દિવસ-રાત વર્ષો વર્ષ હૃદય નિયમિત ધબકતું રહે છે. હૃદયના એક મિનિટના ૬૦-૭૦ ધબકારા થાય છે. તેમાં વ્યક્તિના શ્રમ, દર્દ, તણાવ પ્રમાણે વધઘટ થાય છે
હૃદયના ધબકારા મોટા પ્રમાણમાં ઘટી જાય અથવા તો અનિયમિત થઇ જાય તો દર્દીને થાક લાગે, ચક્કર આવે, પડી જાય, મૂર્છા આવે અને હૃદય બંધ પણ પડી જાય સારૂ જીવન જીવવા પેસમેકર મૂકાવવું પડે છે
હૃદયરોગના ઘણા પ્રકાર છે : તેમાનો એક પ્રકાર હૃદયના ધબકારા અનિયમિત થઇ જવા કે હૃદયના ધબકારા ખૂબ ઘટી જવાના કે ખૂબ વધી જવાનો છે. હૃદયના ધબકારા અમુક હદ કરતાં ઘટી જાય તો વ્યક્તિને ચક્કર આવવા લાગે છે, સખત થાક લાગે છે, ચાલતા ચાલતા પડી જાય છે અને કોમામાં પણ સરી પડે છે.
હૃદયના ધબકારા નિયમિત જળવાઈ રહે. તેવું સાધન પણ છે એટલું જ નહીં તેમાં દિન પ્રતિદિન સુધારા થતા જાય છે. તેને પેસમેકર કહે છે. ઘણા લોકો પેસમેકરને પોતાની છાતીમાં ઇમ્પાલાન્ટ કરાવે છે અને સામાન્ય જીવન નિશ્ચિત રીતે વિતાવે છે. તેને પ્લસ જનરેટર પણ કહે છે અથવા 'સ્ટિમ્યુલેશન ડીવાઈસ' પણ કહે છે. આપણે તેના વિશે જોઇએ તે પહેલા હૃદય વિશે થોડું જોઇએ.
હૃદય કોઈ આકર્ષક અવયવ નથી. તેનું વજન ૩૪૦ ગ્રામ છે. તે રાતા-કથ્થઇ રંગનું હોય છે. તે ૧૫ સેન્ટિમીટર લાંબુ અને વધુમાં વધુ તેની પહોળાઈ ૧૦ સેન્ટિમીટર છે. તેનો આકાર પેંઅર નામના ફળ જેવો (જામફળના આકાર જેવો) છે. છાતીની મધ્યમાં સ્હેજ ડાબી બાજુ તેના સ્નાયુ બંધનથી (લિગામેન્ટ)થી લટકતું રહે છે. કવિઓએ તેની ગમે તેવી સારી સારી વાતો કરી હોય પણ તે કોઈ ભાવનાપ્રધાન પાત્ર નથી. તે સખત અને સતત કામ કરતો ચાર ખાનાનો પંપ છે. ખરેખર તો તે બે પંપ છે. એક પંપ ફેંફસામાં રક્ત લઇ જાય છે અને બીજો રક્તને શરીરમાં ધકેલે છે. દરરોજ તે ૯૦૦૦૦ કિલોમીટર લંબાઈની રક્તવાહીનિઓમાં રક્તને મોકલે છે તે ૧૫૧૦૦ લીટરની કારની ટાંકીને પંપીંગથી ભરવા માટે પૂરતું હોય છે.
તે નાજુક અંગ નથી. તમે તેજ દોડવીર હોય તો તમારા સ્નાયુ જેટલું કામ કરે તેમાથી તે બમણુ કામ કરે છે તેના જેટલું શરીરમાં કોઈ સ્નાયુ મજબુત નથી. અપવાદ રૂપે ગર્ભાશયનું સ્નાયુ મજબૂત હોય છે. જ્યારે તે શિશુને બહાર ધકેલે છે ત્યારે તેની મજબૂતાઈ પરાકાષ્ઠાએ હોય છે પરંતુ કોઈ મહિલા ૭૦ વર્ષની થાય ત્યાં સુધી દિવસ-રાત આ મજબૂતાઈ રહેતી નથી.
હૃદયને ચાર ખાના હોય છે. ઉપરના બે ખાનાને કર્ણક (એટ્રિયમ) અને નીચેના બે ખાનાને ક્ષેપક (વેન્ટ્રિકલ) કહે છે. દરેક કર્ણક પોતાની તરફના ક્ષેપકમાં એક વાલ્વ વડે ખૂલે છે. આ બન્ને વાલ્વ એક જ દિશામાં એટલે કે ક્ષેપક તરફ ખૂલે છે. કર્ણકો શરીરમાંથી લોહી એકઠું કરવાનું કામ કરે છે અને ક્ષેપકો લોહીને શરીરના જુદા જુદા ભાગોમાં મોકલવાનું કામ કરે છે. કર્ણકો અને ક્ષેપકોના વારાફરતી થતા સંકોચન અને શિથિલતાના કારણે રૂધિરા ભિસરણની ક્રિયા ચાલે છે. કર્ણક સંકોચાતા કર્ણક અને ક્ષેપક વચ્ચેનો વાલ્વ ખૂલે છે અને લોહી (રૂધિર) ક્ષેપકમાં દાખલ થાય છે. ક્ષેપક સંકોચાતા લોહી પાછું કર્ણકમાં જતું નથી પરંતુ ક્ષેપક સાથે જોડાયેલી ધમનીમાં (આર્ટરીમાં) દાખલ થાય છે.
લોહી પાછું વાલ્વના કારણે ક્ષેપકમાં આવી શક્તું નથી. વાલ્વ એવી રચના છે જે તરલને એક જ દિશામાં જવા દે છે. ધમનીઓ હૃદયમાંથી શુધ્ધ લોહી (ઓક્સિજનયુક્ત)ને શરીરના જુદા જુદા ભાગોમાં લઇ જાય છે. શિરા (વેઇન્સ)ઓ અશુધ્ધ લોહી (ઓક્સિજન વિહિન)ને શરીરના જુદા જુદા ભાગોમાંથી લાવી હૃદયને પ્હોંચાડે છે. ધમનીઓ અને શિરાઓ શરીરની રક્તવાહીનિઓ છે. અનેક કેશ વાહીનિયોનું નેટવર્ક ધમની અને શિરાને એક મેકને સાંકળે છે. હૃદય એક મિનિટમાં ૭૦ વખત ધમનીઓમાં ધકેલે છે. હૃદયના આ નિયત સમયના એકાંતરે થતા સંકોચન અને શિથિલનને ધબકાર (હાર્ટ બીટ) કહે છે.
બે ધબકાર વચ્ચે હૃદય થોડો આરામ કરે છે. હૃદયના મોટા ક્ષેપક (વેન્ટ્રિક્લ)ને સંકોચાતા અને લોહીને શરીરના ભાગોમાં ધકેલતા એક સેકન્ડનો દશમા ભાગથી ત્રણ ગણો સમય લાગે છે. તે પછી હૃદયને અડધી સેકન્ડનો આરામ મળે છે. આપણે નીંદરમાં હોઈએ ત્યારે આપણાં હૃદયના ધબકારા ૭૨થી ઘટીને ૫૫ થઇ જતા હોય છે.
હૃદય એક પમ્પ છે તેનું મુખ્ય કાર્ય શરીરના બધા અવયવો અને પેશીઓને ઓક્સિજન અને પોષક તત્ત્વો પૂરા પાડવાનું છે. તે આ કામ ફેફસામાં ઓક્સિજનયુક્ત લોહીને શરીરના જુદા જુદા ભાગોમાં પમ્પીંગથી મોકલે છે. ત્યાં તે તેમાનો ઓક્સિજન છૂટો કરે છે. તે પછી હૃદયથી તમારા ફેંફસાને લોહીનું પમ્પીંગ કરી પાછું મોકલે છે. આ રીતે રૂધિરાભિસરણ 'લૂપ' પૂરૂં કરે છે તેના કારણે દિવસ-રાત અને વર્ષ પછી આપણે જીવિત રહીએ છીએ.
આપણે જોયું કે આપણું હૃદય એકબીજા સાથે જોડાયેલા ચાર ખાનાનું બનેલું છે. શરીરમાંથી આવતું ઓક્સિજન ક્ષીણ થયેલું લોહી હૃદયના જમણી બાજુના કર્ણકમાં દાખલ થાય છે. જ્યારે કર્ણક લોહીથી પૂરેપુરું ભરાય જાય ત્યારે તે લોહીને પોતાની નીચેના ખાના જમણા ક્ષેપક (વેન્ટ્રિકલ)માં ધકેલે છે. આ મોટુ ખાનું છે તે સંકોચાઈને લોહીને હૃદયની બહારને મોકલે છે અને તેને ફુપ્ફુસ ધમની (પલ્મનરિ આર્ટરીમાં મોકલે છે તે લોહીને ફેફસામા લઇ જાય છે.
ફેફસામાં તે ઓક્સિજન ગ્રહણ કરે છે અને લોહી (પલ્મનરિ વેઇન્સ) ફુપ્ફુસ શીરા મારફતે ડાબા કર્ણકમાં પાછું આવે છે. જ્યારે ડાબુ કર્ણક પૂરેપૂરું ભરાય જાય ત્યારે તે લોહીને તેની નીચેના ડાબા ક્ષેપક તરીકે ઓળખાતાં મોટા ખાનામાં મોકલે છે. ડાબુ ક્ષેપક તેના મજબૂતી સ્નાયુની મદદથી શરીરના ભાગોમાં તે લોહીને ધકેલે છે.
હવે આપણે એ જોઇએ કે હૃદય ધબકે છે કેવી રીતે ? આપણું શરીર ૬૦૦૦૦ અબજ કોષોનું બનેલું છે. દરેક કોષ જીવનનું એકમ છે. તેમાંજ જીવનનો સ્ત્રોત હાય છે. તે જડ નથી તે જીવંત છે. તે એક સુક્ષ્મ જીવરાસાયણિક (બાયોકેમિકલ) ફેકટરી છે. શરીરનો એક ભાગ એવું આપણું હૃદય પણ લાખો કોષોનું બનેલું છે. આપણાં હૃદયના આ લાખો કોષો વિદ્યુતના નાના સ્પંદને પ્રતિભાવ આપે છે. તમારૂં હૃદય પોતાના વિદ્યુતસ્પંદ (પલ્સ) ને હૃદયના ઉપર ભાગમાં આવેલા ખાસ વિસ્તારમાં ઉત્પન્ન કરે છે. તેને 'સાઈનોએટ્રિઅલનોડ' એટલે કે ટૂંકમાં 'એસ એ નોડ' કહે છે. નોડનો અર્થ ગાંઠ અથવા ગુચ્છ કહી શકાય. તેના ખાસ પ્રકારના કોષોનો ગુચ્છ હોય છે. તે કર્ણકમાં હોય છે. જ્યારે કર્ણક લોહીથી ભરાય જાય ત્યારે તે સુક્ષ્મ વિદ્યુત સંકેતને ઉત્પન્ન કરે છે અને બાકીના હૃદયને મોકલે છે.
'એસ એ નોડ'ને જ્યારે કર્ણક લોહીથી ભરાય જાય છે ત્યારે તેનું સંવેદન થાય છે અને તે વિદ્યુત સ્પંદને બહાર મોકલે છે. તેના કારણે કર્ણકના સ્નાયુઓ સંકોચાય છે. આ સંકોચનના કારણે કર્ણક નીચે ક્ષેપકમાં લોહીને ધકેલે છે.
તંદુરસ્ત હૃદય 'મિનિટમાં ૬૦' ૧૦૦ વખત ધબકે છે તે પણ નિયમિત રીતે આ લયબધ્ધ ધબકે છે. ક્રમિક બે ધબકાર વચ્ચે લગભગ એક સરખો સમય હોય છે. શરીરની જે તે સમયે ઓક્સિજનની જરૂરિયાતને અનુલક્ષીને હૃદય વધારે ઝડપથી કે વધારે ધીમે ધબકે છે, તમારૂં શરીર જ હૃદયને કહે છે કે તેને કેટલા ઓક્સિજનની જરૂર છે.
હૃદયના ધબકાર સાથે સંકલાયેલ એક બીજો પણ ગુચ્છ (નોડ) છે તેને 'એવીન એટલે કે 'એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ' કહે છે. તે કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેલ છે. તે પણ ખાસ કોષોનો ગુચ્છ છે. તે સ્પંદને કેટલીક સેકન્ડના સોમા ભાગ સુધી પકડી રાખે છે અને પછી ક્ષેપકમાં છોડે છે. પરિણામે કર્ણક પ્રથમ ધબકે છે અને લોહીને ક્ષેપકમાં ધકેલે છે પછી ક્ષેપક કર્ણકમાંથી આવતા લોહીથી ભરાય જાય પછી ધબકે છે.'
આમ વિદ્યુત સ્પંદના કારણે ધબકાર થાય છે.જો આ વિદ્યુત સ્પંદ ઓછા ઉત્પન્ન થાય કે અનિયમિત ઉત્પન્ન થાય તો લોહીને ધકેલવાની પ્રક્રિયા ધીમી અથવા અનિયમિત થાય છે,
કર્ણકના ધબકારા નિયમિત થતા હોય અને ક્ષેપકમાં ઓછા થતા હોય તો ક્ષેપકમાં લોહીનો ભરાવો થાય છે. શરીરને સમયસર પૂરતું લોહી મળતું નથી. વ્યક્તિને થાક લાગે છે. ચક્કર આવે છે અને કોઈ વખત પડી પણ જાય છે. જો ધબકારા બહુ ઘટી ગયા હોય તો વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે આથી વ્યક્તિને પેસમેકર મૂકવાની જરૂર પડે છે. 'પેસમેકર'નાં કારણે જે વિદ્યુત સ્પંદ કુદરતી રીતે ઉત્પન્ન નથી થતા તે 'પેસમેકર' આપે છે અને બન્ને વખતે એક સરખા સ્પંદ મળે છે.
હવે આપણે જોઇએ કે હૃદયને કેવી સ્થિતિમાં પેસ મેકરની જરૂર પડે. કોઈપણ હૃદયની લયબધ્ધતા અસામાન્ય થવાને એટલે કે બિનલયબધ્ધતા ' અ રિધમીઆ' કહે છે. તેમાં હૃદયના ધબકારા અનિયમિત અથવા અત્યંત ઝડપી અથવા અત્યંત ધીમા થઇ જાય છે. બિનલયબધ્ધતા એટલે કે 'અરિધમીઆ'ના જુદા જુદા પ્રકાર છે. એક પ્રકાર એવો છે જેમાં હૃદય ધીમુ કાર્ય કરે છે. તેને 'બ્રાહીકાર્ડિયા' કહે છે. જે હૃદયના ધબકારા સતત ધીમા હોય છે. તે વ્યક્તિને થાક લગાડે છે. ચક્કર આવે છે અને માથું ખાલી ખાલી લાગે છે. કારણ કે ધીમું હૃદય પુરતાં લોહીનું પંપીંગ કરતું નથી અને તેથી શરીરના ભાગોને જરૂરિયાતના પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. પલ્સજનરેટર કે પેસ મેકર વ્યક્તિના હૃદયને સામાન્ય ધબકારાથી ધબકતું રાખવા ઉપયોગી થઇ શકે છે.
ઉપર મુજબ હૃદય ધીમું કામ કરવાને બદલે ખૂબ ઝડપથી કામ કરવા લાગે તેને ઝડપી હૃદય અર્થાત્ 'ટેકિકાર્ડિયા' કહે છે. હૃદયના ખાના પૂરેપૂરા ભરાતા નથી. આ હૃદય પૂરતા પ્રમાણમાં ઓક્સિજનને શરીરના ભાગોમાં પહોંચતો કરતું નથી. પરિણામે વ્યક્તિને ચક્કર આવે છે, મૂર્ચ્છા આવે છે અને હૃદય બંધ પણ પડી જાય છે. કેટલાક કિસ્સામાં હૃદયની ઝડપ ઉપરના ખાનામાં વધી જાય છે અને કેટલાકમાં નીચેના ખાનામાં વધી જાય છે.
સૌથી વધારે ગંભીર બિનલયબધ્ધતા એટલે કે અરિધમીયામાં હૃદયના વિદ્યુત સંકેતો સમયસર થતા નથી અને આ સંકેતો 'એસ એ નોડ'માં શરૂ થવાને બદલે ક્ષેપકમાં થાય છે. આ સ્થિતિને 'વેન્ટ્રિક્યુલર ફિબ્રિસેશન' કહે છે. એટલે કે ક્ષેપકને લગતી ધુ્રજારી કહી શકાય પરિણામે હૃદય નિયમિત ધબકવાના બદલે હૃદય ધૂ્રજવા લાગે છે તેને 'ફિબ્રિસેશન' કહે છે. આવું હૃદય શરીરને બહુ જ ઓછું લોહી પહોંચાડે છે. આવી વ્યક્તિ જલ્દીથી ચેતના ગૂમાવે છે. આવા દર્દીને તાત્કાલિક મોટો વિદ્યુત આંચકો (ઇલેક્ટ્રીક શોક) આપવામાં આવે છે. તેનાથી હૃદય તેની સામાન્ય લયબધ્ધતા પુન: પ્રાપ્ત કરે છે.
વૃધ્ધ માણસોમાં વધારે સામાન્ય બિનલયબધ્ધતા (અરિધમીયા) 'એટ્રિયલ ફિબ્રિલેશન' છે તેમાં હૃદયના ઉપરના ખાના ધૂ્રજવા લાગે છે. અને નીચેના ખાનાઓને જે સંકેતો મોકલાય છે તે અનિયમિત અને અનિશ્ચિત હોય છે. કેટલાક લોકોને 'એટ્રિયલ ફિબ્રિલેશન'ની અસર જણાતી નથી પણ કેટલાક લોકો છાતીમાં ફફડાટ અનુભવે છે. તે દર્દીને થાકેલો, સુસ્ત, ચક્કર આવતા હોય તેવો અને ટૂંકા શ્વાસ લેતો હોય તેવો કરે છે.
હવે પ્રશ્ન એ છે કે બિનલયબધ્ધતા એટલે કે 'અરિધમીયા' થવાનું કારણ શું ? ડાયાબીટીસ, લોહીનું ઉંચું દબાણ, હૃદયરોગ, દીર્ઘકાલીન અવરોધક પલ્મનરિ (ફેંફસાને લગતો) રોગ, અને હાથ પર થાઈરોડિઝમ (થાઈરોઇડ ગ્રંથીથી વધારે પડતી સક્રિયતા)ને કારણે અરિધમીયા થાય છે. તેવી રીતે આલ્કોહોલ અને કેટલીક દવાઓને કારણે પણ થાય છે. કેટલાક લોકો જન્મથી જ અરિધમીયા ધરાવતાં હોય છે કેટલાક લોકોને હાર્ટએટેક આવ્યો હોય અથવા તો ઝેર લીધું હોય તો હૃદયનું વિદ્યુત તંત્ર નુકશાન પામ્યું હોય તેને પણ અરિધમીયા થાય છે. લાગણીની ચઢ-ઉતર, કેફિન અને ગર્ભાવસ્થા પણ હૃદયને અસર કરે છે. અરિધમીયા શાના કારણે છે તે જાણવું જરૂરી છે કારણ કે ઉપચાર તેના પર આધારિત હોય છે. એક ઉપાય આધુનિક પેસ મેકર ઇમ્પ્લાન્ટ કરવાનો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33LWiPe
ConversionConversion EmoticonEmoticon