ચાના ઉત્પાદનમાં સાઉથને પાછળ રાખીને નોર્થ આગળ


દેશમાં ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે તથા હવે ટૂંકમાં ૨૦૧૯નું કેલેન્ડર વર્ષ પુરૂં થવાનું છે ત્યારે ચા બજાર તથા ઉદ્યોગ જગતમાંથી બહાર આવી રહેલા નિર્દેશો મુજબ ૨૦૧૯માં દેશમાં ચાના ઉત્પાદન ક્ષેત્રે ખાસ્સી પ્રગતિ જોવા મળી રહી છે . જોકે ચા બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઓકટોબર મહિનો નબળો રહેવા છતાં  એકંદરે ૨૦૧૯ના આખા વર્ષ પર નજર કરીએ તો દેશમાં ચાના ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. 

આ દરમિયાન ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ઓકટોબરના આંકડા જોકે નબળા આવ્યા છે. ઓકટોબર મહિનામાં દેશમાં દક્ષિણ ભારત તેમ જ ઉત્તર ભારત બન્ને વિસ્તારોમાં  હવામાન પ્રતિકૂળ રહેતા ચાનું ઉત્પાદન ઘટયાના આંકડા મળ્યા છે.  દરમિયાન, ચા બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ સાઉથ ઈન્ડિયામાં ચાનું ઉત્પાદન  ઓકટોબરમાં આશરે ૧૮થી ૧૯ લાખ કિલો ઘટયું છે તથા ઉત્પાદન આશરે ૨૫૨થી ૨૫૩ લાખ કિલો જેટલું થયું  છે જ્યારે ઉત્તર-ભારત નોર્થ ઈન્ડિયામાં ચાનું ઉત્પાદન ઓકટોબરમાં આશરે ૪૦થી ૪૧ લાખ કિલો ઘટીને આશરે ૧૫૧૬થી ૧૫૧૭ લાખ કિલો જેટલું થયું છે. 

દેશવ્યાપી ધોરણે ઓકટોબરમાં ચાનું ઉત્પાદન આશરે ૫૯થી ૬૦ લાખ કિલો ઘટી ૧૭૬૯થી ૧૭૭૦ લાખ કિલો જેટલું થયાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. જોકે  ૨૦૧૯ના આરંભથી જાન્યુઆરીથી ગણતાં જાન્યુઆરીથી ઓકટોબર સુધીના ૧૦ મહિનાના ગાળામાં દેશમાં ચાનું કુલ ઉત્પાદન વધીને આશરે ૧૧૮૩૨થી ૧૧૮૩૩ લાખ કિલો થયું છે જે ૨૦૧૮ના પાછલા વર્ષમાં આ ગાળામાં  આશરે ૧૧૬૨૦થી ૧૧૬૨૧ લાખ કિલો થયું હતું.  ઓકટોબરમાં જોકે ઉત્પાદન ઓછું થયું છે પરંતુ એ પૂર્વેના મહિનાઓમાં ઉત્પાદન ઉંચુ રહ્યું હોવાનું  ચા ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું. 

આ વર્ષે ૧૦ મહિનામાં  ઘરઆંગણે  ચાનું ઉત્પાદન પાછલા વર્ષ કરતાં  આશરે ૨૧૨થી ૨૧૩ લાખ કિલો ઉંચું નોંધાતા આ ગાળામાં ટકાવારીના સંદર્ભમાં  જોઈએ તો ઉત્પાદન વૃદ્ધી આશરે ૧.૮૦થી ૧.૮૫  ટકા જેટલી થઈ છે. જોકે આ ગાળામાં  નોર્થ ઈન્ડિયાના ઉત્પાદનમાં વિશેષ વૃદ્ધી જોવા મળી છે. 

જ્યારે તેની સામે  સાઉથ ઈન્ડિયામાં ચાનું ઉત્પાદન આ ૧૦ મહિનાના ગાળામાં હકીકતમાં ૬૩થી ૬૪ લાખ કિલો ઘટતા આવું ઉત્પાદન ત્યાં આ ગાળામાં ૧૮૫૫થી ૧૮૫૬ લાખ  કિલોથી ઘટી ૧૭૯૧થી ૧૭૯૨ લાખ કિલો જેટલું  થયું છે. 

સાઉથમાં ઉત્પાદનમાં હકીકતમાં ૩.૪૦થી ૩.૪૫ ટકા જેટલો ઘટાડો થયો છે.  જોકે તેની સામે નોર્થ ભારતમાં ચાનું ઉત્પાદન વિશેષ વધતાં દક્ષિણની ઉત્પાદન ઘટને  નોર્થ ઈન્ડિયાએ સરભર કર્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ભારતમાં ચાનું ઉત્પાદન  આ ગાળામાં  તામિલનાડુ ખાતે આશરે ૪૪ લાખ કિલો ઘટી ૧૨૭૦થી ૧૨૭૧ લાખ કિલો  થયું છે.  જ્યારે કેરળમાં આવું ઉત્પાદન આશરે ૧૫થી ૧૬ લાખ કિલો જેટલું ઘટી ૪૮૩થી ૪૮૪ લાખ કિલો જેટલું થયું છે. 

ખરાબ હવામાનના કારણે આ આંકડા નીચા ઉતર્યા છે. જોકે નોર્થ ઈન્ડિયામાં  આ ગાળામાં ચાનું કુલ ઉત્પાદન આશરે ૨૭૬થી ૨૭૭ લાખ કિલો જેટલું વધી ૧૦૦૪૧થી ૧૦૦૪૨  લાખ કિલો જેટલું થયું છે  જે પાછલા વર્ષે આ ગાળામાં આશરે ૯૭૬૪થી ૯૭૬૫ લાખ કિલો જેટલું થયું હતું.  

આસામમાં આ ગાળામાં ચાનું ઉત્પાદન આશરે ૬૪થી ૬૫ લાખ કિલો વધી આશરે ૬૨૧૭થી ૬૨૧૮  લાખ કિલો થયાના વાવડ મળ્યા છે. નવેમ્બરના આંકડા પર હવે નજર રહી છે તથા ડિસેમ્બર મહિનાના  આંકડા તેમાં ઉમેરાશે ત્યારે  ૨૦૧૯ના સમગ્ર કેલેન્ડર વર્ષના ચાના ઉત્પાદનના આંકડા એકંદરે નવી ઉંચી સપાટી બતાવે એવી શક્યતા બજારમાં બતાવાઈ રહી છે. 

 બજાર તથા ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ  ૨૦૧૯ના આખા વર્ષમાં દેશમાં ચાનું કુલ ઉત્પાદન વધીને એકંદરે ૧૩૬૦૦ લાખ કિલો જેટલું  થવાની શક્યતા છે  જે થશે તો ઉત્પાદનના સંદર્ભમાં નવો રેકોર્ડ થવાની શક્યતા છે. 

દક્ષિણમાં  ચાનું ઉત્પાદન  વિશેષરૂપે  કેરળ તથા તામિલનાડુ ખાતે થાય છે. દરમિયાન ટી પ્લાન્ટર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ તામિલનાડુમાં ચાનું ઉત્પાદન પાછલા ૫-૬ વર્ષથી ઘટતું રહ્યું છે.  ટી-બોર્ડના  સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણમાં આ ઉત્પાદન જાન્યુઆરીથી ઓકટોબર ૨૦૧૯માં પાછલા વર્ષ કરતાં  આશરે ૬૪ લાખ કિલો ઓછું થયું છે.

કેરળમાં ચા ઉદ્યોગમાંં  કર્મચારીઓના વેતન દર ઊંચા રહ્યા છે અને ઉંચું વેતન આપવા છતાં  ત્યાં  કામદારો નારાજ રહ્યા છે જેથી ત્યાં  ઉત્પાદન  પર અસર પડતી જોવા મળી છે. આમ દેશમાં ચાના ઉત્પાદનમાં એક બાજુ સાઉથમાં પીછેહટ દેખાઈ છે ત્યારે બીજી બાજુ નોર્થ ઈન્ડિયા આગળ નિકળી ગયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/352HJbP
Previous
Next Post »