
રૂપ રૂપના અંબાર સમી મિસ વર્લ્ડ ૨૦૧૭ માનુષી છિલ્લર આજે બોલીવૂડની પણ માનીતી થઇ પડી છે. ચીનમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યા પછી તેને બોલીવૂડમાં કોઇક જાણીતા નિર્માણગૃહની ફિલ્મ મળવાની છે એવી વાતો તો ઘણાં સમયથી ચાલી રહી હતી.
પરંતુ હવે એ સુનિશ્ચિત થઇ ગયું છે કે તે યશરાજ બેનરની ફિલ્મ 'પૃથ્વીરાજ' કરવાની છે. વીર યોધ્ધા રાજા પૃથ્વીરાજ ચૌહાણ પરથી બનનારી આ ફિલ્મમાં પૃથ્વીરાજનું પાત્ર અક્ષય કુમાર ભજવવાનો છે. અને માનુષી તેની રૂપના ઢગલા જેવી પ્રેમિકા સંયોગિતાનો રોલ કરશે.
વાસ્તવમાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલી મિસ ઇન્ડિયા પેજન્ટમાં જ માનુષી લોકોની નજરે ચડી ગઇ હતી. છેલ્લા થોડા સમયમાં બોલીવૂડની કોઇ નવોદિતાને નથી મળ્યું એટલુ સરસ લોંચ પેડ માનુષીને મળતાં તેનો આનંદ સમાતો નથી. અલબત્ત, તે માત્ર રૂપસુંદરી જ નથી. મિસ વર્લ્ડનું ટાઇટલ મેળવવા તમેે એટલા જ બુધ્ધિશાળી અને ચબરાક પણ હો એ જરૂરી છે. માનુષી ૧૭ વર્ષના અંતરાલ પછી આ ટાઇટલ ભારત માટે જીતી લાવી હતી.
માનુષીની આ ફિલ્મનું દિગ્દર્શન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વીવેદી કરશે. તેમણે જ ટી.વી. શો 'ચાણક્ય' પણ બનાવ્યો હતો. તેમની ફિલ્મ 'પિંજર '(૨૦૦૩) પણ ભારે પ્રશંસા પામી હતી. તેમણે પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ 'પૃથ્વીરાજ' વિશે કહ્યું હતું કે અમને સંયોગિતાની ભૂમિકા માટે ગજબની ખૂબસુરત ભારતીય હીરોઇનની જરૂર હતી. અમે સંખ્યાબંધ નવોદિતાઓના ઓડિશન લીધાં હતાં. સંયોગિતા જેટલી સુંદર હતી એટલી જ આત્મવિશ્વાસુ પણ હતી.
તેથી અમે એવી યુવતીની શોધમાં હતાં જે મનમોહક હોવા ઉપરાંત આત્મવિશ્વાસથી છલકાતી હોય. માનુષીએ આ રોલ માટે ઘણાં ઓડિશન આપ્યાં હતાં. અને દરેક વખતે તે પોતાના ઓડિશન માટે પૂરતી તૈયારી કરીેને આવતી હતી. અમે તેને સારી રીતે પારખ્યા પછી આ રોલ માટે પસંદ કરી હતી. અને આ નિર્માણગૃહ નવ મહિનાથી તેને આ રોલ માટે કેળવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ, અનુષ્કા શર્મા જેવા કલાકારો આ નિર્માણગૃહે જ શોધી કાઢ્યાં છે. અને આ કલાકારોએ પોતાની ટેલેન્ટનો પરચો બતાવવા ઉપરાંત પોતાનીઆગવી ઓળખ પણ ઊભી કરી છે. અને હવે માનુષીને મળેલી ભૂમિકા તેના માટે શમણું સાકાર થવા બરાબર છે. તે કહે છે કે આ પ્રોડક્શન હાઉસ દ્વારા મને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી તે મારું બહુ મોટું સન્માન છે. મને એમ લાગે છે જાણે મારી જિંદગી પરીઓ જેવી થઇ ગઇ છે. મેં અત્યાર સુધી જે મેળવ્યું છે એ બધું પરીઓ જેવું છે.
પોતાના રોલ વિશે માનુષી કહે છે કે મારા માટે રાજકુમારી સંયોગિતાનો રોલ ભજવવો બહુ મોટી જવાબદારી છે. તેનું વ્યક્તિત્વ અત્યંત શક્તિશાળી હતું. તે સત્યની પડખે રહેતી. અને પોતાના જીવનના મહત્વના નિર્ણયો જાતે જ લેતી. હું મારા આ પાત્રને ન્યાય આપવામાં જરાય કચાશ નહીં રાખું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sHVy0P
ConversionConversion EmoticonEmoticon