આણંદ નગર પાલિકા સંકુલ સામે જ શહેર કોંગ્રેસ સમિતિનાં ધરણાં યોજાયાં


આણંદ,તા.05 ડિસેમ્બર 2019, ગુરુવાર

આણંદ શહેરની ભાજપ શાસિત નગરપાલિકામાં વ્યાપેલ ભ્રષ્ટાચાર તેમજ ગેરવહીવટના કારણે નગરજનોને મૂળભૂત સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે આણંદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસર, આણંદને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગી કાર્યકરોએ આજે મોટી સંખ્યામાં નગરપાલિકા સંકુલ સામે ધરણાં કાર્યક્રમ યોજી પોતાનો વિરોધ દર્શાવી ચૂંટણી સમયે મોટા વચનો આપી જતનાને છેતરી વોન્ટ બેન્ક રાજકારણ કરતી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

આ અંગે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આણંદ નગરપાલિકામાં આણંદ શહેર સહિત બાકરોલ ઝોનનો સમાવેશ થાય છે. આણંદ નગરપાલિકા નગરજનોને નળ-પાણીની સુવિધા, ગટર વ્યવસ્થા, રોડ-રસ્તા સહિતની મુળભુત જરૂરીયાતો પુરી પાડવામાં નિષ્ફળ નીવડી હોવાનો રોષ લેખિત રજૂઆતમાં વ્યક્ત કરાયો છે. 

વધુમાં આણંદ નગરપાલિકા છેલ્લા ૨૭ વર્ષમાં નગરને ગટર વ્યવસ્થા પુરી પાડવામાં ઉણી ઉતરી છે. પાંચથી સાત વર્ષ પહેલા આણંદના તમામ વિસ્તારમાં ગટરલાઈન નાખવામાં આવતા ઘણા રસ્તા ઉબડ-ખાબડ થઈ જતા કેટલાક વિસ્તારોમાં રજુઆતો બાદ રસ્તા બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ શાસિત વિસ્તારોમાં ઓરમાયુ વર્તન કરી આ વિસ્તારની સમસ્યા બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

૨૭ વર્ષથી વધુ સમયથી એકહથ્થુ શાસન હોવા છતાં નગરપાલિકા સત્તાધીશો દ્વારા ગટર વ્યવસ્થા માત્ર કાગળ ઉપર જ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. ગટર વ્યવસ્થાના અભાવે મોટાભાગના વિસ્તારો ખાળકૂવા આધારિત હોવાથી ખાળકૂવા ભરાઈ જતા કેટલાક વિસ્તારોમાં સોસાયટી, ફલેટની આસપાસ ગંદાપાણી રોડ-રસ્તા ઉપર ફેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ નગરજનોને સતાવી રહી છે ત્યારે આણંદ શહેરમાં ગટર વ્યવસ્થા ક્યારે કાર્યરત થશે તેવો પ્રશ્ન નગરજનોમાં ચર્ચાની એરણે ચઢ્યો છે.

લેખિત રજૂઆતમાં દર્શાવેલ અન્ય સમસ્યાઓમાં આણંદ શહેરના આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ, મજુરવર્ગને આરોગ્યની સેવા પુરી પાડવામાં પાલિકા નિષ્ફળ રહી છે તેમજ ભુર્ગભ ગટર યોજના હેઠળ તોડવામાં આવેલ સી.સી. રસ્તાના કામ પૂર્ણ કરવામાં વ્હાલાદવલાની નીતિ અપનાવાતા આજે પણ ઘણા રસ્તા બિસ્માર હોવાનું જણાવાયું છે. વધુમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ કોમ્યુનીટી હોલનું નવીનીકરણ કરી લોકોપયોગી બનાવવા તેમજ વ્યાયામશાળાથી અમીન ઓટો સુધીના કાંસની સફાઈ ન કરાતા આ વિસ્તારની સોસાયટીઓના લોકોને મચ્છરોનો ઉપદ્રવ સતાવી રહ્યો છે.

ગણેશ વિસ્તાર ટી.પી.૪માં વિધી પાર્ટી પ્લોટ પાછળના વિસ્તારમાં રસ્તાના અધુરા કામ તેમજ વોર્ડ ૧૧ અને ૧૩નવા બાળકો તેમજ વડીલોને માટે બાગ બનાવવાના કામે અંગે પણ રજૂઆત કરાઈ છે. તો આણંદ નગરપાલિકા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા હોવા છતાં સ્ટ્રોમ વોટર સુવિધા પુરા પાડવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું છે.

સાથે સાથે પૂર્વપટ્ટી વિસ્તારમાં ૬૦ ટકાથી પણ વધારે વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનની સુવિધા, સ્ટ્રીટલાઈટોથી વંચિત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા,  બાકરોલ કોલોની વિસ્તારમાં ગટરલાઈનના કારણે તુટેલા રસ્તાનું રીસર્ફેસીંગ, બાકરોલના ઘણાં વિસ્તારોમાં પાણીની ટાંકી બનાવવી તેમજ બાકરોલ ગામે આગવો કોમ્યુનીટી હોલ બનાવી બાળકો માટે રમત-ગમત બાગની વ્યવસ્થા કરવી, તેમજ આણંદના પૂર્વપટ્ટી વિસ્તારમાં ટી.પી. અથવા ડી.પી. પ્લાનીંગ કરી માળખાકીય સુવિધા પુરી પાડવા અંગે રજૂઆત કરાઈ છે.

ગામડી તળાવના પાણીથી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત

વોર્ડ નં.૪માં આવેલ ગામડી તળાવ ચોમાસામાં ઓવરફલો થતા હિના પાર્ક, ભરવાડ ટેકરી તથા આજુબાજુના મુખ્ય વિસ્તારના માર્ગો ઉપર તળાવના પાણી સહિત તેમાં થતી કુંભવેલ ફરી વળતા આ વિસ્તારમાં મહિનાઓ સુધી પાણી ઓસરતુ નથી અને રસ્તાઓ બંધ થઈ જવાની સાથે સાથે આ વિસ્તારમાં કીચડ તેમજ મચ્છરના સામ્રાજ્યના કારણે બિમારીઓના કેસો વધુ જોવા મળે છે. જેને લઈ આ તળાવની ફરતે પ્રોટેક્શન દિવાલ બનાવી આપવા રજૂઆત કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pj1O6T
Previous
Next Post »