સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો નીચા ભાવે લગ્નસરાની માંગ વધશે


વિશ્વબજારમાં ચીન તથા અમેરીકાના  સંબંધો ખરાબમાંથી ફરી સારા બનતા જાય છે. તેમાં અમેરીકા ચીનની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ કરીને હોંગકોંગની હડતાલને તથા આંદોલનને ટેકો આપતા બન્ને વચ્ચેની તંગી વધી હતી પરંતુ વેપાર કરાર માટે આશાવાદ ઊંચો રહ્યો છે.પરિણામે સોના તથા ચાંદીના ભાવોમાં ઉછાળો નોંધાયો પછી ભાવ ગબડયા છે.

આ ઉપરાંત બ્રાઝીલ અરજેન્ટીના અને ફ્રાન્સ પર નવા પ્રતિબંધ મૂકતા વૈશ્વિક નાણાકીય વાતાવરણ વધુ ડહોળાઈ ગયું છે અને તેની અસર સોનાના ભાવ પર જોવા મળી છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રેમ્પ પર મહાઅભિયોગ- ઈમ્પીચમેન્ટની પ્રક્રિયા શરૂ થતા તથા રેડ દ્વારા ડીસેમ્બર માસમાં વ્યાજના દરમાં કપાત આવશે તેવો સંકેત મળતા સોનાની તેજીને ગતિ સાંપડી છે.

ચીન, રશીયા, તુર્કી, પોલાન્ડ, કઝાકીસ્તાન, ભારત વિગેરે દેશોની સેન્ટ્રલ બેન્કો વિશ્વબજારમાંથી સતત સોનાની ખરીદી કરતા સોનાના ભાવમાં ધીમો સુધારો આવી રહ્યો છે.

તેલના વધતા ભાવો, સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી, ચીન અને અમેરીકા વચ્ચે વણસતા સંબંધો, વૈશ્વિક મંદીની અસર વિગેરે સોનાના ભાવને તેજીની દીશા પકડાવશે.

એકંદરે સોનાના ભાવમાં આંચકાઓ આવતા સોનું ૧૪૯૦ ડોલર પ્રતિ ઔંસના ભાવનો પ્રતિકાર કરીને ઉપરની દીશા પકડશે. તેમાં ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં સોનાની લાંબા ગાળાના લેણની પોઝીશનમાં વધારો થતા સોનું તેજ રહેશે તેવી ગણતરી મૂકાય છે. તેમાં નવા સમાચાર ઉમેરાય છે કે વિશ્વની અમુક સોનાની ખાણથી આવતા દાણચોરીના સોનાને પ્રતિષ્ઠિત રીફાઈનરીના લોગોના બનાવટી સ્ટેમ્પ મારીને લગડીઓને ઘણા દેશોમાં વેચીને બેનામી નાણાનો ઉપયોગ કરીને સોનાની દાણચોરીને પ્રોત્સાહન આપે છે.

તેના છેલ્લા ૩ વર્ષમાં સ્વીસની ૪ મોટી રીફાઈનરીની બનાવટી લગડીઓ બનાવીને ૫૦૦ લાખ ડોલરની લગડીઓને શોધી કાઢી હતી. આમ બનાવટી લોગો બનાવીને દાણચોરીના સોનાનો ઉપયોગ કરીને આતંકવાદીઓ નાણાનું ભંડોળ ઉભુ કરતા વિશ્વમાં તંગ પરિસ્થિતિ સર્જે છે. આવી દાણચોરીના સોનાની બનાવટી લગડીઓ વિશ્વબજારમાં ઠલવાતા વેપારીઓ મુંઝવણ અનુભવે છે.

એકંદરે સોનું ૧૪૭૦થી ૧૫૧૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ વચ્ચે ૨૦૧૯ના વર્ષના અંતિમ દિવસોમાં અનિશ્ચિત વાતાવરણ ઉભુ કરશે.

વિશ્વબજારમાં સોના પાછળ પાછળ ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો છે. અઠવાડીયાના બે દિવસમાં જ ચાંદીનો ભાવ ૧૬૯૦ સેન્ટની વધીને ૧૭૨૨ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ દાખવીને ગુરુવારે સવારે લંડન બજારમાં ૧૬૯૫ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ થતો હતો. ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં લાંબા ગાળાની લેણની પોઝીશનમાં સટ્ટોડીયાઓએ વધારો કર્યો છે અને સંકેત આપે છે કે લાંબા ગાળે ચાંદીમાં તેજી રહેશે.વિતેલા સપ્તાહના અંતે ભાવ ઘટી ૧૬૬૦ સેન્ટ રહ્યા છે.  

સોલાર ક્ષેત્રે તથા ઈલેકટ્રોનીક્સ ક્ષેત્રે ચાંદીનો વપરાશ વધી રહ્યો છે છતાં બાય પ્રોડેકટ તરીકે ચાંદીનું ઉત્પાદન વધતા માંગ સામે પુરવઠો પુરતા પ્રમાણમાં મળે છે. પરિણામે ચાંદીના ભાવો વધવાની શક્યતા ઓછી છે.

એકંદરે ચાંદી ૧૬૫૦ અને ૧૭૨૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાય તેવી ગણતરી મૂકાય છે.સ્થાનિક બજારમાં લગ્નસરો શરૂ થયો છે. પણ મોંઘવારી વધી હોવાથી લોકોની ખરીદ શક્તિ ઘટી છે અને લગ્નમાં ખરીદવા સોનાના બજેટમાં કાપ મૂકાય છે. છતાં ૧૩૦ કરોડ લોકોમાં આ વર્ષે ૫૦ લાખ લગ્ન લેવાશે તેવો અંદાજો મૂકાય છે.

વિશ્વબજારમાં સોનાનો ભાવ મજબૂત આવતા સ્થાનિક સોના બજારમાં સોનાના ભાવમાં રૂ.૪૦૦ પ્રતિ દસ ગ્રામનો ઉછાળો નોંધાયો છે. નોંધવું રહ્યું કે વાયદા બજારમાં જાન્યુઆરી ડીલીવરીનો ભાવ રૂ.૩૮૪૦૦ પ્રતિ દસ ગ્રામ ખોલાતા હાજર સોનાનો ભાવ રૂ.૩૮૮૫૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થયો પરંતુ વિશ્વબજારની અસ્થિરતાએ વાયદા બજારમાં વાયદો ઘટીને રૂ.૩૮૨૦૦ પ્રતિ દસ ગ્રામ જેવો બોલવા લાગ્યો.

બજારમાં હોલસેલના દાગીના વેપાર કરતા વેપારીઓ તરફથી માંગ રહેતા સોનુ ઘટતું નથી. રોકાણકારો બેન્કોમાં નાણા રોકવાને બદલે સોના- ચાંદીમાં રોકાણ કરવા લાગ્યા છે.શો-રૂમમાં ઘરાકી સળવળી છે અને ડીસ્કાઉન્ટની જાહેરાતને કારણે ઘરાકો દાગીના લેવા લલચાય છે.

આયાતકારો દ્વારા જણાવાયું છે કે ડીસેમ્બર માસમાં ઈમ્પોર્ટેડ સોનાની આવક ૫૦ ટનની થાય તેવું માગે છે. પરંતુ દાણચોરીના સોનાની આવકનો રેશીયો વધતા સોનાની દાણચોરી પેસેન્જરો દ્વારા વધી છે અને અંદાજે ૫૦ ટન સોનું દેશમાં દાણચોરીનું  સોનું ઘર કરી જાય.

જુના સોનાની આવકમાં સુધારો નોંધાયો છે. નેપાળથી દાણચોરીની સોનાની આવકમાં ઘટાડો થયો છે કારણ કે નેપાલ સરકારે સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કર્યો છે પરંતુ ભારતની જેમ ૧૨.૫૦ ટકા કસ્ટમ ડયુટી ન હોવાથી દાણચોરીનું સોનું નેપાળથી ઓછું આવશે અને શ્રીલંકાથી નવા દાણચોરીના સોનામાં વધારો થાય તેવી શક્યતા છે.

એકંદરે સોનું ધીમે ધીમે સુધરે અને રૂ.૩૯૦૦૦ પ્રતિ દસ ગ્રામનો ભાવ દાખવે. સ્થાનિક ચાંદી બજારમાં વૈશ્વિક ચાંદીના ભાવમાં સુધારો થતા અહીં ચાંદીના ભાવમાં રૂ.૧૦૦૦ પ્રતિ કિલોનો ઉછાળો નોંધાયો અને બુધવારે સવારે ઝવેરીબજારમાં ચાંદી રૂ.૪૬૧૦૦ પ્રતિ કિલોનો ભાવ ક્વોટ થતો હતો પરંતુ સાંજે વૈશ્વિક બજારની નરમાઈએ ચાંદીના ભાવોમાં રૂ.૫૦૦ પ્રતિ કિલોનો ઘટાડો નોંધાતા ચાંદી રૂ.૪૫૬૦૦ પ્રતિ કિલો બોલાતી હતી.

રોકાણકારોએ નીચા ભાવે લીધેલી ચાંદી બજારમાં વેચાણ આવતા ચાંદીના વેચાણનું દબાણ રહેતા વેપારીઓ રૂ.૨૦૦ પ્રતિ કિલોના ભાવ ફેરે ચાંદીની લેવડદેવડ કરતા હતા.આયાતી ચાંદી પુરતા પ્રમાણમાં આવે છે અને વાયદા કરતા રૂ.૧૦૦ ઉંચે વેચાય છે. જુની ચાંદીની આવક ઘટતા ઈમ્પોર્ટેડ ચાંદી ઉદ્યોગ તથા બજારને ચાંદીનો પુરવઠો પુરો પાડે છે. આ વર્ષે ચાંદીના દાગીનાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.શો-રૂમમાં લગ્નસરાની ઘરાકી નીકળી છે. એકંદરે ચાંદી રૂ.૪૫૦૦૦ અને રૂ.૪૬૫૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P64ki9
Previous
Next Post »