આજે રોકડા કાલે ઉધાર !


ઉઘરાણીની વાત છેડી. મને કહે કે ઉઘરાણીવાળા આપણે ઘેર પગ ઘસતા આવે એ તો આપણી શોભા છે. આમ તો કોણ આપણે ઘેર આવવા નવરું છે ? 

પાનવાળાની દુકાને એક રોજિંદો ગ્રાહક ઝઘડતો હતો. ખરું જોતા ગ્રાહક નહિ, પાનવાળો પંડિત (પાનવાળાને પંડિત કહેવાનો પણ રિવાજ છે) ઝઘડતો હતો : 'દેખો, તુમ્હારા પંદરાહ રૂપયા બાકી હૈ તુમ વાદા કરતે રહે, લેકિન પૈસા નહી દેતે.'

ગ્રાહક જેમ તેમ ઝઘડો ટાળીને પંડિતને નવો વાયદો આપીને બીજાં બે પાનમસાલા બંધાવી જતો હતો.

મેં પંડિતને પૂછ્યું : 'તમે પાટિયું લગાવ્યું છે કે આજે રોકડા કાલે ઉધાર' અને તમે ઉધારિયું તો ચલાવો છો

પંડિતજી કહે : 'ઉધારિયે જ ધંધો ચાલે છે. ઘરાક ટકી રહે છે'

'પણ એ નહિ આવે તો ?'

'આવ્યે જ છુટકો. પાનમસાલા વિના કોને ચાલ્યું છે ? માત્ર પાનવાલા પંડિતનું નહિ, ઘણે ઠેકાણે આવું ઉધારિયું ચાલતું જ હોય છે.'

કરિયાણાની દુકાન તો ઘણું ખરું ઉધારરિયા પર જ નભે છે. ગૃહિણીઓ રસોઇ માટે એ ગૃહ વપરાશની ચીજો લેવા આવે છે અને પૈસા રોકડને બદલે વેપારીના ચોપડે ઉધારાય છે. પણ ફુરસદે એ બિલની ઉઘરાણી કરી આવે છે. એનેય રોજિંદા ઘરાક જતા રહે એ પાલવે તેવું નથી. ગૃહિણીઓ પણ ખુશ કે રોકડા ચુકવવા પડતા નથી. પૈસા થોડો વખત સચવાઈ રહે છે.

કેટલીક મેમ સાહેબાઓ તો પોતે ચંપલ ઘશીને કરિયાણું લેવા જતી નથી. ઘરના નોકરની જોડે જે જે સામગ્રીની જરૂર હોય તેની જોડે કાગળ પર યાદી મોકલી આપે છે અને દુકાનમાં કામ માટે રાખેલો છોકરો આવા મેમસાહેબોના ઘરનો જાણીતો હોય છે. એ બધું કરિયાણું એમને ઘેરબેઠાં પહોંચાડી આવે છે.

એવા ઉધારિયામાં મેમસાહેબોને સ્ટેટસ લાગે છે અને કરિયાણાના વેપારીને, કરિયાણામાં થોડીક ભેળસેળ કે ઓછું વત્તુ મોકલીને ય ઘરાક સંતોષ્યાનો આનંદ પામે છે.

માત્ર સામાન્ય વહેવારમાં નહિ, દુનિયામાં સર્વત્ર ઉધારિયું ચાલે છે. વિકાસશીલ દેશોનું વિકસિત સામ્રાજ્યોના ચોપડે કેટલું બધું દેવું-ઉધારિયું ચાલે છે. દેવું કરીને ય ઘી પીઓની ટેવવાળા પાકિસ્તાનમાં તો ટોચ સુધી દેવું છે. પણ ક્યાં કશી ફિકર છે ? ઉઘરાણી આવશે ત્યારે જોઇ લેવાશે એવી બેફિકરાઈમાં જ તેમના દેશનો વહેવાર ચાલતો હોય છે.

આપણા ભારત દેશનું ય ઉધારિયું બીજા માલેતુજાર દેશોના ચોપડે ઓછું નથી. એની ચિંતા ય નથી.

ખુદ ભગવાનને ચોપડેય ઉધાર ક્યાં નથી ચાલતું ? કેટલાય વેપારીઓ જો એમના વેપારમાં સારી બરકત આવે તો ભગવાનનો કીમતી દાગીના ચડાવવાની બાંયધરી કે 'લાલચ ?' આપે છે. ભગવાન પણ કશું બોલ્યા ચાલ્યા ચૂપચાપ એ ઉધારિયું માન્ય રાખતા હોય છે. એ ક્યાં વેપારી પાસે ઉઘરાણી કરવા જવા નવરા છે ?

મારા એક બે ઓળખીતા સંબંધીઓને તો ઉઘરાણી આવે તેમાં ક્રેડિટ લાગે. ઉધાર લીધા વિના ઉધ્ધાર નથી એ તેમનાં જીવનની રીત છે અને ઉધાર આપ્યા વિના વેપારનો ઉધ્ધાર નથી એ વેપારીની રીત મારા એક ખંધા સ્નેહીને તો ઉધાર અને ઉઘરાણી જીવનના સિધ્ધાંત બની ગયા છે. મને એમની મારી બેફિકરાઈ - નફ્ફટગીરી પર નવાઈ લાગે છે.

મેં એકવાર એમને ઘેર મુલાકાત દરમ્યાન ઉઘરાણીની વાત છેડી. મને કહે કે ઉઘરાણીવાળા આપણે ઘેર પગ ઘસતા આવે એ તો આપણી શોભા છે. આમ તો કોણ આપણે ઘેર આવવા નવરું છે ? પણ ઉઘરાણીવાળા તો આપણને મળવા આવે છે !

મેં મજાકમાં કહ્યું કે હું તો ઉધારમાં માનતો જ નથી. મારે ઘેર કોઇનીય ઉઘરાણી હોય તો 'ઊંઘરાણી' રીસાઈ જાય છે એ ભાઈ ખડખડાટ હસી પડયા. 'અરે ભોળાભાઈ ! ઉઘરાણી આવતી હોય એ કુટુંબ કે ઘર તો વેપારીઓનું તીર્થસ્થાન છે. મને તો ઉઘરાણી હોય ત્યારે જ સારી ઊંઘ આવે છે. કે ચાલો વણનોતર્યા ય મહેમાન તો આવે છે. ઘરની પ્રતિષ્ઠા વધારે છે !'

'વિના ઉધાર નહિ ઉધ્ધાર'નો સિધ્ધાંત સર્વત્ર વ્યાપેલો છે એ વિના જગવહેવાર શક્ય નથી !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Z06jz
Previous
Next Post »