
પ્લાન મુજબ એક ટોપલીમાં કેળાં, કેરી, જામફળ અને ચીકુ ભરવામાં આવ્યા. આ ફળોની ટોપલી હરણીના માથે મૂકી, પછી હરણીને એક ઝાડ નીચે ઊભી રાખી, અને બધા દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગયા
એક જંગલ હતું. આ જંગલમાં જાત જાતના પ્રાણીઓ વસતા હતા. બધા પ્રાણીઓ અહીં હળીમળીને રહેતાં હતાં. આ જંગલમાં વાંદરાઓ પણ ઘણાં હતાં. આ બધા વાંદરાઓમાં વાલુ વાંદરાનું બચ્ચું ખૂબ તોફાની હતું. જ્યાં સુધી તોફાન મસ્તી, ધમાલ ન કરે, કોઈને સતાવે નહીં ત્યાં સુધી તેને ચેન પડે નહીં. નાના સસલાના હાથમાંથી ગાજર, ખિસકોલીના બચ્ચાના હાથમાંથી શીંગ ઝૂંટવીને ખાઈ જાય. હરણીનું બચ્ચું પાણી પીતું હોય, ત્યારે પાછળથી આવીને તેને જોરથી બિવડાવે.
હરણીનું બચ્ચું ગભરાઈ જાય, અને પાણી બધું તેના શરીર પર પડે અને કપડાં ભીના થાય. જંગલમાં બધા પ્રાણીઓનાં બચ્ચાં વાંદરાના તોફાનથી પરેશાન હતાં. બધા તેને 'અવળચંડો' જ કહેતાં. બચ્ચાંઓની માતા વાંદરાના ઘેર જઈ તેની માતાને ફરિયાદ કરે એટલે તોફાની વાંદરાની માતા તેને વઢે, મારે પરંતુ આ વાંદરાના બચ્ચા પર કોઈ અસર જ ના દેખાય!
જંગલના બધા પ્રાણીઓના બચ્ચાઓએ નક્કી કર્યું કે વાંદરાની સાથે બોલવું નહીં અને કોઈપણ રમતમાં તે અવળચંડા વાંદરાને રમાડવો નહીં, અને કોઈએ પણ તેની સાથે મિત્રતા કરવી નહીં. બધાં પ્રાણીઓના બચ્ચાઓએ તેની સાથે રમવાનું બંધ કર્યું. એટલે તે વધારે, વિફર્યો. બધા બચ્ચાઓ ક્રિકેટ રમતાં હોય તો અવળચંડો વાંદરો બોલ લઈને ભાગી જાય, લંગડી રમતાં હોય તો કોઈકને ધક્કો મારીને ભાગે, કેરમની કુકરીઓ સંતાડી દે. આવી કેટલીય શરારત કરે, બધા બચ્ચાંઓ તેનાથી ત્રાસી ગયાં.
એકવાર બધા બચ્ચાંઓએ ભેગા મળીને મિટિંગ કરી, વાંદરાને સીધો કરવા અંગે ચર્ચા વિચારણા કરી. બધાએ વાંદરાને સજા કરવા માટે બેચાર ઉપાયો વિચારી લીધા, અને તક મળે ત્યારે અવળચંડા વાંદરાને સીધોદોર કરવાનું નક્કી કર્યું.
એકવાર તોફાની વાંદરો ઝાડ પર બેઠો બેઠો કેળું ખાતો હતો. બધા પ્રાણીઓના બચ્ચા થોડેદૂર એક મોટા ઝાડ પાછળ સંતાઈને પથરા ઉપાડીને વાંદરાને મારવા લાગ્યા. બિચારા બચ્ચા! ગમે તેટલું જોર કરીને પથરા ફેંકે, પરંતુ તોફાની વાંદરા સુધી પહોંચે જ નહીં. બચ્ચાઓની આ હરકતનો તોફાની વાંદરો સાવધ થઈ ગયો. તેને ખ્યાલ આવી ગયો કે બચ્ચાંઓએ એક થઈને તેને પાડવાની યુક્તિ કરી છે. હવે તોફાની વાંદરો ઝાડ પર વધારે ઉંચે જઈને બેસે અને મજા કરે.
હવે કરવું શું? બધા બચ્ચા વિચારવા લાગ્યા. શિયાળનું બચ્ચું ખૂબ હોંશિયાર હતું. તેણે બધા બચ્ચાને પોતાનો એક પ્લાન સમજાવ્યો. બધા બચ્ચાઓને શિયાળના બચ્ચાનો પ્લાન ગમી ગયો. પ્લાન મુજબ એક ટોપલીમાં કેળાં, કેરી, જામફળ અને ચીકુ ભરવામાં આવ્યા. આ ફળોની ટોપલી હરણીના માથે મૂકી, પછી હરણીને એક ઝાડ નીચે ઊભી રાખી, અને બધા દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગયા. થોડીવાર પછી તોફાની વાંદરો ત્યાં આવ્યો. આટલા બધા ફળ! વાહ ભાઈ વાહ!... વાંદરાભાઈ તો લલચાયા. ટોપલીમાંથી બેચાર ફળ લીધા, ઝાડ પર ઉંચે જઈને બેઠો અને ખાવા લાગ્યો. હરણી પોતાની જગ્યાએ સ્થિર જ ઉભી રહી હતી.
બીજા ફળની લાલચે વાંદરો નીચે આવ્યો, અને બેચાર ફળ ઉપાડી લીધા, પછી વાંદરાએ ચારેબાજુ જોયું. કોઈ નથી તેની ખાતરી કરી લીધી. તેણે મનોમન વિચાર્યું, ''ફળ લઈને ઉપર જવાની જરૂર નથી. અહીં નીચેની ડાળ પર બેસીને બધાં જ ફળ ખાઈ લઉં.'' વાંદરાભાઈ તો એક પછી એક ફળ મજેથી ખાવા લાગ્યા. દૂર સંતાયેલા બધા બચ્ચાં ઝાડ પાછળથી બહાર આવ્યા. સાથે લીધેલા ફટાકડાની આખી સેર સાવધાનીપૂર્વક વાંદરાની લટકતી પૂંછડી સાથે બાંધી દીધી અને સળગાવી. ફળ ખાવામાં મસ્ત તોફાની વાંદરાને કશો ખ્યાલ આવ્યો જ નહીં.
પળવારમાં તો ફટાકડાની સેર ધડાકા સાથે સળગવા લાગી. વાંદરો ગભરાઈ ગયો અને કૂદાકૂદ કરવા લાગ્યો અને રડવા લાગ્યો. આ જોઈને બીજા બધા પ્રાણીઓના બચ્ચાં તાળી પાડતાં હસવા લાગ્યા. રડતાં રડતાં અવળચંડો વાંદરો પોતાના ઘર તરફ દોડયો અને ઘેર જઈને પાણીના કૂંડમાં પડયો અને માને બૂમો પાડવા લાગ્યો. તેની મા ઘરમાંથી બહાર આવી, વાંદરો માને વળગીને રડવા લાગ્યો. માતાના પૂછવા પર તોફાની વાંદરાએ બધી હકીકત જણાવી.
તોફાની વાંદરાને માતાએ શાંત પાડયો અને તેને સમજાવતાં કહ્યું, ''બેટા, વનમાં બધા પ્રાણીઓના બચ્ચાં સાથે હળીમળીને રહેવું જોઈએ. અત્યાર સુધી તેં તારી તોફાની હરકતોથી બધાને પરેશાન કર્યા છે તેનું આ પરિણામ છે, તારી અવળચંડાઈને કારણે તું એકલો પડી ગયો અને બધાએ એકતાના બળ પર તને હરાવ્યો. જીવનમાં આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય તો સૌનો સાથ જરૂરી છે. સૌનો સાથ હોય તો જ સૌનો વિકાસ થાય. આજથી તું બધા તોફાન બંધ કર, મન દઈને ભણ, અને તારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ.''
તોફાની વાંદરાને માતાની શિખામણ ગળે ઉતરી ગઈ. બસ, તે દિવસથી તેણે તોફાન બંધ કરી દીધા. જંગલમાં વસતાં પ્રાણીઓના બચ્ચાં પાસે જઈને માફી માંગી. બધાં બચ્ચાંઓ તેના મિત્ર બની ગયા ત્યારે વાંદરો ખુશખુશાલ થઈ ગયો.
- ભારતી પી. શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36ccv28
ConversionConversion EmoticonEmoticon