ધૂળેટા ગામથી ગુમ થયેલા જવાનની લાશ આખરે નહેરમાંથી મળી આવી

- મૃતક જવાન વડોદરા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતો હતો : હત્યા કે આત્મહત્યા રહસ્ય ઘેરું બન્યું


આણંદ,તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધૂળેટા ગામનો વતની અને વડોદરા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતો જવાન બે દિવસ પૂર્વે ધૂળેટા ગામેથી નોકરીએ જવાનું જણાવ્યા બાદ રહસ્યમય રીતે લાપત્તા થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. દરમ્યાન આજે સવારના સુમારે આ એસઆરપી જવાનની મોટરસાયકલ ધૂળેટા ગામેથી પસાર થતી નહેર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવતા અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં ઉમરેઠ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ જવાનની લાશ મળી આવી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ ઉમરેઠ તાલુકાના ધૂળેટા ગામનો વતની અને વડોદરા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતો ફિરોઝખાન ઈમામખાન પઠાણ ત્રણ દિવસની રજા લઈને ઉમરેઠ તાલુકાના ધૂળેટા ગામે પોતાના વતન આવ્યો હતો. દરમ્યાન સોમવાર સાંજના સુમારે તે ઘરેથી નોકરીએ જાઉં છું તેમ જણાવી નીકળ્યો હતો. જો કે ફિરોઝખાન પઠાણ નોકરી ઉપર નહીં પહોંચી રહસ્યમય રીતે લાપત્તા થતા પરિવારજનોએ આ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં જાણ કરતા ઉમરેઠ પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવકની સઘન શોધખોળ આરંભી હતી.

દરમ્યાન આજે સવારના સુમારે ધૂળેટા ગામ નજીકથી પસાર થતી નહેર પાસેથી ફિરોઝખાન પઠાણની મોટરસાયકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા ગ્રામજનોના ટોળેટોળા નહેર ખાતે ઉમટી પડયા હતા. એસઆરપી જવાન નહેરમાં પડી ગયો હોવાનું અથવા તો કોઈએ ધક્કો માર્યો હોવાની શંકાને લઈને સ્થાનિક તરવૈયાઓએ નહેરના પાણીમાં શોધખોળ આરંભી હતી.

જો કે આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં જ ઉમરેઠ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે તુરંત જ દોડી ગઈ હતી અને મોટરસાયકલનો કબ્જો મેળવી આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ આરંભી હતી. બીજી તરફ એસઆરપી જવાનની મોટરસાયકલ બિનવારસી હાલતમાં નહેર નજીકથી મળી આવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34UG6g8
Previous
Next Post »