દરેક સ્થિતિમાં એડજસ્ટ થઈ જનારને અડચણો પજવતી નથી !


બહુ ઓછા લોકો ક્ષણ ક્ષણમાં જીવનના દર્શન કરીને જીવી જતા હોય છે. બાકીના મોટાભાગના લોકો જીવી નાખતા હોય છે ! એવા લોકો ક્યારેય જીવનને ઉજવી પણ શકતા નથી ને આનંદ પણ મેળવી શકતા નથી ! 

જિન્દગીને જીવી જવી અને જીવી નાખવી,  આ બે સ્થિતિ વચ્ચેનો ફરક જેને સમજાયો છે એ જ માણસે જિન્દગીને ખુબ જ નજીકથી જોઈ પણ છે અને ઓળખી પણ છે ! જે માણસ જિન્દગીને ઓળખે છે એ માણસ જિન્દગીને જેમ જીવાય એ રીતે જીવી નાખતો નથી ! એ જિન્દગીને સમજપૂર્વક જીવી જવા પ્રયત્નશીલ હોય છે ! આ પ્રયત્નશીલતા દરેકમાં નથી હોતી ! એને એવી પ્રયત્નશીલતાની આવશ્યકતા પણ નથી હોતી ! એને એમ લાગે છે કે જીવવા માટે અથવા જીવન ગુજારવા માટે પ્રયત્નવળી શું કરવાનાં હોય ? એની મેળે સવાર થાય છે ને એની મેળે સાંજ પડે છે, એમ જીવન પણ એની મેળે જ જીવાય છે ! દિવસો એની મેળે જ પસાર થાય છે ! આવા માણસો જીવે છે ખરા, પણ જીવનને માણવાનું ચૂકી જતા હોય છે ! જીવનની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે.

જે માણસને સમયનું મૂલ્ય સમજાય છે એને ક્ષણનો મહિમા પણ સમજાય છે અને જીવનને નહિ, જીવનની એક એક ક્ષણને જીવે છે. ક્ષણોમાં જીવતો માણસ વધતી જતી ઉંમરના તકાજાને સ્વીકારીને એ રીતે પોતાને એડજસ્ટ કરે છે ! ગમે તે સ્થિતિમાં એડજસ્ટ થઈ જવાની જેનામાં આવડત છે એ માણસને અડચણો ઝાઝુ પજવતી નથી ! જીવી જવા માટેની પ્રયત્નશીલતા પણ વ્યાપક સ્વરૂપે વિસ્તરે છે.

આમ જોવા જઈએ તો પેટનો ખાડો પુરવા માટે ય માણસને પ્રયત્નશીલ રહેવું પડે છે ! પણ એ પ્રકારની પ્રયત્નશીલતા ક્ષણ ક્ષણમાં જીવવાની સગવડ નથી આપતી ! પેટનો ખાડો પૂરવા માટેની પ્રયત્નશીલતા નરદમ હાડતોડ મજદૂરી જ હોય છે ને એ મજદૂરી એને થકવી નાખીને સુવાડી દેતી હોય છે. જીવન કઈ રીતે જીવવું, એ વિચારવાની ને એ રીતે વ્યવસ્થા કરવાની એને તક નથી મળતી ! એને તો આવતીકાલે ક્યાં કામ પર જવું, બસ એજ વિચારવાનું હોય છે! અને રોજ એ રીતે જ જીવતો હોય છે.

માત્ર આવતીકાલ પૂરતું અને માત્ર પેટનો ખાડો પૂરવા પુરતું જ વિચારતો હોય છે એ મરતાં સુધી એકધારી જિન્દગી જીવે છે. આવા માણસના જીવન પ્રવાહમાં કોઈ નવો વળાંક આવવાની ગુંજાઈશ ભાગ્યે જ હોય છે ! જીવન પ્રવાસમાં આવતાં વળાંકો પણ મહત્વનો ભાગ ભજવે છે ! એ વળાંકો માણસના નસીબને પણ ફેરવી નાખે છે અથવા વળાંકોમાંથી પસાર થતો માણસ પોતે જ પોતાનું ભાગ્ય લખતો હોય છે. પણ એ માટે પેટનો ખાડો પૂરવા પૂરતું વિચારવાનું છોડીને દુરંદેશી પૂર્વક વિચારવાની જરૂર  હોય છે !

જેમને પેટનો ખાડો પૂરવાની ચિંતા નથી એવા વર્ગના લોકોમાં પણ બહુ ઓછા લોકો ક્ષણ ક્ષણમાં જીવનના દર્શન કરીને જીવી જતા હોય છે. બાકીના મોટાભાગના લોકો જીવી નાખતા હોય છે ! એવા લોકો ક્યારેય જીવનને ઉજવી પણ શકતા નથી ને આનંદ પણ મેળવી શકતા નથી ! એ જોર જોરથી હસતા હોય છે ત્યારે પણ એમના ચહેરા પર આનંદની રોનક વર્તાતી નથી ! ઉતરેલી કઢી જેવા ડાચાવાળો માણસ સામે મળે તે કરતાં કાળી બીલાડી આડી ઉતરે એ સારૂં ! ઇર્ષાખોર માણસના ચહેરા પર ભાગ્યે જ રોનક દેખાશે.

પણ એ રોનક ગળચટ્ટી રોનક લાગશે ! જેના પર લીલ બાઝી જાય છે એ પથ્થર પર પગ મૂકવામાં લપસી જવાનો ભય રહે છે. ઇર્ષા અને અદેખાઇ પણ લીલની જેમ જ માણસની માનસિકતાને બાઝી જાય છે અને પછી જીવનમાં માણવા જેવી ક્ષણો માણ્યા વગર જ એની માનસિકતામાંથી લપસી જાય છે ! ઇર્ષા અને અદેખાઇમાં તમે તમારૂં જીવન જીવવાનું ચૂકી જાવ છો. જીવન જીવ્યા વગર જ વેડફાઇ જતું હોય છે. જિન્દગી માણવા માટે મળે છે, વેડફી નાખવા માટે નહિ !

આનંદની વ્યાખ્યાને પણ વ્યાપક સ્વરૂપે જોવામાં આવે છે. આનંદનો અર્થ એવો પણ નથી કે એશ-આરામથી જીવવું ! અતિશય અને નિરંતર આનંદથી પણ જીવનને કાટ લાગી જતો હોય છે. કટાઇ ગયેલી જિન્દગીમાં આનંદનો શ્વાસ રૂંધાતો હોય છે ! જિન્દગીને કામે વળગાડી રાખવી, એ પણ એક પ્રકારનો આનંદ છે અને એ જ આનંદ સાત્વત છે.

કટાઇ જવા કરતાં ઘસાઇ જવું સારૂં ! જીવનની ઉપયોગીતા પ્રત્યે બેદરકાર રહેનારને જીવવાનો કોઇ અધિકાર નથી ! આપણી હયાતી અન્ય કોઇને સહાયરૂપ થઇ શકે તો એનાથી રૂડું શું ? પારકા માટે નિસ્વાર્થપણે ઘસાઇ જવું, એ જિન્દગીની સાર્થકતાની ચરમસીમા ગણાય ! કોઇના શુભપ્રસંગે અથવા શુભકાર્ય અંગે એની સાથે હાથ મિલાવીને કે ખભે હાથ મૂકીને ઉમળકાભેર શુભેચ્છા પાઠવવી, એ પણ એક પ્રકારની સહાયતા છે.

પણ કેટલાક લોકો એવા મૂંઝી સ્વભાવના હોય છે કે, ખુબ જ નિકટના હોવા છતાં શુભેચ્છા પૂરતી પણ ઉદારતા દાખવી શકતા નથી ! આવા લોકોના મનમાં ક્યાંક કોઇ ખૂણે તમારા પ્રત્યેની ઇર્ષા સંતાઇને બેઠી હોય છે ! ઇર્ષા, અદેખાઇ અને જલન વિગેરે નકારાત્મકતા પર કોઇની મોનોપોલી નથી હોતી. જો કે આપણા સગાસંબંધીઓ અત્યંત અધિકારપૂર્વક એ રીતે આપણી સાથે વર્તતા હોય છે. તમને ય આ વાતનો અનુભવ હશે જ કે આપણી સૌથી વધુ ઇર્ષા આપણા સગાઓ અને આપણા લાગતા વળગતા જ કરતા હોય છે ! સગાસંબંધીઓમાં જ અંદરોઅંદર ઇર્ષાખોરીના છાનાછૂપા ગુણ વિકસતા અને વિસ્તરતા રહે છે.

અહિ ક્યારેક થોડોક સમય કાઢીને આપણી જાત માટે પણ વિચારવું જોઇએ. જેમ સૌથી વધુ ઇર્ષા સગાઓ જ કરતા હોય છે એવું પાકેપાયે જાણતા અને સમજતા હોઇએ તો એના દુર્ગુણો આપણામાં નહિ હોય એની શી ખાતરી ? જેમ કોઇ સગો આપણી ઇર્ષા કરતો હોય તો આપણે પણ કોઇના સગા હોવાના નાતે કોઇની ઇર્ષા નહિ જ કરતા હોઇએ એવું શી રીતે માની શકાય ? આપણે પણ માણસ છીએ અને માનવસુલભ ઇર્ષાવૃતિ આપણામાં પણ હોય એ સ્વાભાવિક છે ! ઇર્ષાખોરી માટે નિકટના સગાને જ આપણે ગુનેગાર ઠેરવતા હોઇએ તો આપણે પણ કોઇના નિકટના સગા હોવાના નાતે ઇર્ષાવૃતિનો ગુનો આપણને શા માટે લાગુ ન થવો જોઇએ ? આ પ્રશ્નનો ઉત્તર ઉતાવળે દઇ શકાય એમ નથી. કારણ કે ઉત્તર આપતાં પહેલા આપણે આપણી જાતમાં ડોકિયુ કરવું જોઇએ.

એ માટે આપણે જ આપણામાં ઊંડા ઉતરવું જોઇએ અને આપણામાં કોઇના પ્રત્યે ઇર્ષ્યાવૃત્તિ છે કે નહિ, એ શાંત ચીતે તપાસવું જોઇએ. એમાં ઉતાવળે જવાબ આપવાનું યોગ્ય નથી. કારણ કે આપણે કોઇ બીજાને ઓળખવો નથી. આપણે પોતાને ઓળખવો છે. પોતાને ઓળખવામાં લાંબો સમય વીતી જવાની સંભાવના છે. અન્ય માણસને એક ચપટી વગાડતામાં ઓળખી લેનાર પોતાને ઓળખવામાં ગોથું ખાઇ જાય છે. કેટલાકનું પોતાને ઓળખવામાં આખું આયખું વીતી જતું હોય છે!

સગપણનાં મૂળ પણ આપણાં ઘરમાં જ છે. ઇર્ષાખોર સગાઓને શોધવા બહાર જવાની જરૂર પણ નથી! એટલે ઇર્ષાખોરી આપણી જાતમાં જ નહિ, આપણા ઘરમાં જ આપણા પરિવારમાં જ અંદરોઅંદર પોષાતી હોય છે.ભાઇની ઇર્ષા થાય છે. દીકરો બાપને ટપી જવા મથતો હોય છે. વહુને સાસુની ઇર્ષા ને સાસને વહુની ઇર્ષા થતી હોય છે. ભાઇ બહેન વચ્ચે ઇર્ષા ટકરાતી હોય ત્યાં નણંદભાભી વચ્ચેની ઇર્ષા માટે પુરાવા શોધવા જવું પડે તેમ નથી! ઇર્ષા ગરીબના ઘર પરિવારમાં પણ હોય છે અને ધનવાનના ઘર પરિવારમાં પણ હોય છે. ઇર્ષા કોઇ એક ચોક્કસ બાબત માટે હોય તો એનો નીવેડો લાવી શકાય! પણ ઇર્ષા માટે અનેક બાબતો કારણ ભૂત હોય છે.

વેપાર ધંધામાં પ્રગતિ અને આર્થિક સધ્ધરતા પણ ઇર્ષાનું કારણ બને છે.  કોઇને પૈસાની ઇર્ષા છે કોઇને રૂપની ઇર્ષા છે, કોઇને કોઇના પહેરવાઓઢવા પર ઇર્ષા હોય છે. તમારી પાસે સાઇકલ હોય તો પણ કોઇને ઇર્ષા થતી હોય ને ફોર વ્હીલર હોય તો પણ સામેવાળાને તમારી ઇર્ષા થતી હોય છે! લોકો તમને મળવા આવે એની પણ ઘણાને ઇર્ષા થતી હોય છે. તમારી ઓળખની વ્યાપકતા અને તમારા નામના પણ ઇર્ષાનું કારણ બને છે.

લોકો તમને જ શોધતા આવે અને તમે જ પાંચમાં પૂછાતા હો તો પણ કોઇને બળતરા થતી હોય છે! આ સ્થિતિના નિવારણ માટેના ઉપાયો કોઇને જડતા નથી! એટલે જ તો સાધુસંતો ઇર્ષા અને અદેખાઇથી મુક્ત રહેવાની શીખામણ અથવા ભલામણ કરતા હોય છે. લોકો પોતે જ ઇર્ષા અને અદેખાઇ કરવાનું સ્વેચ્છાએ છોડે અને એક એવા સમાજનું નિર્માણ થાય કે જયાં ઇર્ષા- અદેખાઇ અંગેનો વિચાર સુધ્ધા ન આવે! પણ એવું થવાનું નથી! અદેખાઇ અને ઇર્ષાખોરી આપણા જીવનમાં અને સમાજમાંથી જવાની નથી! ઇર્ષા અને અદેખાઇથી દૂર રહેવા માટે તમે તમારી જાત માટે નિર્ણય લઇ શકતા હો તો પણ ઘણુ છે.ને એમાં કશું ગુમાવવાનું નથી, ઉલ્ટાનું પામવાનું છે! ઇર્ષા અદેખાઇથી તદ્દન મુક્ત જીવનમાં જે રાહત મળે છે. જે માનસિક હળવાશ મળે છે, એના જેવું બીજું કોઇ સુખ નથી. એક વાત નિશ્ચિત છે કે ઇર્ષા અદેખાઇ આપણા પોતાના માટે હાનિકારક છે!

ગાળ દે તો ચાલશે, બકવાસ સાંખી નહિ શકું,સાવ એ કારણ વગરનો ત્રાસ સાંખી નહિ શકુ!




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qh4bi5
Previous
Next Post »