
સોના-ચાંદી બજારમાં અમેરિકા-ચીન વેપાર ડીલની સાથે સાથે અન્ય કેટલાક મુદ્દાઓ પણ સુસ્તી પાછળ જવાબદાર બની રહ્યા છે. આગામી ૧૫મી જાન્યુઆરીથી ઉત્તરાયણ બાદ કે કેન્દ્ર સરકારે હોલમાર્કીંગ લાગુ કરવાની જાહેરાત ભારતીય ઝવેરી બજાર માટે મોટું શિરદર્દ બની રહ્યું છે. ગ્રાહકોને શુધ્ધ પ્રમાણિત ગુણવત્તાયુક્ત સોનું મળે તે હેતુથી સરકાર હોલમાર્કીંગ સીસ્ટમ ઉત્તરાયણ બાદ અમલી કરી રહી છે.
સરકારે હાલમાં નોન હોલમાર્કીંગ સોનાના જથ્થાને હોલમાર્કીંગ કરવા માટે એક વર્ષનો સમય આપેલ છે. એટલે કે ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી દેશભરમાં સોનાના ઘરેણાં ઉપર BIS હોલમાર્કીંગ ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યારબાદ કોઇ પણ વેપારી નિયમોનો ભંગ કરે છે તો તેને એક વર્ષની કેદ ઉપરાંત સોનાની કિંમતનો પાંચ ગણો ટેક્ષ વસુલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
ભારતમાં સરકાર છેલ્લા ૧૫ વર્ષથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કીંગ ફરજિયાત કરવા કસરત કરી રહી છે પરંતુ સફળતા મળેલ નથી. પરંતુ આ વખતે સરકારે ઉત્તરાયણ બાદ હોલમાર્કીંગ અમલી બનાવતાં સમગ્ર ઝવેરી બજાર હવે હરકતમાં આવી ગયું છે. સરકારે એક વર્ષની છુટછાટ આપી છે. સરકારે ૧૪, ૧૮ તથા ૨૨ કેરેટના ઘરેણાં અમલી કર્યા છે. જેને લઇને એક વર્ષમાં ઝવેરીઓને પોતાનો જુનો સ્ટોક જે હોલમાર્કીંગ વગરનો છે તે તમામ સ્ટોક ખત્મ કરવો પડશે. જેના લીધે હાલમાં ઝવેરી બજારમાં નફા રૂપી વેચવાલીનું પ્રેસર વધે તેવી ભીતિ છે.
ભારતને બાદ કરતાં અન્ય દેશોમાં હોલમાર્કીંગ ફરજિયાત છે. એટલે કે અન્ય દેશોમાંથી આવતા સોનાની શુધ્ધતાને લઇને કોઇપણ જાતની આશંકા હોતી નથી. ભારતમાં સોનાની શુધ્ધતા અને પ્રમાણિકતાને સંદર્ભે અનેક આશંકાઓ આજે જોવા મળે છે. ઘણાબધા ઝવેરીઓ ગ્રાહકોના ભોળપણ અને વિશ્વાસનો લાભ ઊઠાવી સોનામાં ભેળસેળ કરી છેતરપીંડી કર્યાની ઘટનાઓનો પાર નથી.
જો કે સરકારે હવે ઉત્તરાયણ બાદ BIS હોલમાર્કીંગ અમલી બનાવતાં ભારતીય સોનાની શુધ્ધતા ક્વોલીટીનો ઈસ્યૂ પૂર્ણ થશે તે નિશ્ચિત બન્યું છે. હવે સોનાના ઘરેણાની નવી નવી ડિઝાઇનો તથા ગ્રાહકોને આપવામાં આવતી પ્રિ અને પોસ્ટ સર્વીસ તેમજ જ્વેલરી મેકીંગ ચાર્જને લઇને ઊભા મુદ્દાઓ ઉપર ઝવેરીઓએ ધ્યાન આપવાની જરૂર પડશે તેમ છે. એટલે ઘરેણાંની ક્વોલીટીનો ઈસ્યૂ હોલમાર્કીંગના કારણે સોલ્વ થનાર છે.
ભારતમાં હાલમાં લગભગ ત્રણેક લાખ જ્વેલર્સ કાર્યરત છે. તે પૈકી માંડ ૧૦ ટકા જેટલા જ્વેલર્સ પાસે હોલમાર્કીંગ સીસ્ટમનું લાયસન્સ છે. હોલમાર્કીંગ સીસ્ટમના અમલીકરણ બાદ ભારતીય સોનાની તેમજ ઝવેરી બજારની શાખ વૈશ્વિક સ્તરે વધશે તે નિશ્ચિત છે. સાથે સાથે ભારતીય સ્થાનિક બજારમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ તથા ભરોસો વધશે. સરકારે ૧૪, ૧૬ તથા ૨૨ કેરેટના સોનાના દાગીના ઉપર હોલમાર્કીંગ જરૂરી કર્યું છે.
ભારત સરકારે હોલમાર્કીંગ સીસ્ટમ અમલી બનાવી પરંતુ તેની જવાબદારી માત્ર રિટેઇલર્સ ઉપર ઢોળવામાં આવતાં બજારમાં થોડોક કચવાટ પણ ઊભો થઇ રહ્યો છે. સોનાની ક્વોલીટી લેવલની જવાબદારી રિટેઇલર્સની સાથે સાથે ક્વોલીટી ચેક કરતું હોલમાર્કીંગ સેન્ટર તેમજ મેન્યુફેકચર્સ ઉપર પણ જવાબદારી હોવી જોઇએ તેવી માંગ ઊઠી રહી છે.
જોકે હવે માત્ર એક વર્ષનો સમય નોન-હોલમાર્કીંગ સોનાના જથ્થાને ખત્મ કરવાનો રહેતો હોવાથી બજારમાં અફડાતફડીનો માહોલ રહે તેમ છે. જે સોનામાં સુસ્તી ઊભી કરે તેમ છે. આ ઉપરાંત આ વર્ષે સતત ચોમાસાને કારણે ચોમાસુ ખેતી મોટેભાગે નિષ્ફળ જતાં ગ્રામ્ય લેવલની માંગ પણ નબળી રહેતાં હાલમાં સોનાની સુસ્તી જવાબદાર ફેકટર બની રહ્યું છે. હાલમાં સોનું ૩૮૯૦૦ અને ચાંદી ૪૫૫૦૦ની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
કોમોડિટીના એગ્રી સેકટરમાં વાયદા બજારમાં એરંડાકાંડ થયા બાદ દલાલો, હેજરો તથા વેપારીઓએ લાખો અને કરોડોના નુકસાન બાદ અવિશ્વાસનો માહોલ છવાયો છે. એરંડા ઉપરાંત અન્ય કોમોડિટી ચીજોમાં પણ વેપારીઓએ વાયદા વેપારમાં રસ ઓછો કરી વેપાર ઘટાડી દેતાં વોલ્યુમ તળીએ ગયા છે. સરેરાશ ૬૦ થી ૭૦ ટકા વોલ્યુમ ડાઉન થઇ જતાં એગ્રી કોમોડિટી વાયદામાં ભારે સુસ્તીનો માહોલ છે.
સોના બજારમાં તેજીના કારણે ઉંચા ભાવોને કારણે લોકલ બજારોમાં ઘરાકીના અભાવે સુસ્તી છે. કોમોડિટી બજારની સામે શેરબજારમાં તેજીનો માહોલ છે. રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડડીલ ઉપર જોડાઇ છે. ચીને અમેરિકા સાથે વેપારી તણાવ ઓછો કરવા માટે એક પગલું આગળ વધીને સોયાબીન અને સુઅર માંસની આયાત ઉપર ડયુટીમાં રાહત આપવાની જાહેરાત કરતાં રોકાણકારોમાં નવી આશા અને અપેક્ષામાં વધારો થયો છે. જેના કારણે શેરબજારમાં નવી રોનક સાથે તેજી આગળ વધી રહી છે. જેની સામે સોના-ચાંદી બજારમાં સુસ્તી વધી જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LB2W4Z
ConversionConversion EmoticonEmoticon