
આપણે વિશ્વસનીય ન રહીએ તો પણ ભગવાને માણસમાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો, નહીં તો માણસનું વરવું રૂપ જોઈ એણે માણસનું સર્જન બંધ કરી દીધું હોત
એક માણસ એક સંત પાસે જઇને રોદણાં રડતો કહેવા લાગ્યો: 'પ્રભુ, હું ખતમ થઇ ગયો છું. મારી સમગ્ર બચત એક બેંકમાં જમા કરાવી હતી. બેંક ડૂબી ગઈ છે ! શું તમામ બેંકોવાળા આવા વિશ્વાસઘાતી હશે તો થાપણદારો કયા વિશ્વાસે જીવશે ?'
સંતે કહ્યું : 'કેવળ બેંકોની જ ક્યાં વાત, તમામ ક્ષેત્રોમાં વિશ્વાસનો કરુણ વધ થઇ રહ્યો છે. પહેલાં કહેવાનું હતું કે વિશ્વાસે વહાણ ચાલે, પણ આજે વિશ્વાસે સોની નોટ પણ નથી ચાલતી, લોકો બેઇમાનીને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માને છે. બાળક જન્મ પહેલાં માના પેટમાં હતું ત્યારે આર્તનાદ કરતાં પરમાત્માને કહેતું : મને માતાના પેટની બહાર જવા દો, પછી હું તમારું નામ કદી નહીં ભૂલું.
ભગવાન ખુશ થઇ ગયા. બાળક જન્મે એ પહેલાં માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા કરી પણ જન્મતાં વેંત બાળકે 'ઊંવા' રૂપે 'ઓ મા'ને યાદ કરી અને પરમાત્માનો આભાર માનવાનું ભૂલી ગયો ! એટલે ધૂતારા વહીવટીદારોને કારણ બેંકો બદનામ થાય છે.'
પણ એવી કોઈ બેંક હશે, જેનો વહીવટદાર બેંક ડૂબ્યા પછી પણ લેણદારોની ચિંતા કરતો હશે.
'હા, તો સાંભળ, રામદેવ સાહૂએ વર્ણવેલો એક પ્રસંગ.'
ભારતના એક પ્રસિધ્ધ સન્યાસી યૂરોપના પ્રવાસ દરમ્યાન ફ્રાન્સ પહોંચ્યા. તેઓ એક મહિલાના મહેમાન બન્યા. મહિલાએ તેમને શહેર દેખાડવા માટે એક ઘોડાગાડી ભાડે કરી. એ બન્ને જણ પેરીસ બહાર એક તરફ આગળ વધ્યાં. ઘોડાગાડી પૂરપાટ વેગે દોડી રહી પણ એકાએક ઘોડાગાડીવાળાએ એક જગાએ ગાડી થોભાવી દીધી અને તે ઝડપટ ઘોડાગાડીમાંથી નીચે ઉતર્યો.
એ રસ્તે એક આયાબેન જેવી એક બાઈ બાળકો સાથે પસાર થઇ રહી હતી. ઘોડાગાડીવાળાએ એ બાળકો પાસે જઇને એમને ખૂબ જ વહાલ કર્યું અને ચૂમીઓથી ભીંજવીને વળી પાછો ઘોડાગાડીમાં આવીને ઘોડાગાડી હંકારવા લાગ્યો.
આ આખું દ્રશ્ય પેલા સન્યાસીની યજમાનબાઈ આશ્ચર્યૂપર્વક નિહાળી રહી હતી. એણે ઘોડાગાડીવાળાને પૂછ્યું : 'આ બાળકો કોનાં હતાં ?'
ઘોડાગાડીવાળાએ કહ્યું : 'મેડમ, આપે અમુક બેંકનું નામ તો સાંભળ્યું જ હશે ! એ બેંક મારી હતી. છેલ્લા કેટલાક સમયપૂર્વે મારી એ બેંક ખૂબ જ મોટા નુકસાનનો શિકાર બની, પરિણામે મારે બેંક બંધ કરવી પડી. મેં એક ગામમાં ઘર ભાડે લીધું છે, જ્યાં મારી પત્ની, બાળકો અને આયા રહે છે. હું આ ઘોડાગાડી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરું છું. મારે બેંકના કેટલાક લેણદારો પાસે પૈસા વસૂલવાના બાકી છે. મને એ પૈસા મળી જશે એટલે હું ફરીથી બેંક ચાલુ કરીશ. કોઇના પૈસા ડૂબવા નહીં દઉં.'
ઘોડાગાડીવાળાની વાત સાંભળી પેલા સન્યાસી ખૂબ જ પ્રભાવિત થયા. એમણે પોતાના એક પુસ્તકમાં લખ્યું કે જે વેદાન્ત દર્શનની આપણે વાત કરીએ છીએ, તેનો અમલ મને પેલા ઘોડાગાડી હંકારતા બેંક પૂર્વ માલિકના આચરણમાં જોવા મળ્યું.
એ ઘોડાગાડી હંકારનાર બેંકનો પૂર્વ માલિક સાચા અર્થમાં કર્મયોગી હતો. પ્રતિકૂળ સંજોગોમાં પણ એણે નિર્ભયતાપૂર્વક પોતાના કર્તવ્યનો નિર્વાહ કરવાનો મનોરથ ચાલુ રાખ્યો અને લોકોને વિશ્વાસઘાત કરવાનો વિચાર શુધ્ધાં મનમાં આણ્યો નહીં. આપણા દેશમાં બેંકોના વહીવટદારો અને અધિકારીઓ દ્વારા ગોટાળા અને દગાની ઘટનાઓ વધી રહી છે, છેતરાયેલાં લોકો આઘાતથી કમોતે મરે છે, પણ એમને છેતરનારાઓના દિલમાં જરા પણ અરેરાટી નથી થતી.
આજે દેવાલયોમાં દેવદર્શન માટે લોકોનાં ટોળેટોળાં ઉભરાય છે. પોતે ધાર્મિક કે આધ્યાત્મિક હોવાનો સંતોષ સેવે છે, પણ દૈનિક જીવનમાં ધર્મનું આચરણ ભાગ્યે જ જોવા મળે છે. 'ઘટ ઘટ મેં વો સાંઈ રમતા'નું ભજન આપણે ગાઈએ છીએ પણ ઘટમાં વ્યાપેલો પરમાત્મા આપણને પ્રત્યેક પળે જોઈ રહ્યો છે, એ યાદ રાખીને કોઇને દગો-પ્રપંચ કરતાં, જૂઠ્ઠું બોલતાં, જુઠ્ઠો વાયદો કરતાં અટકીએ છીએ ખરા ? ધર્મ એટલે જ સત્યાચરણ, સત્સંગ અને સદ્વર્તન, ધર્મ એટલે જ વિશ્વાસ પાત્રતા, પ્રતિજ્ઞાાપાલન અને કર્તવ્ય પ્રત્યેની વફાદારી. આપણે વિશ્વસનીય રહીએ કે ન રહીએ, પણ ભગવાને માણસમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. નહીં તો આજના માનવીનું આવું વરવું રૂપ જોઇ માણસનું સર્જન બંધ કરી દીધું હોત ? સ્વામી વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે જ્યાં સુધી તમે પોતે તમારો વિશ્વાસ નહીં કરો, ત્યાં સુધી પરમાત્મા તમારી ઉપર વિશ્વાસ નહીં કરે.
આજે પારિવારિક જીવનમાં વિશ્વાસને બદલે અવિશ્વાસે અડ્ડો જમાવી દીધો છે. નથી પતિને પત્ની પર વિશ્વાસ કે નથી પત્નીને પતિ પર વિશ્વાસ. બાપ-બેટાના સંબંધો પણ અવિશ્વાસથી મુક્ત નથી. ગ્રાહક અને વેપારીના સંબંધો પણ વિશ્વસનીય નથી રહ્યા. ધર્મના ઠેકેદારો અને વિદ્યાકેન્દ્રોના અધિપતિઓ પણ વિશ્વાસના ગળે છેદ કરતા જણાયા છે ! ફરિયાદ કોને કરવી ? જેના પર વિશ્વાસ રાખી પ્રજા પોતાના ભાગ્યનિર્માતા બનવા પ્રતિનિધિઓને વોટ આપે છે, એમને પ્રજામાં વિશ્વાસ નહીં, પણ ખુરશીમાં જ વિશ્વાસ છે. માણસની વિચિત્રતા તો જુઓ : વિશ્વાસ પ્રત્યે એ અંધ રહે છે, પણ અંધ વિશ્વાસને એ શંકાને બદલે શ્રદ્ધાની નજરે જુએ છે.
વિશ્વાસ એક સદગુણ છે, પણ એ વિવેક સાથે છેડો ફાડીને પોતાને વફાદાર રહેવાની સલાહ નથી આપતો. જેમ અતિ શંકા ખતરનાક, તેમ અતિવિશ્વાસ પણ સંહારક. ચાણક્યની એ સલાહ સોનેરી છે કે ક્યારેય મર્યાદા બહારનો વિશ્વાસ ન કરો. કોઇનો વિશ્વાસ રાખવાની સાત કસોટીઓ કઇ ?
૧. સામાન્ય રીતે બહુ બોલનારા (બાલિકા)નો વિશ્વાસ ન કરો.
૨. અમુક વ્યક્તિ સગી છે કે વહાલી છે. એમ માની પેટછુટી વાત ન કરો. પહેલાં એને વિશ્વાસપાત્ર ઠરવા દો.
૩. જેણે એક વાર વિશ્વાસઘાત કર્યા હોય, એનો ભાવાવેશમાં આવી વિશ્વાસ ન કરો.
૪. માણસ એ માણસ છે. દેવ નથી, એમ વિચારી કોઈ પ્રત્યે આંધળો વિશ્વાસ ન ધરાવો.
૫. જે સૌથી વધુ પ્રલોભનો આપે તે અવિશ્વાસપાત્ર ઠરી શકે છે, એ વાત યાદ રાખો.
૬. પ્રેમી બનો, પણ પ્રેમાંધ કદાપિ નહીં.
૭. એટલા અવિશ્વસનીય ન બનો કે લોકો તમારું નામ લેતાં ગભરાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Rurz6V
ConversionConversion EmoticonEmoticon