
નડિયાદ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
મહુધા તાલુકાના ખોડીયારપુરા ગામે વર્ષો જૂની ટાંકી તોડવા અપાયેલા કોન્ટ્રાક્ટમાં એજન્સી દ્વારા નગરપાલિકા હસ્તકની ઓરડી તોડી પાડવાનો વિવાદ વકર્યો છે. વળી આ ઓરડીમાં મૂકેલો ક્લોરીન ગેસનો બોટલ લીક થતા નજીકમાં ઉભેલા યુવકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા.આ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખોડીયારપુરા ગામે ૩૨ વર્ષ જૂની પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકી વર્ષો પૂરાણી હોવાથી અને જર્જરીત થઇ ગઇ હોવાથી છેલ્લાં ૧૨ વર્ષથી તેનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. આથી આ ટાંકી તોડી પાડવા માટે નગરપાલિકા દ્વારા મહેસાણાની એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ માટેની કામગીરી છેલ્લાં એક મહિનાથી ખોડીયારપુરા ગામે ચાલતી હતી. જે પૂર્ણ થતા એજન્સીના માણસો દ્વારા હાથ ધરવામાં આવી હતી.જે માટે જેસીબી મશીનનો ઉપયોગ કરાયો હતો. આ દરમ્યાન પાણીની ટાંકી પાસે આવેલ નગરપાલિકા હસ્તકની ઓરડીની દિવાલોને કોઇપણ જાતની મંજૂરી વગર તોડાતા હોબાળો મચ્યો હતો.
વળી જેસીબી મશીનથી આ દિવાલોને તોડવામાં આવતી હતી તે દરમ્યાન ઓરડીમાં રહેલ ક્લોરીન ગેસના બોટલને જેસીબી મશીનથી લીક થયો હતો. જેને કારણે ગેસ હવામાં ફેલાતા નજીકમાં ઉભેલા યુવકોનો શ્વાસ રૂંધાવા માંડયો હતો. આથી તરત જ તેમને સારવાર અર્થે મહુધાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે નડિયાદ લઇ જવામાં આવ્યા હતા.
ઉપરાંત નજીકમાં ચાલતી આંગણવાડીમાં ભણતા બાળકોને પણ આ ક્લોરીન ગેસની અસર થતા વાલીઓને તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા હતા અને બાળકોને ઘરે મોકલી દીધા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટ અપાયેલી એજન્સીનો આ ક્લોરીન ગેસના બોટલ બાબતે શું હેતુ હતો. માત્ર પાણીની ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તો ઓરડી શું કામ તોડી ? આ સમગ્ર બાબતે તાત્કાલિક અસરથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OPYPUv
ConversionConversion EmoticonEmoticon