
આણંદ,તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
આણંદ પાસેના વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારની ચોકડી નજીક આવેલ એક રીયલ એસ્ટેટની ફર્મ ધરાવતા વ્યક્તિએ એક યુવતીને નોકરીના ઈન્ટરવ્યુ માટે બોલાવી તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના કરમસદ ખાતે રહેતી એક ૧૯ વર્ષીય યુવતીએ થોડા સમય પૂર્વે નોકરી માટે મોબાઈલ ઉપર સર્ચ કરતા વિદ્યાનગરની ખોડલ રીયલ એસ્ટેટની જાહેરાત વાંચી હતી. જેથી યુવતીએ જાહેરાતમાં આપ્યા મુજબના નંબર ઉપર સંપર્ક કરતા જનકભાઈ પંચાલ નામની વ્યક્તિએ યુવતીને ઈન્ટરવ્યુ માટે મોટાબજાર ચોકડી વિસ્તારમાં આવેલ વિહાંગ ટ્રેડ સેન્ટર સ્થિત પોતાની ઓફિસ ખાતે બોલાવી હતી.
જેથી યુવતી પોતાના મિત્ર સાથે ઈન્ટરવ્યુ માટે વિહાંગ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ ખોડલ રીયલ એસ્ટેટની ઓફિસ ખાતે ગઈ હતી. જ્યાં તેણીએ જનકભાઈ પંચાલ સાથે નોકરીની વાતચીત કરી હતી. દરમ્યાન યુવતીની સાથે આવેલ મિત્રને જનકભાઈએ પાણીની બોટલ ભરવા માટે મોકલ્યા બાદ યુવતી સાથે શારીરિક છેડછાડ શરૂ કરી હતી.
દરમ્યાન પાણીની બોટલ ભરીને આવેલ મિત્રને નોકરીની વાત સમજાવતા વાર લાગશે તેમ જણાવતા યુવતીનો મિત્ર એક કામ હોઈ ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ જનકભાઈ પંચાલે યુવતીને ઓફિસની અંદર લઈ જઈ શારીરિક અડપલાં કરવાનું ચાલુ કરી દીધું હતું. જો કે યુવતીએ જોરદાર વિરોધ કરી ઓફિસની બહાર નીકળી ગઈ હતી. દરમ્યાન યુવતીનો મિત્ર આવી જતા યુવતી તેની સાથે નીકળી ગઈ હતી.
જો કે આ યુવતી પોતાનું પર્સ ખોડલ રીયલ એસ્ટેટમાં ભુલી ગઈ હોય પુન: પર્સ લેવા ત્યાં ગઈ હતી. દરમ્યાન જનકભાઈ પંચાલે ફરીથી તેણીને પકડીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બુમાબુમ કરતા જનકભાઈ પંચાલે તેને છોડી દીધી હતી. આ બનાવ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જનકભાઈ પંચાલ વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YfSEfs
ConversionConversion EmoticonEmoticon