હૈદર: મુશ્કિલ એ દિલ ભી મુશ્કિલ હોતી હૈ


તમામ પાત્રો અભિનયની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. હૈદરમાં શાહીદ કપૂરે જીવ રેડી દીધો છે. તબ્બુએ માતાના રોલમાં ઈમોશન અને ફરેબની કટારી ચલાવી છે.  

વિશાલ ભારદ્વાજની ફિલ્મોમાં ગીતો એ સાંભળવા જ નહીં પણ ડાઈલોગની માફક યાદ રાખવા માટે બન્યા હોય છે. તેનું સંગીત જેટલું રોચક હોય છે તેટલા જ શબ્દો ધારદાર હોય છે.

મુશ્કિલ હોતી હૈ

૨૦૧૮માં ૨૫ મિનિટની એક શોર્ટ ડ્રામા ફિલ્મ આવી હતી. નામ હતું હષત. ધ્રૂવ હર્ષે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ શેક્સપિયરની હેમલેટ પર આધારિત હતી. એ ફિલ્મનો તો અવાજ દબાય ગયો પણ આજે શેક્સપિયર પણ ગદગદિત થઈ જાય તેવી હૈદરની વાત કરીએ. મકબૂલ, ઓમકારા અને હૈદર. વિશાલ ભારદ્વાજની શેક્સપિયર ટ્રાયોલોજી. ત્રણે ફિલ્મો અદભૂત છે. આમ છતાં કેટલાક વિવેચકોને ઓમકારા અને હૈદરની તુલનાએ મકબૂલ પસંદ નથી આવી.

વિશાલ ભારદ્વાજે પોતાની ફિલ્મોથી હિન્દી સિનેમા જગતમાં એક અલગ અને અમીટ છાપ છોડી છે. શેક્સપિયરની કૃતિઓની ખાસિયત તેની ટ્રેજડી રહી છે. કદાચ મકબૂલમાં ટ્રેજડીપણું થોડું ઓછું રહ્યું પણ હૈદરમાં તો ધડાકાભેર વિસ્ફોટ થયો. વિશાલ ભારદ્વાજે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'એ વખતે મેં લખેલી સ્ક્રિપ્ટ જ્યારે ગુલઝારને વાંચવા માટે આપી તો તેમણે એક જ વાત કહી આમા ટ્રેજડી ક્યાં છે ?' એ પછી વિશાલે કાશ્મીરના લેખક બશરત પીરની મદદ લીધી અને કાશ્મીરમાં વસતા લોકોની પરેશાનીની પાઈપલાઈનમાંથી શેક્સપિયરની ટ્રેજડી પસાર થઈ. 

કહાની 

ડૉ. હિલાલ મીર એક આતંકીની સારવાર કરવામાં ફસાય જાય છે. અલીગઢમાં રહેતા અને અભ્યાસ કરતાં તેના દિકરા હૈદરને બોલાવવામાં આવે છે. હૈદર મીર આવે છે તો પોતાની માતા ગઝાલાને કાકા ખુર્રમની સાથે મોજ-મસ્તી કરતા જુએ છે. તેનું હૈયુ અકળાય ઉઠે છે. માતાને તેની સ્થિતિમાં જ છોડી ભાગી જાય છે. પિતા ખોવાય ગયા છે તેમ માની કાશ્મીરમાં હૈદર પિતાની શોધખોળ આરંભી દે છે. પણ પિતાનો કોઈ જગ્યાએ પતો નથી લાગતો.

હૈદરની સમસ્યા તો ત્યારે જ વધી ગઈ હોય છે જ્યારે તેને ખ્યાલ આવે છે કે માતા ગઝાલા મીર અને તેના કાકા ખુર્રમ મીર વચ્ચે અનૈતિક સંબંધ છે. હૈદરની મુલાકાત રૂહદાર સાથે થાય છે જે તેને તેના પિતાની સાથે શું થયું હતું તેનાથી વાકેફ કરાવે છે. અને એ પછી હૈદર તમામ સવાલોના જવાબ એક પાગલ બનીને ખોજી કાઢે છે.

સુન લે કહાની સમજાતા હું 

ફિલ્મો જોવાના શોખીનો આવા પ્રકારની ફિલ્મોની વર્ષો સુધી રાહ જોતા હોય છે. પણ વર્ષો અને કેટલીક વખત તો દાયકાઓ વીતી ગયા બાદ આવી ફિલ્મો મળતી હોય છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ બેનમૂન છે. તેમાં સંગીતથી લઈને ડાઈલોગની સમૃદ્ધિ છે. છળ-કપટની સાથે બદલાની ભાવનાનો સેતુ રચાયેલો છે.

શેક્સપિયરની કૃતિ પરથી નાટકો અને ફિલ્મો બને છે, બનતી રહેશે અને બનવી જ જોઈએ પણ તેમાં ટ્રેજડીનું તત્વ ન સિંચી શકો તો શેક્સપિયરની કૃતિથી બાર ગાંવનું અંતર પણ કરી દેવું જોઈએ. જો વિશાલે ફિલ્મની સ્ક્રિપ્ટ માટે ગુલઝારનો ટોણો સહન ન કર્યો હોત તો કદાચ આવી જબરદસ્ત લેખનશૈલી પડદા પર જોવા ન મળે. 

ઘણી ફિલ્મો એવી હોય છે જેમાં નાયક અને ખલનાયકનો ખ્યાલ નથી આવતો. અહીં હિરો કોઈ નથી. જેટલા પણ પાત્રો છે તમામ વિલનના રોલમાં છે. વિલન કોણ છે ? પાકિસ્તાન ? હૈદરને સરહદની પેલે પાર જઈ આતંકી બનવા મજબૂર કરતી તેની સ્થિતિ ? તેની માતા ? તેના કાકા ? હૈદરના નજીકનાં લોકો ? કે પછી જેમણે હૈદરના પિતાની સ્થિતિ વિશે જાણ્યા જોયા વિના તેમને પકડી લીધા એ ? ક્યાસ કાઢવો અઘરો પડી જાય છે. હૈદર એક મીઠી મૂંઝવણમાં ફસાયેલો છે. કરૂ કે ન કરૂં એ પ્રશ્ન છે. 

પોતાની પ્રિયતમા આશયાનું નૃત્ય જોઈને તેમાં મદહોશ બની ખોવાય ગયેલો હૈદર સાચો છે ? જે થોડી વાર પહેલા ચિંતામાં ગરકાવ હતો અને હવે ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહ્યો છે. તેની માતાને વારંવાર ઈમોશનલી બ્લેકમેલ કરી ભૂતકાળની યાદોને સજીવ કરી રહ્યો છે તે હૈદર સાચો છે ?

કે પાગલ હોવાનો ઢોંગ કરી કાકાએ જ તેના પિતાને માર્યા છે તે કબૂલવા અને મારવા માટે થનગની રહ્યો છે તે હૈદર સાચો છે. દરેક ફિલ્મના જેમ અલગ અલગ રંગ હોય છે તેમ હૈદરના પણ અલગ અલગ રંગ છે. હૈદર એક જ પાત્રમાં મલ્ટિપલ સિચ્યુએશનને ક્રિએટ કરી ભાવનાઓની હોળી રમ્યા કરે છે. તેનું પાત્ર સ્થિતિને સમજીને કાચિંડાની માફક રંગ બદલવા માટે થનગની રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય છે પિતાએ જેમ કહ્યું તેમ તેના દુશ્મન ખુર્રમને મોતને ઘાટ ઉતારવો.

તમામ પાત્રો અભિનયની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. હૈદરમાં શાહીદ કપૂરે જીવ રેડી દીધો છે. તબ્બુએ માતાના રોલમાં ઈમોશન અને ફરેબની કટારી ચલાવી છે. ખૂર્રમની રાજનીતિ શેક્સપિયરના મહારાજા ક્લાઉડીયસની યાદ અપાવી જાય છે. આશયા બનતી શ્રદ્ધા કપૂરે પત્રકારના રોલમાં ઓછો પણ મહત્વનો રોલ કર્યો છે. આમ છતાં જે વસ્તુ હંમેશા માટે યાદ રહી જાય અને યાદગાર બનવા માટે જ બની છે તેવી કાશ્મીરની ઘાટી અહીં પાત્ર તરીકે ઉભરી છે.

એ શાંત છે છતાં સાઈલેન્ટ ફિલ્મની માફક પોતાની લાગણી છલકાવ્યા કરે છે. પ્રકૃતિનું સૌંદર્ય અને જગ્યાની પરિસ્થિતિ હંમેશાં કંઈક કહેવા માગતી હોય છે. હૈદરમાં કાશ્મીરનું એ સૌંદર્ય કંઈક કહી રહ્યું છે. આઝાદીના ગીતો ગાય રહ્યું છે. અહીં માત્ર પાગલ બની નાટક કરતાં હૈદરમાં નહીં પણ દરેક પાત્રમાં કાશ્મીર છે. સલમાન ખાન પર દિવાનગી દર્શાવતા બે કિરદારમાંથી કોને ખ્યાલ છે કે તેમાંથી એક રજત ભગતે ગેંગ્સ ઓફ વાસેપૂરમાં રામાધીર સિંહની યુવાનીનો રોલ પ્લે કર્યો હતો ?

હૈદર એક પ્રેમ કહાની છે. કાશ્મીર સાથે જોડાયેલા લોકોની પ્રેમ કહાની. અહીં લોકોનું કાશ્મીર પ્રત્યે તો મમત્વ દેખાય જ રહ્યું છે પણ અંદરોઅંદર પણ પ્રેમનું ટોનિક વારંવાર ફૂટીને બહાર નીકળે છે. હૈદરને તેના પિતા સાથે અપ્રતિમ પ્રેમ છે, આશયાને તેના પિતા સાથે અને આશયાના ભાઈને એ બન્ને સાથે, અહીં બે રંગલા જેવા પાત્રો છે જેમને સલમાન ખાન અને બસ સલમાન ખાન પર જ 'પ્રેમ' છે, ખૂર્રમને હૈદરની માતા સાથે પ્રેમ છે અને હૈદરની અમ્મી હૈદરને પ્રેમ કરે કે નહીં ? એ વાત ટુ બી ઓર નોટ ટુ બી ધેટ ઈઝ ધ ક્વેશ્ચન જેવી છે. વારંવાર બન્ને લાગણીની રમત રમે છે.

સંગીત 

વિશાલ ભારદ્વાજની ફિલ્મોમાં ગીતો એ સાંભળવા જ નહીં પણ ડાઈલોગની માફક યાદ રાખવા માટે બન્યા હોય છે. તેનું સંગીત જેટલું રોચક હોય છે તેટલા જ શબ્દો ધારદાર હોય છે. શેક્સપિયરના નાટકની સિચ્યુએશનને કેવી રીતે છ મિનિટના ગીતમાં દર્શાવવી તે બિસ્મિલમાં દેખાશે. સુખવિંદર સિંહનો પહાડી અવાજ જ્યારે કાશ્મીરની ઘાટીમાં પડઘો પાડતો હોય તે રીતે ગીતને જીવંત કરે છે.

વિશાલ દાદલાનીના અવાજમાં આવો ના કે છા ગયી જહાં ગયા સો જાઓ... આ ગીતમાં બોલ સમજ્યા જેવા છે. બસ મૃત્યુંને નજીકથી માણી લેવું છે. વ્યક્તિ મૃત્યું પામ્યા બાદ નાનો હોય કે મોટો તેના પ્રમાણનો ખાડો મળી જ રહે છે. ગુલઝાર સાથે ફૈઝ અહેમદ ફૈઝના ગીતોએ પણ ફિલ્મમાં જીવ રેડી દીધો છે. જેલમ નદીની જેમ...

- મયૂર ખાવડુ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33U2s07
Previous
Next Post »