નેતાના ભક્તોના ગળામાં પટ્ટો હોય છે! પણ એ પહેલી નજરે જોઈ શકાતો નથી!


ફટ્ રે નફ્ફટ ને તડા, તને સપનાં દેખાડતાં ય ન આવડયું ? હથેળીમાં ચાંદ બતાવતાં ય ન આવડયું ? જૂઠનાં પડીકાં પકડાવતાં ય ન આવડયું ? ધૂળ પડી તારા નેતા થવામાં !

 

બધા ભિખારીઓ એકઠા થઈ ગયા છે.... સૌની આંખોમાં ગજબનો ચમકાર છે ! ત્યાં જ કોકનો અવાજ આવ્યો :

'ગરીબી તો ગઈ !' 'હેં, ગઈ ?'

'અલ્યાં જોતો નથી છાપામાં આવે છે તે ? ગરીબી તો શોધીય જડતી નથી ! નેતાઓએ ગરીબીને લાતો મારી મારીને તગેડી મેલી છે..પાછા આવવાનું નામ જ નહીં લે ! નેતા લોગ પણ જબરા હોય છે ! જ્યાં નેતા જાય, ત્યાંથી ગરીબી બિસ્તરા-પોટલાં બાંધવા માંડે ! નેતા તો નેતા જ હોય છે. નેતાને ઢગલો ભક્તો હોય છે !'

'નેતાને ભક્તો ય હોય ?'

'હા જ તો ! ભક્તો વગર તો કેમ ચાલે ? તાબોટા કોણ પાડે ?' વાહ વાહ ! કોણ કરે ? નેતાની જય કોણ બોલાવે ?

સૌને થયું 'હા...શ' હવે આપણી ગરીબી જશે ! 'હાશ' હવે દીવાળીના દીવા જલશે ! 'હાશ ! હવે પેટ ભરીને ખાવાનું મળશે ! નેતા કહે એટલે એ થઈને જ રહે !'

'પણ આપણે દીવાળી શી રીતે ઉજવવી !'

'દીવાળી, નહીં તો દેવદીવાળી ઊજવીશું ! ભા, તમે ચિંતા ન કરો. ઉપરવાળો કંઈ બહેરો-મૂંગો કે અંધ નથી. એ સંધુંય જાણે છે ! દુનિયામાં દુ:ખી માણસો છે, તો ઉપરવાળો કોક તારણહારને ય મોકલી આપે છે !'

'એમ ?'

'હા.'

સહુ ભિખારીઓને હતું કે આજે પેટ ભરીને ખાવાનું મળે તો સારું 'કેટલાંક પેટ ખખડાવતા હતા : 'મારું હાળું ખાલીને ખાલી જ ખખડે છે ! ને આ કહે છે કે કોક તારણહાર આવશે.''

'કોણ આવશે ?'

'તારણહાર !'

'શું કરશે ?'

'આપણને તારી દેશે !'

'મને વિશ્વાસ બેસતો નથી !'

'બેસો તો ખરા....રાહ જુઓ તો ખરા, ભા ! ભરોસો તો રાખો, ભા !'

બધા ભિખારીઓનું ટોળું બની ગયું હતું. શું કરવું ? એ મોટામાં મોટો સવાલ હતો !

ત્યાં જ ક્યાંકથી અવાજ આવ્યો : 'બેસી જાવ, અલ્યાઓ ! શાંત થઈ જાવ.'

'કેમ ?'

'સાંભળતા નથી, આ ઢોલનગારાં વાગે છે તે ? જોતા નથી, આ મોટા મોટા અવાજો આવે છે તે ? કશુંક થવાનું છે એ નક્કી ! કશીક નવાજૂની બની જશે ! ચૂંટણીના દહાડા છે ! નેતાઓ ઇધર ઉધર ફરે છે...એટલે અવાજો તો થવાના જ !

'પણ આટલા બધા અવાજો, ભા ?'

ગલાભા અનુભવી હતા. આવી તો કૈંક ચૂંટણીઓ એમણે જોઈ નાખી હતી ! ચૂંટણી આવે એટલે અવાજોય આવે ! જે મોટા અવાજો કરે, તે મોટા નેતા ! માઈક ફાટી જાય, એમ બરાડા પાડી પાડીને બોલે, એ નેતાનાં બોર વેચાય ! જનતા બાપડી શું કરે ? એ તો ગરીબ ગાવડી જેવી છે ! એ તો નેતાના ભક્તો કહે, તેમ ચૂંટણીટાણે બટન દબાવી આવે ! મોટા બરાડા પાડતો નેતા બોલે એટલે તાળીઓ પડે ! ભક્તગણ 'વાહ, વાહ'ના અવાજો કરે ! ને પબ્લીક પણ એ અવાજોમાં પોતાનો અવાજ ભેળવી દે ! ગાવડી શું કરે ? ખાવાની લાલચ આપો એટલે બાપડી દોહવા દે ! ને નેતા લોગ પછી પાંચ-પાંચ વરસ લગણ એને દોહ્યા કરે ! બીજા તો આંચળ દબાવીને દૂધ દોહી લે, પણ નેતા તો ટેક્સ પર ટેક્સ લગાવી ને જનતાના પૈસા દોહી લે ! નેતાને દોહતાં સારું આવડે...પબ્લીક હાથમાં આવી છે કે આવશે, દોહીલો પૈસા, કરો કૌભાંડો, ને ભરી દો તિજોરીઓ ! નેતા કાયમ લેતા હૈ, દેતા કભી નહીં ! પાંચ વરસમાં ફલેટને બદલે મોંઘોદાટ મહેલ ન બનાવી દેતો એ નેતા શાનો ? ધૂળ પડી એના નેતાપણામાં ! ફટ્ રે, નફ્ફટ નેતડા નેતા થયો તો ય ખાતાં ન આવડયું ? જનતાને ઉલ્લું બનાવતાં ન આવડયું ? ઘર ભરતાં ન આવડયું ? તિજોરી તર કરતાં ન આવડયું ? અલ્યા નેતડા, તને સપનાં દેખાડતાં ય ન આવડયું ? હથેળીમાં ચાંદ બતાવતાં ય ન આવડયું ? જૂઠનાં પડીકાં પકડાવતાં ય ન આવડયું ? મોટા મોટા નેતાઓ પાસેથી તો શીખવું હતું ? નેતા નીતિની, ઇયાનની, ગાંધીજી ને વિવેકાનંદજી, રામની ને કૃષ્ણની વાતો કરે, બરાડા પાડીને કરે, પણ કૌભાંડોના કાળા કોથળા કોઈને ખબર પણ ન પડે એ રીતે સંતાડીને ઘર ભેળા કરે...બસ એનું નામ નેતા !

ગલાભા વિચારતા હતા. પોતાના મનને જ ખોદવા લાગી ગયા હતા. માંહ્યલાને જ સવાલો પૂછવા મંડી ગયા હતા, ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો એને હાંફ ચઢી ગયો હતો. પેટ દબાવતાં દબાવતાં એ બોલ્યો : 'ભા...'

'શું છે ?'

'નેતા આવી રહ્યો છે !'

'હેં ? નેતાજી આવે છે ? પણ અમારી પાસે ક્યાં મત છે ? હશે કાંક કારણ ! કાં તો નાટક કરવા આવતા હશે, કાં તો છાપાં-ચેનલો દ્વારા જનતાને ઉલ્લું બનાવવા આવતા હશે !'

જે હોય તે.

અવાજો વધતા ચાલ્યા.

પહેલાં પોલીસ આવી.

પછી નેતાજીનો શ્વાન આવ્યો. શ્વાનના ગળામાં પટ્ટો પહેરાવેલો હતો. પછી ભક્તો આવ્યા. કેટલાક નેતાજીઓને બે શોખ હોય છે : પટ્ટો પહેરાવેલો કૂતરો રાખવાનો અને તાબોટા બ્રાન્ડ ભક્તો રાખવાનો ! પટ્ટો તો બે ય પહેરે છે. એકનોપટ્ટો દેખાય છે, ને બીજાનો પટ્ટો હોય છે, પણ જોઈ શકાતો નથી ! બધા આગેવાનો ખુરશી પર ગોઠવાઈ ગયા ને ત્યાં જ નેતાજી આવ્યા.

વટ છે રે, નેતાજી તમારો ! વાહ, શો વટ પડે છે બાપુ ! આસપાસ કમાન્ડો છે ! કેટલીક રૂપાળી ભક્તાણીઓ પણ છે ! વચ્ચે નેતાજી સિંહની જેમ વટકે સાથ ચાલી રહ્યાં છે ! મોંઘીદાટ સિલ્કી ખાદી નો ઢીંચણ લગી પહોંચતો ઝભ્ભો છે. ઉપર રંગીન કોટી છે. માથા પર ગાંધી ટોપી છે ! પગમાં મખમલી મોજડી છે ! કાંડે પંદર લાખની વિદેશી ઘડિયાળ છે ! ગજવે દસ લાખની પેન છે !

વાહ રે, નેતાજી, વાહ !

વાહ રે, તમારાં સ્વદેશી ચીજો વાપરવાનો આગ્રહ કરતાં ભાષણો ! નેતાજી ચાલે છે....ડગલાં માંડે છે ! ને આગળ આવીને વચ્ચેની ખુરશી પર ગોઠવાઈ જાય છે ! ત્યાં જ માઇક પરથી ઘોષણા થાય છે : 'સાંભળો, સાંભળો !' આજે તમારો ઉદ્ધાર કરવા માટે છેક દિલ્લીથી નેતા શ્રી મંગલજી મરચાંવાલા આવી પહોંચ્યા છે. તમારા તારણહાર આવી પહોંચ્યા છે. નેતાજી તમને ભોજનની વાનગીઓ અને મીઠાઈનાં બોક્સ આપશે ! નેતાજીની કરૂણા તો જુઓ ! તમારા માટે એમનું દિલ દ્રવી ગયું છે. તેઓ ખુદ હજી ભૂખ્યા છે, પણ તમને ખાવાનું આપશે ! ચાલો બધા લાઈનસર આવી જાવ...

'કેમેરા...'

ભક્તગણ બોલી ઊઠયો.

'ચેનલોના પત્રકારો ગોઠવાઈ જાવ...'

નેતાને કેમેરા અને પત્રકારો વિના તો શેં ચાલે ? ને ચેનલોના જર્નાલીસ્ટો કેમેરા લઈને સાવધાન બની ગયા ! મંગલજી મરચાંવાલા ઊભા થયાં.....ભોજન અને મીઠાઈનાં બોક્સ વહેંચવા માંડયા ! કેમેરા બોલકા બની ગયા ! મીઠાઈ-ભોજન વહેંચાઈ ગયા પછી માઈક પરથી કહેવામાં આવ્યું : 'જનતા જનાર્દન પક્ષ જો ચૂંટાઈને સત્તામાં આવશે તો બસ, પાંચ વરસ સુધી તમને આ રીતે ખવડાવ્યા કરશે ! બોલો, મંગલજી મરચાંવાલાની જય !'

'જ...ય !'

'મંગલજી...ઝીંદાબાદ !'

ને કાર્યક્રમ આટોપાઈ ગયાં. બીજે દિવસે અખબારોનાં પાને સમાચાર ચમક્યા : 'ગરીબોના તારણહાર દ્વારા શુભકાર્યો ના શ્રીગણેશ !' જનતા જનાર્દન પક્ષ ભિખારીઓના ઝૂંપડે ! જનતા જનાર્દન પક્ષ ભૂખ્યા રહીને પણ દીનહીનોને મીઠાઈ ખવડાવશે ! બસ, આ જ વાતો ! 

- ભિખારીઓને સતત સપનાં આવ્યા કર્યાં : સપનામાં મીઠાઈ દેખાતી હતી ! સપનામાં ભોજનની સુગંધીદાર આઇટેમો દેખાતી ! હા..શ ! આ પક્ષ જીતી જ જવાનો ! ને સત્તા પર આ પક્ષ આવશે તો -

ગરીબોનાં દુ:ખડાં હરાઈ જશે.

ભિખારીઓનાં પેટ કાયમ ભરેલાં હશે !

- ગરીબી શોધીય નહીં જડે. ભાગી જ જશે. પક્ષ સત્તા પર આવ્યો નથી કે 'ગરીબી' બાપડી બિચારી થઈ જશે ને લાગ જોઈને ભાગી જશે !

તારણહાર આવી ગયો છે !

તારણહાર છે જનતા-જનાર્દન પાર્ટી !

હા..શ ! પેટની પીડા હરાશે !

ચૂંટણી આવી ! લોકોએ ધસારો કર્યો ! મત આપવા બટનો દબાવી દીધાં ! વટકે સાથ દબાવ્યાં ! પરિણામનો દિવસ આવ્યો...મતગણતરી થઈ ! ને પરિણામ ચોંકાવનારું આવ્યું ! જનકલ્યાણ ઝીંદાબાદ પક્ષ જીતી ગયો હતો ! એ પક્ષ બહુમતીની બાબતમાં મેદાન મારી ગયો હતો ! ને મંગલજી મરચાંવાલાના જનતા જનાર્દન પક્ષની ભૂંડી હાર થઈ હતી ! કારણ ? જનકલ્યાણ ઝીંદાબાદ પક્ષે ખૂબ મોટાં વચનો આપ્યાં હતાં : 'મિસ્ટ વાનગીવાળી પકવાન્નની થાળી સાથે બે હજારની નવી નોટ દરેકને આપવાનાં ! દરેક ગરીબને દર મહીને પેન્શન આપવાનાં ! બહેનોને વર્ષમાં બે વાર સીલ્કી સાડીઓ આપવાનાં ! દરેક યુવાનોને એક મોંઘોદાટ સ્માર્ટ ફોન આપવાનાં ! દરેકને બંગલો બનાવી આપવાનાં !'

વચનો જીતી ગયાં હતાં !

વાયદાઓએ વિજયનો વાવટો ફરકાવ્યો હતો ! ને ગલાભાને એક ભિખારી કહી રહ્યો હતો : 'ભા, હવે આ ઝૂંપડા ભૂલી જાવ !'

'કેમ ?'

'આપણે તો બંગલામાં રહેવા જવાનું છે !'

'કોણે કહ્યું ?'

'સત્તાધારી પાર્ટીએ !'

ને ગલાભા હસી પડયા : 'અલ્યા, આમ સપનાં જોવા ન બેસી જવાય !  

'તો ભા, હવે શું કરીશું આપણે ?'

'વચનો અને વાયદાઓના નામનું નાહી નાખો...'ને એ હસી પડયા...!!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RvmBaf
Previous
Next Post »