ગીધવૃત્તિ અને ગરુડવૃત્તિ

સફેદ દિવાલમાંથી એકાદ ડાઘ શોધવાની ગીધવૃત્તિના લોકોને ભારે મજા આવતી હોય છે. 

'તમે એમના માટે 'કહેવાતા તત્ત્વચિંતક' (અહીં તત્ત્વચિંતકની જગ્યાએ કહેવાતા પત્રકાર, સાહિત્યકાર કે કવિ શબ્દ મૂકવાની છૂટ છે) શબ્દ વાપર્યો છે. આ શબ્દ તમે અંગત ખણખોદ દરમ્યાન નહીં, જાહેર માધ્યમ દ્વારા વાપર્યો છે. હવે બંધુ ! એક સવાલ, માત્ર એક જ સવાલનો જવાબ આપો: જેમને માટે 'કહેવાતા' જેવી ગાળ વાપરી એમનો એકાદ લેખ કે એકાદ પ્રવચન પણ સાંભળ્યાં છે ખરાં ?'

કહેવાતા બૌદ્ધિકોની જમાતમાંના એક એવા એ લાઈનો નફ્ફટ પ્રત્યુત્તર હતો: ના. એમણે કશું જ વાંચ્યું ન હતું. તો 'કહેવાતા' ગાળ આપવા પાછળ શો આધાર હતો ? કયું પ્રેરકબળ હતું ? એ પ્રેરક-બળ હતું: ઇર્ષ્યા અને પરિણામે પેદા થતી ગીધ-વૃત્તિ !

સતત ત્રણ કલાક સુધી અસ્ખલિત પ્રેરક વાણીથી પાવન કરનાર વ્યક્તિ કાર્યક્રમને અંતે કોઈ નિમિત્તે ઉશ્કેરાઈ જાય ને એક શબ્દ ઉશ્કેરાટમાં કડવો બોલી જાય તો સ્વસ્થ વ્યક્તિએ કઇ ક્ષણો પર ભાર મૂકવો જોઇએ ? પ્રારંભના તેજસ્વી ત્રણ કલાક પર કે એકાદ નબળી ક્ષણ પર ? એક મિત્રે આ સંદર્ભમાં 'ગીધવૃત્તિ'નું વિશ્લેષણ કરતાં કહ્યું કે સફેદ દિવાલમાંથી એકાદ ડાઘ શોધવાની ગીધવૃત્તિના લોકોને ભારે મજા આવતી હોય છે.

ડાઘ ન હોય તો ડાઘ ઊભો કરીને પણ મજા માણે કારણ કે એ લોકો 'ગીધ' હોય છે એમનો એ ખોરાક હોય છે. ફરક એટલો કે આ વૃત્તિને એ લોકો 'સંશોધકવૃત્તિ'નું રૂપાળું મહોરૂં પહેરાવતા હોય છે. અને બહુમતી સમાજ 'ગીધવૃત્તિ'નો હોય છે. સફળ ટોચ પર પપહોંચેલી વ્યક્તિને લાગ મળ્યે લાફો મારવાની વૃત્તિ નવ્વાણુ ટકાનાં સુષુપ્ત મનમાં ધરબાયેલી હોય છે. આ જ કારણે તો સનસનાટીવાળાં શીર્ષકોની બજાર બહુ વિરાટ હોય છે ! મહત્ત્વનો મુદ્દો 'વૃત્તિ'નો છે.

પ્રકાશની જ ગણના કરવી અને અંધારી બાજૂ પ્રત્યે આંખમીંચામણાં કરવાં એ તટસ્થતા નથી જ. સુષ્ઠુ સુષ્ઠુ અને સુંવાળી સુંવાળી વાતો કર્યા કરવી એ દંભ છે. જગતમાં દરેક બાબતને ઉજળી અને કાળી બાજુ હોઈ શકે. બહુ જ મહત્ત્વનો મુદ્દો તમારી દ્રષ્ટિ તમારાં મૂલ્યાંકન પાછળ ધરબાયેલી 'વૃત્તિ' અથવા 'હેતુ'નો છે.

ભણેલા ગણેલા બૌદ્ધિકો એક વાતમાં ભારે નિષ્ણાત હોય છે: અંગત તેજોદ્વેષની ખંજવાળ સંતોષવા સૂફિયાણી અને કટાક્ષયુક્ત ભાષાનો ઉપયોગ કરવામાં એમની બૌદ્ધિક સજ્જતા પૂરેપૂરી કામે લાગે છે. 'કહીં પે નિગાહેં, કહીં પે નિશાના'. ખુલ્લો નામજોગ વિરોધ કરવા જેટલું શૌર્ય ન હોય એટલે કટાક્ષોની કાયરતા એ આપણી નિર્માલ્ય અને તેજોદ્વેષી બૌદ્ધિકતાનું મુખ્ય 'લખણ' છે.

લોકપ્રિય કથાકાર જ્યારે પૂજાવા લાગે ત્યારે તમે એના ઉજાશ પ્રત્યે આંખમીંચામણાં ન કરી શકો. હા, કથાકારોનો આધાર ભાવનાઓ ભક્તિ કે શ્રદ્ધા હોય છે. જો તમે એમનું મૂલ્યાંકન માત્ર ગીધવૃત્તિથી કરો તો કહી શકો કે 'આ બધા અફીણના વેપારી છે.' તો તો એ માપદંડથી તમે નરસિંહ અને મીરાંને પણ અફીણના વેપારી કહી શકો. બંગાળના જગપ્રસિદ્ધ સંત ઠાકુરશ્રી રામકૃષ્ણદેવના શબ્દો અહીં સમજવા જેવા છે: 'કોઇને જ્યારે વિરાટ જનતા જનાર્દનનો ઉમળકો પ્રાપ્ત થાય ત્યારે એની પાછળ પરમશક્તિનો હાથ હોય છે.'

આપણે પૂર્વગ્રહના ખોરાક પર જીવતા રહેવાની ટેવ પાડશું તો ગીધ જ રહેશું. ગરુડ કદી નહીં બની શકીએ, પરમાત્માનું પ્રભુનાં ઐશ્વર્યનું વાહન કદી નહીં બની શકીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34QhCVi
Previous
Next Post »