
નડિયાદ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
નડિયાદ રેલ્વે પોલીસના હેડકોન્સ્ટેબલની પુત્રવધુએ કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર મચી છે. બે નાનકડા દિકરાઓની માતાએ અચાનક ટ્રેન નીચે પડતું મૂકી આત્મઘાતી પગલું કેમ ભર્યું હશે તે અંગે પોલીસ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બનાવ અંગે ગીતાબેનના સસરા મણીલાલ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા મુજબ રાત્રીના અઢી વાગ્યે રેલ્વે પોલીસ મથકેથી ફોન આવ્યો કે કોઇ મહિલાએ રાણકપુર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે.
આથી હું રાત્રે પોલીસ મથક જવા નીકળતો હતો. બહાર ગીતાને પથારીમાં ન જોતા કદાચ બાથરુમ ગઇ હશે તેમ વિચારી હું પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં મરનાર મહિલાનો ફોટો જોતા મને આ ઘટના વિશે જાણ થઇ હતી.જો કે આ બનાવમાં સાસરીયાઓએ પિયર ન જવા બાબતે મનમાં લાગી આવતા પરણિતાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે પિયરીયાઓએ સાસરીયાઓના ત્રાસથી પરણિતાએ આ પગલું ભર્યું હોવાના આક્ષેપો કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના શ્રેયસ ગરનાળા પાસે આવેલ રેલ્વે કોલોનીના પી૧૧૨/સીમાં મણીલાલ સુખાભાઇ સોલંકી રહે છે. જે રેલ્વે પોલીસમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના દિકરા નરેન્દ્રસિંહના લગ્ન આઠ વર્ષ અગાઉ બાલાસિનોર તાલુકાના સલીયાવાડી ગામના ગીતાબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને સંતાનમાં બે દિકરા હતા. જેમાં એક પાંચ વર્ષનો અને બીજો ત્રણ વર્ષનો છે. બંને પતિ પત્ની નડિયાદમાં તેમના પિતા મણિલાલ પાસે રેલ્વે કોલોનીમાં રહેતા હતા. ગત્ રોજ મોડી રાત્રે ૨૫ વર્ષિય ગીતાબેને કોઇ અગમ્ય કારણોસર મુંબઇ જતી રાણકપુર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગે રાતના બે વાગે રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ગીતાબેનના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ગીતાબેનના સસરા રેલ્વે પોલીસમાં હોઇ તેમને રાત્રે જ આ ઘટના અંગે જાણ થઇ ગઇ હતી.
આ લખાય છે ત્યારે પરિવારજનો ગીતાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ અંતિમવિધિ માટે વતન કપડવંજ તાલુકાના વિરણીયા ગામે લઇ જઇ રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
ગીતાને સાસરિયાંઓનો ત્રાસ હતો એવો તેમના કાકાના દીકરાનો આક્ષેપ
ગીતાબેનના પિયરમાં તે બે બહેનો હતા. તેમના કાકાના દિકરા જીતેન્દ્રભાઇએ ગીતાબેનના આ પગલા અંગે સાસરીયાઓને જવાબદાર ઠેરવ્યા છે. ગીતાબેનેઆવું પગલું સાસરીયાઓના ત્રાસથી ભર્યુ હોવાનું જીતેન્દ્રભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ લગ્ન બાદ ગીતાબેનને સાસરીયા દ્વારા અવાર નવાર માનસિક અને શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. પરંતુ માતા પિતા દુ:ખી થશે એ બીકે જણાવતા ન હતા. આ અગાઉ બે વખત ગીતાબેન સાસરીયાના ત્રાસથી કંટાળીને પિયર જતા રહ્યા હતા.
જે બાદ પિયરીયા તેમને સમજાવીને પરત સાસરીમાં મૂકી જતા હતા. આથી કંટાળીને ગીતાબેને આવું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જીતેન્દ્રભાઇ જણાવે છે. ઉપરાંત ગીતાબેનની અંતિમવિધિ બાદ અમે સાસરીયા વિરુદ્ધ નડિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવશું એમ પણ જણાવ્યુ હતું.
ગીતાને પિયર જવું હતું પણ મેં દિવસ પછી કહેતા લાગી આવ્યું હશે : પતિ
મરનાર ગીતાબેનના પતિ નરેન્દ્રસિંહના જણાવ્યા મુજબ ગીતાને પિયર જવું હતું. આથી મે તેને બે દિવસ પછી જવાનું કહ્યું હતું. આથી કદાચ લાગી આવતા આ પગલું ભર્યું હશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LDoNJ5
ConversionConversion EmoticonEmoticon