
ચા અને કોફીના રસિયા માટે નબળા સમાચાર તાજેતરમાં વૈશ્વિક સ્તરે વર્લ્ડ બેન્ક તરફથી આવ્યા છે. વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ બેવરેજીસ પ્રાઈસ ઈન્ડેક્સ હેઠળ ચા-કોફીના ભાવ ૨૦૨૦ના નવા વર્ષમાં સરેરાશ બે ટકા ઉંચા રહેવાની શક્યતા છે. ૨૦૧૯ના વર્તમાન વર્ષમાં આ ભાવ સરેરાશ પાંચ ટકા નીચા ગયા પછી હવે આવતા વર્ષમાં ભાવ ઉંચા જવાનું અનુમાન વર્લ્ડ બેન્ક દ્વારા બતાવાયું છે.
વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ કોલમ્બો તથો મોમ્બાસાના ઓક્સનમાં આ વર્ષે ચાના ભાવમાં ૧૧ ટકાની પીછેહટ દેખાઈ હતી. વૈશ્વિક સ્તરે ચાના ઉત્પાદનમાં વિવિધ ઉત્પાદક દેશોમાં ભારત બીજા ક્રમાંકે આવે છે તથા કુલ વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે ૨૬ ટકા જેટલો મનાય છે. દરમિયાન, મધ્ય પૂર્વના દેશોમાં ચાની માગ ઘટી છે. આવા માહોલમાં વૈશ્વિક સ્તરે સરેરાશ ભાવ ૨૦૧૯ના વિદાય લઈ રહેલા વર્ષમાં નીચા ઉતર્યા છે.
તેની સામે હવે ટૂંકમાં શરૂ થનારા નવા વર્ષમાં વૈશ્વિક ભાવ ઘટયા મથાળેથી ઉંચા જવાનું અનુમાન બતાવાયું છે. દરમિયાન, વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ કોફીમાં અરેબીકા તથા રોબસ્ટા પ્રકારની કોફીના ભાવ છેલ્લા કેટલાક મહિનામાં ઊંચા ગયા છે. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં આવા ભાવ આશરે ચાર ટકા ઉંચા ગયા છે. કોફીમાં ૨૦૧૯માં વૈશ્વિક પુરવઠો આશરે ૮ ટકા જેટલો ઘટયો છે. આ દરમિયાન બ્રાઝીલ તથા ભારતમાં ભારે વરસાદથી કોફીના પાક પર અસર દેખાઈ છે.
ભારતમાં કોફીનો પાક મુખ્યત્વે દક્ષિણ ભારતમાં થાય છે, આ વર્ષે દક્ષિણ ભારતમાં કર્ણાટક તથા કેરળમાં કોફીનો પાક અપેક્ષાથી ઓછો મનાઈ રહ્યો છે. પૂર તથા ઘણા વિસ્તારોમાં જમીન ધસી પડવાના કારણે કોફીના પાક પર અસર પડી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકને કેટલું નુકશાન થયું છે એ વિશે તાજેતરમાં કોફી-બોર્ડ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યાના વાવડ મળ્યા છે.
કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં કોફીની ખેતી હેઠળનો વિસ્તાર આશરે ૨ લાખ ૨૬થી ૨૭ હજાર હેકટર જેટલા વિસ્તારમાં હતો એ પૈકી આશરે ૯૭થી ૯૮ હજાર હેકટર્સ જેટલા વિસ્તારમાં પાકને વિવિધ કુદરતી આફતોના પગલે નુકશાન થયાના નિર્દેશો બહાર આવી રહ્યા છે.
દરમિયાન, કેરળમાં આશરે ૮૫૦થી ૯૦૦ હેકટર્સ જેટલા વિસ્તારમાં કોફીના પાક પર પ્રતિકૂળ અસર જોવા મળી છે. પાકને થયેલા નુકશાનનો ચોક્કસ આંકડો મેળવવા ટાસ્ક ફોર્સની રચના પણ કરાયાના સમાચાર મળ્યા છે. કોફી બજારના જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૮-૧૯ના પાક વર્ષમાં કુદરતી પ્રતિકુળતાના પગલે કોફીના ઉત્પાદનને આશરે ૨૦ ટકા જેટલું નુકશાન થયું છે. ૨૦૧૮-૧૯ના કોફી વર્ષ ઓકટોબર ૨૦૧૮માં શરૂ થયો છે. તથા આ ગાળામાં કોફીનું ઉત્પાદન આશરે ૨૦ ટકા જેટલું ઘટી આશરે ૨ લાખ ૫૦થી ૫૫ હજાર ટન આસપાસ થયું છે.
આની સામે ૨૦૧૭-૧૮ના કોફી વર્ષમાં આ ગાળામાં આવું ઉત્પાદન આશરે ૩ લાખ ૧૫થી ૨૦ હજાર ટન જેટલું નોંધાયું હતું. દેશમાં ૨૦૧૯-૨૦નું કોફી વર્ષ શરૂ થયું છે તથા આ વર્ષમાં પણ કોફીનું ઉત્પાદન નીચું રહેવાનું અનુમાન જાણકારો હાલ બતાવી રહ્યા છે. ભારતમાં થતા કોફીના કુલ ઉત્પાદનમાં કેરળ તથા કર્ણાટકમાં ઉત્પાદન આશરે ૯૦ ટકા જેટલું થાય છે. ભારતથી રોબસ્ટા તથા અરેબીકા પ્રકારની કોફીની નિકાસ વિશેષરૂપે ઈટલી, જર્મની તથા રશિયા તરફ થાય છે.
દરમિયાન ભારતમાં પણ દેશ વ્યાપી ધોરણે પરંપરાગત પીણા તરીકે ચાનો વપરાશ વધુ થાય છે. પરંતુ તાજેતરમના વર્ષોમાં દેશમાં ખાસ કરીને યુવાવર્ગમાં કોફીનો વપરાશ પણ વધ્યાના નિર્દેશો મળ્યા છે. આ અંગે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં આ બાબત બહાર આવી છે.
આ સર્વેક્ષણમાં આશરે ૨૫ ટકા લોકો કોફીનો વપરાશ કરતા થયા હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. નવેમ્બરમાં આ ઓનલાઈન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વિશેષરૂપે યંગ-જનરેેશને કોફી તરફ પસંદગી બતાવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે આ સર્વેમાં પ્રથમ ક્રમાંકે મોટાભાગના લોકોએ ચા ને પસંદ કરતા હોવાનું જણાવ્યું હતું. ઘણાં લોકોએ તેઓ ચા તથા કોફી બન્ને પીણાઓને પસંદ કરે છે એવો પ્રતિસાદ પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન આ ઓનલાઈન સર્વેમાં બહાર આવેલી વિગતો મુજબ પુરૂષો ચાને વધુ પસંદ કરે છે તથા તેની સરખામણીએ મહિલાઓ તેટલા પ્રમાણમાં ચા પીતી નથી, પશ્ચિમ ભારતમાં ચા વધુ પીવાય છે જ્યારે દક્ષિણ ભારતમાં કોફી વધુ પીવાય છે. પશ્ચિમ ભારત કરતા ઉત્તરીય ભારતમાં ચાનો વપરાશ સરખામણીએ વધુ રહ્યો છે. નોર્થ ભારતમાં ચા વધુ પીવાય છે. મસાલા ટીનો વપરાશ પ્રથમ ક્રમાંકે તથા ત્યારબાદ ગ્રીન-ટી તથા આસામ ટીનો ક્રમાંક વપરાશના સંદર્ભમાં આવે છે. કોફીમાં પ્રથમ ક્રમાંકે પસંદગી ઈન્સટન્ટ કોફીની રહી છે તથા ત્યારબાદ કેપુચીનો તથા ફિલટર કોફીનો ક્રમાંક આવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P64kyF
ConversionConversion EmoticonEmoticon