
આણંદ, તા.05 ડિસેમ્બર 2019, ગુરુવાર
તા.૪ ડિસેમ્બરના રોજ નવી મુંબઈ નેરૂલ સ્થિત વિશાળ ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને અનેક વૈશ્વિક પ્રદાન આપનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજ્યંતી મહોત્સવ અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયો. આ પ્રસંગે ૬૦,૦૦૦ કરતાં વધુ ભક્તો-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તદ્ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી પધારેલા ૭૫૦ જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા.
સાંજે ૫.૩૦ વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભક્તિથી કાર્યક્રમનો શુભારંભ થયો. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વ્યક્તિ, પરિવાર અને સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી.
વળી, અનેક ભાવિ-પેઢીઓને પ્રેરણા આપનારા પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશની આ સચોટ પ્રસ્તુતિ હતી. આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોના મનનીય વક્તવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભાવો વર્ણવ્યા હતા. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરૂષ હતા તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો હતો. ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા હતા.
તેમનું આવું વ્યક્તિત્વ અનેક લોકોએ અનુભવ્યું છે અને હું તેમાંનો એક છું. તેઓનું કાર્ય આજે પ.પૂ.મહંતસ્વામી મહારાજ કરી રહ્યા છે. તેમનાં કાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ હંમેશા આપણી વચ્ચે જ છે. કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો. તેમના મનમાં ૨૪ કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું.
પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઈ સાથે ન થઈ શકે. આટલું નિરાળું વ્યક્તિત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ, તેમના યોગમાં જે કોઈ આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો જ. આપણે પણ તેમના જેવા થઈને અને તેમના જીવનમંત્રને દ્રઢાવીએ. આ પ્રસંગે અનેક અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત ૬૦,૦૦૦ કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે ૧૦,૦૦૦ કરતા વધુ સ્વયંસેવકોએ દિન-રાત સેવા કરી હતી.
ગૃહમંત્રી અમીત શાહે સ્વામીજી સાથેના સ્વાનુભવો યાદ કર્યા
સંતો-ભક્તોએ સવા લાખથી વધુ દરોમાં શાંતિનો સંદેશો ફેલાવ્યો
છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજ્યંતિ ઉત્સવ પ્રસંગે મુંબઈ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (દાદર)ના નેજા હેઠળ અનેક સમાજોપયોગી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વ્યસનમુક્તિ અભિયાન, વાલી જાગૃતિ અભિયાન, બાળ-યુવા જાગૃતિ અભિયાન વગેરે સેવાકીય કાર્યક્રમો વિશિષ્ટ રીતે સંપન્ન થયા હતા. આ ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થા સાથે જોડાયેલા સંતો-ભક્તોએ ૧,૨૫,૦૦૦થી વધુ ઘરોનો સંપર્ક કરીને પારિવારિક શાંતિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો. બાળકો દ્વારા દવાખાનાઓમાં જઈને કરાયેલી પ્રાર્થનાઓ અને યુવાનો દ્વારા કરાયેલી જાહેર સ્થાનોની સ્વચ્છતા સેવા પણ પ્રેરણાદાયક હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DOyNKS
ConversionConversion EmoticonEmoticon