કર્યો છે. જે અમેરિકાની લેહમેન ક્રાઈસીસના સમયથી પણ નીચો છે તેમ જાણકારોએ જણાવ્યું હતું.

Wait & Watch till budjet

રિઝર્વ બેંકે એકોમોડેટિવ વલણ અપનાવીને આગામી બજેટ સુધી વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજદરમાં કરાયેલ ૧.૩૫ ટકાનો ઘટાડો અને અર્થતંત્રને વેગ આપવા સરકાર દ્વારા ભરાયેલા શ્રેણીબધ્ધ પગલાની અસર આગામી સમયમાં જોવા મળશે.આરબીઆઈ ગર્વનરે જણાવ્યું હતું કે અમે આગામી ફેબુ્રઆરીમાં રજૂ થનાર કેન્દ્રિય બજેટમાં સરકાર કેવા પગલા ભરે છે તેની રાહ જોઈ રહ્યા છે. આમ, રિઝર્વ બેંક દ્વારા આગામી બજેટ સુધી વેઇટ એન્ડ વોચની નીતિ અખત્યાર કરવામાં આવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3537IzP
Previous
Next Post »