
'મોટાભાઈ, જિંદગી પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ અલગ છે. તમે સાદગીના સોદાગર છો અને હું મોજમસ્તીનો માણીગર.' - નાનાભાઈ અધીતે સુગીતને કહ્યું
સુગીત અને અધીત બન્ને સગા ભાઈઓ. સુગીત અધીત કરતાં ત્રણ વર્ષે મોટો. બન્ને દેખાવમાં એક સરખા. જાણે જોડીઆ ભાઈ. પ્રમોદરાય કહેતા : હું સુગીતને મારા જેવો બનાવીશ.
'બિલકૂલ નહીં. તમે '૧૯૬૦'નું મોડેલ છો અને સુગીત '૨૦૧૦'નું... તમારા ગ્રામીણ સંસ્કારો સુગીતને લેશમાત્ર નહીં ગમે. એને આંબલી-પીંપળી કે ગિલ્લી-દંડાની રમતમાં રસ નહીં પડે. નદીમાં સ્નાન કરવું કે જામફળીનાં જામફળ જાતે તોડી લાવી ખાવાનું પણ પસંદ નહીં પડે અને તમારી ગામઠી શાળામાં ભણવાની તો એ કલ્પના સુદ્ધાં નહીં કરે. સુગીત અને અધીતને તો હું મારા જેવા 'અલ્ટ્રા મોડર્ન' બનાવીશ. તમારા કરતાં હું દસ વર્ષ નાની છું, માત્ર ૪૯ વર્ષની, પણ મને કોઈ 'કાકી' કહે એના પ્રત્યે સખત નફરત છે.
માણસને વયથી નહીં એનામાં ધબકતા જોમથી માપવો જોઈએ. વાનપ્રસ્થ જેવો શબ્દ મને દીઠો નથી ગમતો. હું તો સદાબહાર યુવતી છું... તમારી ઢળતી વય મારા પર લાદવાની કોશિશ ન કરશો. હું ગામના ગોંદરનો જીવ નથી, પણ ઝળહળતા શહેરનો જીવ છું, એટલે તો તરોતાજા રહેવા દર વર્ષે મારા ભાઈ કૃતાર્થને ઘેર રહેવા જાઉં છું. કૃતાર્થ આઈ.એ.એસ. ઓફિસર છે અને ઠાઠથી રહે છે, તમારા જેવો મુજી નથી. દર વર્ષે એ મને ઉનાળાના વેકેશનમાં બાળકો સાથે બોલાવે છે. હું મોજમજાની મહેચ્છાની મારી 'બેટરી' ચાર્જ કરી લઉં છું. - શ્રીમતી મૈત્રેયીએ કહ્યું...
'કોણ કેવું નીવડશે એની આગાહી કરવી એ મૂર્ખતા છે. દરેક માણસ એક વિશેષ પ્રકૃતિ લઈને જન્મે છે અને તે મુજબ જ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. હકીકતમાં હું સુગીતને મારા જેવો બનાવીશ કે તું અધીતને તારા જેવો બનાવીશ, એમ માનવું એ ભ્રમ છે, ભૂલ છે. બાળકો પર આપણા વિચારો અને સંસ્કારો લાદવા એ ઘોર અનર્થ છે.
આપણે બાળકના રખેવાળ છીએ, માલિક નહીં. મારા પિતાજી મને નોકરી કરાવવા ઈચ્છતા હતા, પણ મને ખેતીમાં રસ હતો. શીતળ વાયુ વિંઝણો ઢોળતો હોય, પક્ષીઓનો કલરવ સંભળાતો હતો, પંપથી નીકળતા પાણીથી છોડ પરિતૃપ્ત થતા હોય અને શ્રમજીવી મજૂર અને તેની પત્ની ખભેખભા મિલાવી નિંદામણ કરતા હોય અને રોટલાં તથા શાક સાથે છપ્પન ભોગથીયે અદકેરો ભોજન આનંદ માણતા હોય એ બધાના સાક્ષી બનવું એ પણ એક લહાવો છે.
હું તો ઈચ્છતો હતો કે હું જાતે ખેતર ખેડતો હોઉં અને તું ભાત લઈને આવે, આપણે રામે દીધા રોટલાનો સહજ સ્વાદપરસ્પરના સંગે માણીએ, પણ તું તારા પિતાની દોમદોમ સાહ્યબી વચ્ચે ઉછેરલી, એટલે ગામડાની ગોરી બનવાનું તને મંજૂર નહોતું... હજીયે તારામાં શહેર બોલે છે અને મારામાં ગ્રામલક્ષ્મી. પણ આપણી વચ્ચે મેં મતભેદ કે મનભેદ ઉભો થવા દીધો નથી, કારણ કે હું ધરતીપુત્ર છું. મારી ધરતી માતાએ મને સહિષ્ણુતા શીખવી છે. તારી દુનિયા તને મુબારક, મારી દુનિયા મને મુબારક. ચાલ, નાસ્તાનો સમય થયો છે. કકડીને ભૂખ પણ લાગી છે. ગઈ કાલે ગુરૂવારનો ઉપવાસ હતો' - પ્રમોદરાયે કહ્યું...
'અરે દક્ષાબેન, સાહેબ માટે ગરમાગરમ બટાટાપૌંઆ બનાવી લાવો, અને સાથે ઓછી ખાંડની ચા' - મૈત્રેયીએ આદેશ આપ્યો.
'કાયમ દક્ષાબેનના હાથની રસોઈ અને નાસ્તો ! તારા હાથની રસોઈ કે નાસ્તાની મિઠાશ માણવાનો મને મોકો તો આપ ! પારકાંએ પારકાં ને પોતાનાં એ પોતાનાં.' પ્રમોદરાયે ટકોર કરી.
'ઈશ્વરે ઉદાર હાથે લક્ષ્મીની કૃપા વરસાવી છે તો પછી પત્ની તરીકે મારે વૈતરું કરવાની શી જરૂર ? જેમની પત્નીઓ ઘરની રસોઈ સંભાળતી હોય છે, એ લોકો પણ રેસ્ટારન્ટમાં 'લંચ' કે 'ડિનર' લેવા જતાં હોય છે દક્ષાબેન તો હરતુ-ફરતું રેસ્ટોરન્ટ છે.' - મૈત્રેયીએ હસતાં-હસતાં કહ્યું...
'તને ગરથૂથી માઈક્રોફોનમાં ઝબોળીને પીવડાવવામાં આવી હશે, એટલે બોલવામાં તું કોઈનાથીએ ગાંજી જાય તેવી નથી !' પ્રમોદરાયે કહ્યું.
એટલામાં રસોયણ દક્ષાબેન ચા-નાસ્તો લઈને આવ્યાં. બે ડિશ બટાટાપૌંઆ જોઈ મૈત્રેયીએ કહ્યું : ''દક્ષાબેન, તમે ભૂલી ગયાં કે હું 'દેશી' નાસ્તો કરતી નથી ! મારે માટે આજે 'બર્ગર' કેમ ન બનાવ્યું ? દર વખતે તમને નવેસરથી સૂચના આપવાનું મને પસંદ નથી'.
દક્ષાબેને ચૂપચાપ ઠપકો સાંભળી લીધો, પણ પ્રમોદરાયે કહ્યું : ''મૈત્રેયી, સપ્તપદીમાં તો તે પ્રતિજ્ઞાાપૂર્વક સ્વીકાર્યું હતું કે તું મારે પગલે ચાલીશ. નાસ્તામાં મારી સાથે એક ડગલું ચાલવામાં પણ તને વાંધો છે ?''
'હવે ૨૫ વર્ષ સુધી તો તમારે ડગલે ચાલી, નહીં તો એક અમીર કુટુંબની દીકરી ખેડૂતની પત્ની બનવા ગામડે આવવાનું પસંદ કરે ? પણ પતિ માત્ર નગુણા હોય છે ! ભણેલો હોયકે અભણ પત્નીના દોષદર્શનમાં શૂરો, પણ ગુણદર્શનમાં સાવ અધૂરો ! હું તમારા ગામઠી સંસ્કારોને આડે નથી આવતી, તો તમે મારા શહેરી સંસ્કારો પ્રત્યે બળાપો શું કામ વ્યક્ત કરો છો ?'
સમય વહેતો ગયો અને મૈત્રેયીએ સુગીત તથા અધીતને મોસાળમાં રાખી ભણાવવાનું નક્કી કર્યું. એણે પોતાના ભાઈ કૃતાર્થ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. કૃતાર્થ 'કહ્યાગરો' કંથ હતો. એણે કશો જ જવાબ આપ્યા વગર પત્ની તારુણી તરફ નજર કરી.
તારુણી પણ મૈત્રેયી જેવી હાજર જવાબી જ હતી. એણે ચોખ્ખું ને ચટ પરખાવી દીધું : ''મૈત્રેયીબેન, તમે પણ એ વાતનો સ્વીકાર કરશો કે જેમ તમને સ્વતંત્ર રીતે જિંદગી માણવાની હોંશ છે, તેમ મને પણ ઘર-ગૃહસ્થીનો બોજ લઈ ફરવાનું ગમતું નથી ! આપના બન્ને પુત્રો સુગીત અને અધીત મારે ઘેર રહી ભણવાનું શરૂ કરે, એટલે મારી જવાબદારી વધી જાય ! વળી નાની-નાની બાબતોમાં આપણા બન્ને વચ્ચે વાંધા-વચકા પડવાનું શરૂ થઈ જાય ! એટલે બહેતર છે કે આપણે સુગીત અને અધીતને બોડિંગ સ્કૂલમાં દાખલ કરીએ. રહ્યો ખર્ચનો પ્રશ્ન. જો આપના પતિ પ્રમોદરાયની એ માટે તૈયારી ન હોય, તો તમારા ભાઈ એ ખર્ચ ભોગવી લેશે.''
'ભાભી, અમારા સૌજન્યને અમારી નબળાઈ ન માનશો. મારા મનમાં એમ કે સુગીત અને અધીતને મારે ગ્રામ્ય વાતાવરણમાં નથી ઉછરવા દેવા. હું એમને શહેરી જીવનની મોજ-મસ્તી માણતા જોવા ઈચ્છું છું. મને એમ કે તમે મોડર્ન સ્ટાઈલથી જીવવામાં માનો છો, એટલે તમારી છત્રછાયામાં મારા બન્ને પુત્રો તમારી રીતે ઘડાશે. પણ મારી કલ્પના ઠગારી નીવડી. હું જ હવે તમારી સાથે મારા પુત્રોને રાખવા તૈયાર નથી. જેનું મન સાંકડું હોય એ બીજાના જીવનને ફાંકડું ક્યાંથી બનાવી શકે ! આખરે તો હું તમારે મન પારકી જ ને !' - કહી મૈત્રેયીએ રડવાનું શરૂ કરી દીધું...
કૃતાર્થે બાજી સંભાળી લેતાં કહ્યું : ''મોટીબેન, તારુણીના શબ્દોથી માઠું લાગ્યું હોય તો હું માફી માગું છું. બાળકના સ્વાવલંબી ઘડતર માટે છાત્રાલય ઉત્તમ જગા છે. ત્યાં તેનું શિસ્તપૂર્વક ઘડતર થાય છે. નાનાં-મોટાં કામો જાતે કરવાનું તેને શિક્ષણ પ્રાપ્ત થાય છે. તમે જાણો છો કે પિતાજી પાસે અઢળક પૈસો છે. તેઓ ધારત તો એકએક વિષયના ટયૂટર રાખી મને ઘેર રાખી ભણાવી શકત, પણ મારા વ્યક્તિત્વ ઘડતર માટે એમણે મને છાત્રાલયમાં રાખવાનું નક્કી કર્યું.
શરૂઆતમાં તો મને છાત્રાલય જીવન પ્રત્યે અણગમો હતો, પણ અમારા છાત્રાલયના મુખ્ય ગૃહપતિ મને એમના સાથીઓએ મને એટલી બધી હૂંફ અને પ્રોત્સાહન આપ્યું કે ઘરની ખોટ મને લેશમાત્ર ન સાલી. એટલે સુગીત અને અધીતને છાત્રાલયમાં રાખી ભણાવવાની વ્યવસ્થા તમે પણ સ્વીકારી લો. અને રવિવાર કે રજાના દિવસે એમને અમે અમારે બંગલે બોલાવતા રહીશું.''
મૈત્રેયીએ મૌન ધારણ કર્યું અને ઓફિસે જવાનો સમય થતાં કૃતાર્થ વિદાય થયો.
સાંજે એ ઓફિસેથી પાછો ફરે એ પહેલાં મૈત્રેયીએ પોતાને ગામ જવાનું નક્કી કર્યું... તારુણીએ પણ તેમને રોક્યા નહીં અને ભારે હૈયે મૈત્રેયી ભાડાની ટેક્સીમાં પોતાને ઘેર પરત ફર્યાં. પ્રમોદરાયે મૈત્રેયીની ઈચ્છા મુજબ સુગીત અને અધીતને છાત્રાલયમાં દાખલ કર્યા. ચીફ રેક્ટરને તે બન્નેની વિશેષ કાળજી રાખવાની ભલામણ કરી કૃતાર્થને મળ્યા સિવાય જ તેઓ પાછા ફર્યા.
સુગીત અને અધીત બન્નેમાં ખાસ્સો રુચિભેદ હતો. સુગીતને સાદગી પસંદ હતી જ્યારે અધીતને વૈભવી ઠાઠ. મોંઘાં શેમ્પૂ, મોંઘાં વસ્ત્રો અને મોંઘાં બૂટની પાછળ એ ધૂમ ખર્ચો કરતો. એણે ખર્ચ માટે મમ્મી મૈત્રેયીને સાધી લીધાં હતાં... પપ્પાને કહેવાથી ઠપકો મળશે, એમ માની તે પોતાના ખર્ચ અને અભ્યાસના રિપોર્ટ કાર્ડથી અજાણ રાખતો. સુગીતને પણ મૈત્રેયીદેવી ખર્ચ માટે વગર માગે મોટી રકમ મોકલી આપતાં, પણ તે ખર્ચ કરવાને બદલે બચત કરતો અને બચાવેલી રકમ બેંક ખાતામાં જમા કરાવતો.
અધીતનું છેલબટાઉપણું અને પૈસા વેડફવાનું સુગીતને પસંદ નહોતું... એ મોટાભાઈ તરીકે અધીતને ઠપકો પણ આપતો, પરંતુ અધીતે તેને ચેતવણી આપતાં કહ્યું હતું : તમારો અને મારો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ છે. તમે સાદગીના સોદાગર છો, જ્યારે હું મોજમસ્તીનો માણીગર ! જિંદગીને નિયમો અને આદર્શોનું પોટલું ઉચકતી બનાવી દઈએ તો જીવનનો આનંદ સમાપ્ત થઈ જાય ! તમારા દિમાગને ધર્મશાસ્ત્રોના વાંચને દૂષિત બનાવી દીધું છે, એટલે તમે એ કુંડાળામાંથી બહાર નીકળી શકતા નથી.
આપણી હોસ્ટેલ પણ તમારા જેવા સાદગીના સિદ્ધાંતોની પ્રયોગશાળા છે એટલે હું અહીં આઝાદી માણવાને બદલે ગૂંગળામણ અનુભવું છું. મેં મારી મનોવ્યથા મમ્મીને કહી છે અને એ લકઝુરિયસ હોસ્ટેલમાં તેમણે મને અલગ રહેવાની છૂટ આપી છે. કાલે સવારે હું અહીંથી વિદાય લઈશ. - કહી અધીત પોતાના મિત્રોએ યોજેલી પાર્ટીમાં સહભાગી થવા વિદાય થયો હતો.
સમય સરતો રહ્યો. સુગીત અભ્યાસમાં રસ લઈ બી.કોમ. થયો. કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એક બેંકે તેને ઓફિસર તરીકે પસંદ કર્યો. પરંતુ અધીત દર વર્ષે એ.ટી.કે.ટી. મેળવી તે માંડ-માંડ ક્લીઅર કરતો હજી આગળ વધી રહ્યો હતો. મામા કૃતાર્થ અને પપ્પાના નામનો દુરૂપયોગ કરી તે ઉછીના રૂપીઆ લઈ પોતાની મોજમસ્તીમાં મશગૂલ હતો. એને એ વાતની ખાત્રી હતી કે મામાની લાગવગથી તેને નોકરી મળી જશે અને મમ્મીની કૃપાદ્રષ્ટિથી ખેતીવાડીની આવકમાં ભાગ પણ મળશે. એટલે અભ્યાસ પ્રત્યે ગંભીરતા દાખવવાનું એણે માંડી વાળ્યું હતું.
વેકેશનમાં સુગીત મામા કૃતાર્થને ઘેર રહેવાને બદલે પોતાના મમ્મી-પપ્પા સાથે રહેવા માટે ગામડે જતો. અધીતને પણ પોતાની સાથે ઘેર આવવા આગ્રહ કરતો. પણ અધીત કહેતો : કાજુ કતરી ખાધા પછી કોઈને ગોળનું ટેફું ખાવાનું પસંદ પડે ખરૂં ? વેકેશન એ માણવાનો વિષય છે, આઝાદીથી વિહરવાનો વિષય છે. મેં મારા મિત્રો સાથે સ્વિત્ઝર્લેન્ડ જવાનું નક્કી કર્યું છે.
''અરે પણ એટલું બધું ખર્ચ તું કાઢીશ ક્યાંથી ? મમ્મીની તેં રજા લીધી ? મમ્મીએ તને પૈસા મોકલ્યા ખરા ?'' - સુગીતે જિજ્ઞાાસાથી પૂછ્યું...
''મોટાભાઈ, તમે બાળક જેવા પ્રશ્નો પૂછી મને પજવો નહીં. માણસે પૈસો રળવો ન હોય તો કોઈકે રળેલા પૈસાનો લાભ લેવાની કળામાં ઉસ્તાદ થવું પડે છે. અને સ્વજનના પૈસાનો લાભ લેવો એ કાંઈ ચોરી ન કહેવાય ! સમજ્યા ?'' અધીતે નફ્ફટાઈપૂર્વક કહ્યું...
''મને તારી વાત સમજાઈ નહીં અધીત. મોજશોખનો ગુલામ બનેલો દરેક માણસ સ્વબચાવમાં નિષ્ણાત હોય છે ! તેં શું કાવત્રૂ કર્યું, એ તો કહે ?'' સુગીતે આગ્રહપૂર્વક પૂછ્યું.
''તો સાંભળો. આપણે છાત્રાલયમાં સાથે રહેતા હતા, ત્યારે મમ્મી-પપ્પાએ મોકલેલા અને તમે બચાવેલા બે લાખ રૂપીઆ તમારા ખાતામાં જમા હતા. તમારી ચેકબૂકના એક પાના પર તમે સહી કરેલી હતી. એ પાનું મેં સિફતથી ફાડી લીધું હતું... અને રકમ ઉપાડી મારા મિત્રના પપ્પાની પેઢીમાં જમા મૂકી હતી. વ્યાજ સાથે એ રકમ ત્રણેક લાખ જેવી થઈ છે.
મારા અંગત ખર્ચ માટે તો હું ઉધારીથી ચલાવતો હતો. અંતે તો એ પૈસા ભરપાઈની જવાબદારી પપ્પા અને મામાને શિરે જ આવવાની છે ને ! પોતાની આબરૂ ખાતર તેઓ મારું દેવું ચૂકવી દેશે. બોલો, તમારા ભાઈ અધીતને તમે શાબાશી આપશો કે નહીં ? તમારા પૈસા મેં ઉપાડી લીધા, એ કાંઈ ચોરી થોડી જ કહેવાય ?'' - અધીતે ખડખડાટ હસતાં વાત પૂરી કરી.
ત્યારથી બન્ને ભાઈઓ વચ્ચે અબોલા શરૂ થયા. અધીતને એ વાતનો અફસોસ નહોતો. એનું ખાનપાન શોખીન મિત્રવર્તુળ એટલું વિશાળ હતું કે તેને કુટુંબજીવનની હૂંફની જરૂર જ નહોતી.
એ વાતને છએક મહિના વિત્યા હશે, ત્યાં સુગીતની બેંક પર તેની મમ્મી મૈત્રેયીદેવીનો ફોન આવ્યો. સુગીત બેંકના કોઈ કોર્ટકેસ માટે અદાલતમાં ગયો હતો અને ફોન પોતાના ટેબલના ખાનામાં જ ભૂલી ગયો હતો. બેંકના મેનેજરને મૈત્રેયીદેવીએ સંદેશો આપ્યો કે સુગીતના પપ્પાને સ્ટ્રોકનો એટેક આવ્યો છે.
હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેઓ બચી તો ગયા છે, પણ જમણી બાજુના અંગોમાં લકવો થઈ ગયો છે એટલે એને ખબર આપજો કે અધીતને લઈને તે જલ્દી હું લખાવું તે સરનામે આવી જાય. મેનેજર સરનામું લખી લીધું અને સુગીતને તેડવા એક કલાર્કને કોર્ટે મોકલ્યો.
સુગીત બેંક પર આવ્યો ત્યારે મેનેજરે તેને તેના પપ્પાની બીમારીની વાત કરી હોસ્પિટલના સરનામે તાત્કાલિક પહોંચવાની અને અધીતને સાથે લઈ જવાની તેની મમ્મીના ફોનની વાત કરી.
સુગીતે મેનેજર પાસે એક મહિનાની રજા માગી. અને અધીતનો ફોન પર સંપર્ક સાધવાની કોશિશ કરી. ફોન પર સંપર્ક થતો નહોતો. કવરેજ બહાર હોવાની સૂચના મળતી હતી.
અંતે પંદર મિનિટ બાદ અધીતનો એણે ફોન પર સંપર્ક સાધી શકાયો. સુગીતે રડતાં-રડતાં પપ્પાની ગંભીર બીમારીના સમાચાર આપ્યા અને પોતાની સાથે શહેરની હોસ્પિટલમાં જવા માટે આવી પહોંચવાની સૂચના આપી.
પણ અધીતે ઠંડા કલેજે જવાબ આપ્યો : ''સુગીતભાઈ, જિંદગીમાં સુખ-દુ:ખનું ચક્ર તો ચાલ્યા જ કરવાનું અને હું તો નાનો પુત્ર છું... તમે મોટા ભાઈ છો. એટલે પપ્પાને સાચવવાની અને તેમની તન-મન-ધનથી સેવા કરવાની જવાબદારી તમારી છે. આમેય પિતૃભક્તિમાં તમે નંબર વન છો, અને હું એ છેલ્લા નંબરે ! હું મારા મિત્રો સાથે સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે જઈ રહ્યો છું.
અત્યારે એરપોર્ટ પર છું. ટિકિટ કેન્સલ કરાવવાનો કશો અર્થ નથી. અને બીમારીની પીડા તો પપ્પાજીએ જાતે જ ભોગવવાની છે. આપણે હાજર હોઈએ કે ન હોઈએ તેનાથી શો ફર્ક પડવાનો છે ! અને મારા વતીથી તમે ભગવાનને પ્રાર્થના કરજો કે હું પંદર દિવસનો મારો વિદેશ પ્રવાસ પૂરો કરી પાછો ન ફરું ત્યાં સુધી પપ્પાના આયુષ્ય સામે ભગવાન કશાં અડપલાં ન કરે. ઓ.કે. સિક્યોરિટી ચેકઅપની એનાઉન્સમેન્ટ થઈ રહી છે. ગૂડ બાય'' કહી અધીતે ફોન મૂકી દીધો હતો.
અધીતની નફ્ફટાઈભરી વાતો સાંભળી સુગીતને પારવાર દુ:ખ થધયું હતું અને તે બેંકની કારમાં મમ્મી પાસે હોસ્પિટલ દોડી ગયો હતો. સુગીતને એકલો જોઈ મૈત્રેયીદેવીએ અધીત વિશે પૂછ્યું હતું... 'અધીત કાલે આવશે' - કહી સુગીતે વાત ટૂંકાવી હતી.
રાત્રે પ્રમોદરાય નિંદ્રાધીન હતા, ત્યારે સુગીતે મૈત્રેયીદેવીને અધીતના સ્વચ્છંદીપણાની અને પલાયનવાદી બનવાની વિગતે વાત કરી હતી. મૈત્રેયીદેવીને તેની વાત સાંભળી ભારે આઘાત લાગ્યો હતો. પોતાની મમતા પોતાને જ ભારે પડી એ વાતનું તેમને દુ:ખ હતું...
એ વાતને બે દિવસ વીતી ગયા. સુગીત પોતાને ઘેર સવારે ચા-નાસ્તો કરી રહ્યો હતો. તૈયાર થઈને એ હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે ટેબલ પર છાપું પડેલું હતું... પપ્પાની તબિયતના મમ્મીને સમાચાર પૂછી તે છાપુ વાંચવા સોફા પર બેઠો. પાનું ફેરવતાં એક જાહેર નોટિસ પર તેની નજર ગઈ. નોટિસમાં એડવોકેટનું નામ હતું અને અસીલ તરીકે મૈત્રેયીદેવીનું નામ.
નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે 'અમારો દીકરો અધીત અમારા કહ્યામાં નથી, તેથી તેને અમારી મિલ્કતના ભાગમાંથી મુક્ત કરવામાં આવે છે. કોઈએ તેની સાથે આર્થિક વ્યવહાર કરવો નહીં.' નોટિસ વાંચી સુગીતે પૂછ્યું : ''મમ્મી, તેં આ શું કર્યું ?'' મૈત્રેયીદેવીએ કડકાઈથી કહ્યું : ''મમતાના ગેરલાભનો પુરસ્કાર.''
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2s8SR8w
ConversionConversion EmoticonEmoticon