જરૂર છે એન્જિયોપ્લાસ્ટીની અને સરકાર ટેબ્લેટ આપી સંતોષ માને છે...


વર્તમાન સમયમાં વૈશ્વિક ટ્રેડ વોરનો ઉન્માદ લગભગ રોજ અખબારો અને ન્યુઝ ચેનલોની હેડલાઈન બનીને છલકાય છે. ખાસ કરીને અમેરિકા અને ચાઈના વચ્ચેના વેપારી યુદ્ધમાં પડધમ ચર્ચાઓમાં ગાજે છે અને વિશ્વભરના શેરબજારો એની અસર તળે દબાય છે. વિકસિત દેશ હોય કે વિકાસશીલ, આ કઠિન સમયમાં હરકોઈ દેશ આર્થિક રીતે ઝઝૂમી રહ્યો છે અને ટકી રહેવાના ઉપાય શોધે છે. ઈવન રિચ  કન્ટ્રીઓને પણ પોતાનું  ભાવિ ડામાડોળ લાગે છે.

બધા દેશો સ્વનિર્ભર બનવા માંગે છે, ઘરેલું ઉત્પાદન વધારીને આયાતને  જાકારો આપવા માગે છે . ૨૦૧૪માં વર્તમાન શાસકો જ્યારે પહેલી વખત ચૂંટાઈને આવ્યા ત્યારે મેક ઈન ઈન્ડિયા ઝુંબેશનો આક્રમક પ્રચાર કર્યો હતો.  હકીકતમાં  ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અગાઉ  પ્રચાર દરમિયાન જ મેક ઈન ઈન્ડિયાનું સપનું દેશના  નાગરિકોની આંખમાં આંજીને મૂર્ખ બનાવ્યા હતા.

સ્વનિર્ભર રાષ્ટ્ર બનવું એ કોઈ ગુનો નથી પણ એક આદર્શ પરિસ્થિતિ છે. પણ, એના માટે  સક્રિય  સરકારી ઉત્તેજન અને મદદ જોઈએ, અકારણ હસ્તેક્ષેપ નહીં. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એમએસએમઈ ક્ષેત્ર એન્જિન માનવામાં આવે છે. નોટબંધી અને જીએસટીના અતાર્કિક અમલીકરણ  પછી ભારતમાં આ ક્ષેત્રને અનેકવિધ પડકાર ઝીલવાનો વારો આવ્યો છે. 

એક તરફ મુઠ્ઠીભર માછલાઓ અબજો રૂપિયા ચાઉ કરીને વિદેશ સ્થાયી થઈ ગયા છે અને બીજી તરફ એમએસએમઈ  ક્ષેત્ર કરોડની લોન  માગે તો બેન્કવાળા હાથ ઊંચા કરી દે છે. ખોટે ખોટા કોલેટરલ માગે છે અથવા પ્રવાહિતાના અભાવનું કારણ આગળ ધરી દે છે. જેને પરિણામે આ નાના વેપારીઓને  ઊંચા દરે ધિરાણ લેવું પડે છે. ક્ષેત્ર પર પારાવાર નિયંત્રણો છે અને ટેકનોલોજી વિશે એમને સમજ નથી અને સમજ વિકસાવે એવા પ્લેટફોર્મનો અભાવ છે. આ તમામ પરિબળોને કારણે ક્ષેત્રનો વિકાસ રુંધાઈ ગયો છે.

આ કારણો ઓછા હોય એમ છેલ્લા ૨૪ મહિનામાં એનબીએફસી ક્ષેત્રમાં ભારે ગરબડ-ગોટાળા બહાર આવ્યા છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ અબજોની લોન માંડવાળ કરી છે તો એનબીએફસી અને બીજી ફાઈનાન્શિયલ સંસ્થાઓમાં હડકંપ મચ્યો છે. જેને પરિણામે રોકડની તરલતાથી પાઈપલાઈન સાવ જ બ્લોક થઈ ગઈ છે. દેશના વિકાસનું એન્જિન સમુ આ ક્ષેત્ર રાહ જુએ છે સરકારી એન્જિયોપ્લાસ્ટીની અને સરકાર ઈન્જેકશન આપતા ગભરાય છે.

તાતી જરૂર છે કે સરકારે નવા મેન્યુફેકચરીંગ યુનિટેક માટે પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરે. આખું આઈટી કંપનીઓએ સ્વબળે તૈયાર કર્યું જ છે. સત્તાની એક ખુરશી આધીન તમામ માળખાકીય સુવિધા ઊભી થાય એવા મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ તૈયાર કરવા  જોઈએ. આ પાર્કોમાં એસટીપી, ઈટીપી, ટ્રાન્સફોર્મર, પેકેજિંગ, જનરલ  યુટિલિટી સપોર્ટ,  લોજિસ્ટિક મેનેજમેન્ટ ઈત્યાદિ તમામ સગવડ ઊભી કરવી જોઈએ.

જો આ પ્રકારના સંજોગોનું નિર્માણ કરવામાં આવે તો સંભવિત મેન્યુફેકચરીંગ યુનિટે જમીન સંપાદન, વીજળી અને પાણી કનેકશન ઈત્યાદિ  પડકારોની  ચિંતા કર્યા વગર માત્ર પ્લાન્ટ એન્ડ મશીનરી લઈને આવવું પડશે. મોટાભાગની મલ્ટિનેશનલ કંપનીઓ  માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપવામા મોટો અંતરાય ભૂ-સંપાદન છે.

પ્લગ  એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રકચરની સગવડ મળે તો જમીન, બિલ્ડિંગ, વીજળી અને પાણી કનેકશન, કોમન ઈન્ફ્રાસ્ટ્રકચર મેન્યુફેકચરિંગ યુનિટો માટે ઉભી કરશે અને ઈન કેસ વર્સ્ટ કેસ સિનારિયોમાં પ્રોજેકટ  વ્યવહારુ ન લાગે તો  પ્લાન્ટ એન્ડ મશીનરીનું   હસ્તાંતરણ પણ સુગમ બનશે. અને મેન્યુફેકચરીંગ યુનિટનું હસ્તાંતરણ પણ વધુને વધુ ઉદ્યોજકો આ ઈન્ફ્રાસ્ટ્રકચર ઘરાવતા મેગા પાર્કમાં આપે એ માટે ભાગ ઉંચા ન રાખતા વૈશ્વિક રેન્ટલની સમીક્ષા કરી ભાડાં નક્કી કરવા  જોઈએ.

પરંપરાગત રીતે, ભારતમાં જમીન રોકાણ કરવાનો એક આકર્ષક વિકલ્પ મનાય છે અને ભવિષ્યમાં એ સારી મિલ્કત પૂરવાર થાય છે. દેશમાં ઈન્ડસ્ટ્રિયલ લેન્ડનું રૂપાંતર કોમર્શિયલ લેન્ડમાં કરી અનેકોના નસીબ આડેના પાટિયા ખસી ગયા છે. પરંતુ હાલમાં જમીનની કિંંમતો ઓલરેડી હાઈ છે અને અત્યંત નિકટનાં ભવિષ્યમાં ઉપર જવાની નથી.

આ સંજોગોમાં ઘણી કંપનીઓ જમીનની ખરીદી કરવા પ્રેરાતી નથી. પરંતુ આ પ્રકારના ઈન્ડસ્ટ્રિયલ પાર્ક રોકાણ માટે તથા વ્યવસાય કરવા આકર્ષક વિકલ્પ પૂરો પાડશે. હાલમાં ભારત ઘણા દેશો સાથે વેપારખાદ્યનો સામનો કરી રહ્યું છે. ટ્રેડ સરપ્લસ નેશન તરીકેનો દરજ્જો મેળવવો હોય અને વૈશ્વિક વેપાર યુદ્ધની અસર હલ કરવી હોય તો સરકારે ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. આ કામ નાના ઉત્પાદકો તો જ કરી શકશે જો સરકાર ઉત્તેજન આપે અને માત્ર મોટા ઉદ્યોગપતિઓની સોડમાંથી બહાર આવે.

એમએસએમઈ ક્ષેત્ર પાસે જ રોજગાર ઊભા કરવાની ત્રેવડ છે. મોટા મોટા ઉદ્યોગો ખર્ચ ઘટાડવા માટે રોબો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને શરણે ગયા છે. છ વરસ જૂની મેક ઈન ઈન્ડિયા ઝુંબેશની કલ્પના તો જ આકાર લેશે જો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સરળ ધિરાણ અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર સવલતો ઉદ્યોજકોને મળશે. ગ્લોબલ ટ્રેડ વોરની અસર કોઈ પણ દેશ નાબૂદ તો ન કરી શકે પણ તીવ્રતા ઓછી કરવાના પગલાં સરકાર જરૂર લઈ શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sbtbbm
Previous
Next Post »