અનાયાસે અભિનેત્રી બનેલી તારા સુતરિયા ને ગાયિકા બનવાના ઓરતા


હું ગાયિકા બનવા જ માગતી હતી. તેથી જ હું જ્યારે જ્યારે ફિલ્મી મેગેઝિનોમાં કે અખબારોમાં મારા ફોટા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે શું આ ખરેખર હું જ છું. 

થોડા સમય સુધી ટચૂકડા પડદે કામ  કર્યા પછી અભિનેત્રી તારા સુતરિયાની બેે  ફિલ્મો 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' અને 'મરજાંવા' રજૂ થઇ. કરણ જોહર જેવા ટોચના ફિલ્મ સર્જકની ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યા પછી તારાને હજી સુધી પાછા વળીને જોવાની નોબત નથી  આવી. જોકે તેની બંને ફિલ્મોને ધાર્યો પ્રતિસાદ નહોતો મળ્યો.

'સ્ટુડન્ડ ઓફ ધ યર-૧'ને એટલો સારો પ્રતિસાદ મળ્યો હતો કે લોકાના મનમાંથી ે આલિયા ભટ્ટ ખસતી નહોતીં. 'મરજાવાં' ને પણ લોકોએ ખાસ પસંદ ન કરી.  આમ છતાં તે હમણાં તેની ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જોકે તેની બીજી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે સારી દોસ્તી થઇ ગઇ. અહીં દોસ્તીનો અર્થ માત્ર મૈત્રી તરીકે જ લેવો. તેમની વચ્ચે મિત્રતા છે. કોઇ ગાઢ સંબંધ નહીં.  

તારા કહે છે કે સૌથી પહેલા તો હું અને સિધ્ધાર્થ બંને આ ઇન્ડસ્ટ્રીમાંથી નથી આવતાં તેથી અમને એકમેક સાથે સારું ફાવી ગયું. વળી હું અત્યંત શરમાળ અને અંતર્મુખ છું. તેથી ફિલ્મી પાર્ટીઓમાં શી રીતે જવું કે વર્તવું તેની મને ખાસ કોઇ ગતાગમ નહોતી. તેથી હું અને સિધ્ધાર્થ સેટ પર આ બાબતે વાતો કરતાં. હું તેને આવી પાર્ટીઓ વિશે પૂછતી.

આ સિવાય અમે અમારા પરિવારો અને મિત્રો વિશે વાતો કરતાં. વળી તે આ ઇન્ડસ્ટ્રીમાં મારા કરતાં પહેલા આવ્યો છે તેથી હું તેને આ ઇન્ડસ્ટ્રી વિશે પણ ઘણું પૂછતી. 'મરજાવાં'માં અમારા ઘણાં ગાઢ દ્રશ્યો પણ હતાં તેથી અમારી કેમેસ્ટ્રી મળે તે પણ જરૂરી હતું.તે વખતે કોઇકે તેને કહ્યું હતું કે હું સારું ગાઉં છું. તેથી તે મને ગાવાનું કહેતો. હું તેની સામે થોડું ગણગણતી તોય  હળવી થઇ જતી. તેને મારો કંઠ ગમ્યો હતો. 

સિંગિંગની વાત ચાલી રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે તારાએ ગાયકી ક્ષેત્રે તાલીમ લીધી છે. તે કહે છે કે વાસ્તવમાં મેં ક્યારેય અભિનય ક્ષેત્રે આવવાનો વિચાર જ નહોતો કર્યો. હું ગાયિકા બનવા જ માગતી હતી. તેથી જ હું જ્યારે જ્યારે ફિલ્મી મેગેઝિનોમાં કે અખબારોમાં મારા ફોટા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે શું આ ખરેખર હું જ છું.

મને હજી  સુધી આ વાત માનવામાં જ નથી આવતી.મને હજી સુધી આ બધું સપનાજેવું લાગે છે. તે વધુમાં કહે છે કે આવર્ષે હું મારી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. પરંતુ આવતા વર્ષે હું ગાયકી ક્ષેત્રે જ આગળ વધવાનું પસંદ કરીશ. બાર્બરા અને બીયોન્સ મારી પ્રેરણાસ્રોત છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે આજે પણ મને આપણું પુરાણું સંગીત વધુ ગમે છે. ખાસ કરીને ૫૦ના દશકનું. 

તારાની પહેલી બંને ફિલ્મમાં બબ્બે અભિનેત્રીઓ હતી. પહેલી ફિલ્મમાં તે અનન્યા પાંડે સાથે આવી હતી. અને બીજીમાં રકુલ પ્રીત સિંહ સાથે. સામાન્ય  રીતે કોઇપણ ફિલ્મમાં બે અભિનેત્રીઓ હોય ત્યારે તેમની વચ્ચે ઇર્ષ્યા થાય. પરંતુ તારાને બેઉમાંથી કોઇની સાથે સમસ્યા નહોતી  સર્જાઇ. તે કહે છે કે મારી અને અનન્યાની ઘણી આદતો એકસમાન હોવાથી અમને બંનેને એકમેક સાથે સારું ફાવી ગયું હતું. વળી અમે બંનેએ એકસાથે જ ફિલ્મોદ્યોગમાં ડગ માંડયા હતાં. અમને 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અત્યંત  પ્રિય હતી.

સ્વાભાવિક રીતે જ અમને તેમાં એકસાથે કામ કરવાની બહુ મઝા આવી.જોકે અમે તેમાં બહુ ઓછા દ્રશ્યો એકસાથે ભજવ્યાં હતાં. તે વધુમાં કહે છે કે હું આ ઇન્ડસ્ટ્રીમાં હજી નવી ગણાઉં. જ્યારે રકુલે અત્યાર સુધી અહીં ઘણું કામ કરી લીધું છે. અલબત્ત, ફિલ્મમાં મારા અને રકુલના ઝાઝાં દ્રશ્યો એકસાથે નહોતા.  તેથી અમે સેટ પર પણ ઝાઝું મળ્યા નહોતા. પરંતુ અમે જ્યારે જ્યારે મળતાં ત્યારે ત્યારે ખાવાપીવાની વાતો વધારે કરતાં. તે મને વધુ સ્વાસ્થ્યપ્રદ ભોજન બનાવવાની ટિપ્સ આપતી. મહત્વની વાત એ છે કે તે બે શિફ્ટમાં કામ કરતી તોય થાકતી નહીં તે જોઇને મને આશ્ચર્ય થતું. સાથે  સાથે પ્રેરણા પણ મળતી. 

'મરજાવાં'ના સર્જક મિલાપ ઝવેરી સેક્સ કોમેડી બનાવવામાં નિપૂણ છે. તેથી આપણને સહેજે એમ થાય કે જો તેઓ તેને આવી ફિલ્મમાં કામ કરવાની ઓફર આપે તો તારા તે સ્વીકારે ખરી? આના જવાબમાં અભિનેત્રી કહ ે છે કે મેં આજદિન સુધી કોઇ સેક્સ કોમેડી નથી જોઇ. મિલાપ ઝવેરીએ મને તેમની 'મસ્તીઝાદે'નું ટ્રેલર બતાવ્યું હતું તે મેં જોયું હતું. પરંતુ મને નથી લાગતું કે હું ક્યારેય આવી ફિલ્મમાં કામ કરીશ. વાસ્તવમાં હું આવી ફિલ્મમાં કામ કરીશ જ નહીં. 

તારાએ બોલીવૂડમાં કરણ જોહરની ફિલ્મથી પદાર્પણ કર્યું હતું તેથી તેને કરણ પ્રત્યે ખૂબ માયા છે.તે કહે છે કે કરણ અમને પોતાના સંતાનોની જેમ રાખતો હતો. અને આજ પણ ઇન્ડસ્ટ્રી વિશે કાંઇ પૂછવૂ હોય તો હું તેની સલાહ લઉં છું. અને કરણ પણ ક્યારેય મને આ બાબતે ના નથી પાડતો. બલ્કે ક્યારેક અમારો સંપર્ક ન થઇ શકે તોય તે પાછળથી  મારી સાથે અચૂક  વાત કરે છેે.

તે વધુમાં કહે છે કે મને ટાઇગર શ્રોફ પ્રત્યે પણ ખૂબ માન છે. તે મારો  સૌપ્રથમ સહકલાકાર હતો. તે એવી વ્યક્તિ છે જેને હું  કોઇપણ વાત  કરી શકું. મને એમ લાગે છે કે અમારી મિત્રતા કાયમી છે. મહત્વની વાતએ છે કે ઘણી બાબતે અમારી વચ્ચે ઘણું સામ્ય હોવાથી અમને એકમેક સાથે સારું ફાવે છે.

જોકે ઇન્ડસ્ટ્રીમાં તારા અને આદર જૈન વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતો ચાલે છે. તારા તેના વિશે કહે છે કે આદર મારા માટે ખાસ છે. ગયા વર્ષે કરણ જોહરે આપેલી દિવાળીની પાર્ટીમાં અમે પહેલી વખત મળ્યાં હતાં.  અમે ઘણું સાથે ફરીએ છીએ. અમારી પસંદનાપસંદ ઘણી મળતી આવતી હોવાથી અમને એકમેક સાથે સારું બને છે. ખાસ કરીને અમે બંને  ખાવાપીવાના બહુ શોખીન છીએ. અમે સાથે ફોટા પડાવીએ છીએ. અમારી મૈત્રી બાબતે મને કાંઇ સંતાડવા જેવું નથી લાગતું. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે તારા હમણાં મસૂરી ખાતે તેની ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો સહઅભિનેતા આહન શેટ્ટી છે. આમ તેને બેે ફિલ્મોમાં તો ફિલ્મી પરિવારમાંથી આવેલા કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. તે કહે છે કે આહન સાથે કામ કરવાની બહુ મઝા આવી રહી છે. તે વધુમાં કહે છે કે આ સિનેમા હોલીવૂડની એક ફિલ્મની રીમેક છે. પરંતુ હજી સુધી તેનું ટાઇટલ નક્કી નથી થયું. ટૂંક સમયમાં તેનું નામ સુનિશ્ચિત કરી લેવામાં આવશે.સાથે સાથે તેનો ફર્સ્ટ લુક પણ રજૂ કરવામાં આવશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OUprE0
Previous
Next Post »