પરામનોવૈજ્ઞાાનિકો કહે છે કે, માનવીના અચેતન મનમાં એના સૂક્ષ્મ શરીરમાં સંગૃહિત પહેલાના અનેક જન્મોના અનુભવો અને સંસ્મરણો સુષુપ્ત સ્થિતિમાં હોય છે
દુનિયાના તમામ ધર્મો અને એને પાળનારા સમુદાયો વત્તાઓછા અંશે એવું માને છે કે મરણ વખતે માત્ર સ્થૂળ શરીરનો જ નાશ થાય છે, એના સૂક્ષ્મ શરીર અને આત્માનો નાશ થતો નથી. એ આત્મા એના સૂક્ષ્મ શરીર સાથે ફરી નવા શરીરને ધારણ કરે છે એને જ પુનર્જન્મ કહેવાય છે.
પરામનોવૈજ્ઞાાનિકો કહે છે કે, માનવીના અચેતન મનમાં એના સૂક્ષ્મ શરીરમાં સંગૃહિત પહેલાના અનેક જન્મોના અનુભવો અને સંસ્મરણો સુષુપ્ત સ્થિતિમાં હોય છે. કોઈ વાર એ અનાયાસે પ્રકટ થઈ જાય છે તો કોઈવાર 'હિપ્નોટિક રીગ્રેસન'ની પ્રક્રિયાથી બહાર પ્રકટ કરી શકાય છે. અચેતન મન (સબ-કોન્સિયસ માઇન્ડ)ના અખૂટ સ્ટોર હાઉસમાંથી પૂર્વજન્મની ઘટનાઓનું પુન:પ્રકટીકરણ કરી શકાય છે.
અમેરિકાનો એક મંત્રી મિસિસ ડોલોરેસ જોયને પોતાના પૂર્વજન્મની ઘટનાઓ ઉદ્ધાટિત થઈ. એ વખતે તે ડોલોરેસ જોય નહીં પણ સોળ વર્ષની જર્મન યુવતી ગ્રેટચેન બની જતી તે પહોંચી જતી. ૧૮૭૦ના સમયગાળામાં અને તે કહેતી કે જર્મનીના એબર્સવાલ્ડે નામના નાના શહેરમાં રહે છે તેનું આખું નામ ગ્રેટચેમ ગારતિયેવ છે. તે ખ્રિસ્તી ધર્મના કેથોલિક સંપ્રદાયને અનુસરે છે. એકવાર એવું બન્યું કે, તે કેથોલિક સંપ્રદાયના વિરોધી ધર્માંધ લોકોથી ડરીને પોતાના પ્રાણ બચાવવા જંગલમાં છૂપાઈને રહેવા લાગી હતી.
એક કટ્ટરવાદી વિરોધીએ તેની માતાને મારી નાખી એટલે તે ડરીને નગર છોડીને જંગલમાં જતી રહી હતી. પછી તેને વારંવાર ચપ્પુ દેખાય છે તે બોલતી અટકી જાય છે. મનોવિજ્ઞાાની તેને સાંત્વન આપે છે અને બધી વિગત નિડરતાથી કહેવા સૂચન આપે છે. ગ્રેટચેને આગળની ઘટનાનું વર્ણન કરતા કહ્યું હતું કે તે ચપ્પાથી જ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. તેણે દર્શાવેલી વિગતોની તપાસ કરવામાં આવી તો તે એકદમ સાચી સાબિત થઈ. જર્મનીમાં એબર્સવાલ્ડે નગર પોલેન્ડની હદ પાસે આવેલું છે.
૧૯૪૫માં આ જ જગ્યાએ જર્મનીની સેનાએ સોવિયેત સેનાઓ સાથે ધમાસાણ યુદ્ધ ખેલ્યું હતું. તે આખા નગરને સળગાવી દેવામાં આવ્યું હતું એ સાથે ગ્રેટચેન ગારતિયેવના જીવનની વિગતો પણ ચકાસવામાં આવી હતી. તેણે કહેલી વાતો પણ બંધબેસતી આવી હતી. તત્કાલીન ઘટનાઓ, પ્રાદેશિક ખાસિયતો, ઐતિહાસિક વિગતો અને એના જીવનની વ્યક્તિગત બાબતો એવી જ રીતે બનેલી હોવાની જાણકારી મળી હતી.
રિગ્રેસન દરમિયાન આશ્ચર્યકારક બાબત તો એ બનતી હતી કે જેને જર્મન ભાષાનો એક શબ્દ પણ આવડતો નહોતો એ ડોલોરેસ જોય અસ્ખલિતરીતે જર્મન ભાષા બોલવા લાગતી ! એ વખતની એની બોલવાની લઢણ પણ ઓગણીસમી સદીના જર્મન લોકો જેવી જર્મન ભાષા બોલતા હતા એવી જ હતી ! ડોલોરેસ સંમોહનમાંથી બહાર આવે ત્યારે તેને જર્મનીનો એક શબ્દ પણ આવડતો નહીં. એ વખતે એને 'રીગ્રેસન' દરમિયાન તે શું બોલી ગઈ તે પમ ખબર રહેતી નહોતી.
તે કહેતી - 'હું અમેરિકામાં રહેતી એક મંત્રીની પત્ની અને ચાર બાળકોની માતા ડોલોરેસ છું એટલી જ મને ખબર છે. હું પૂર્વજન્મ- પુનર્જન્મમાં વિશ્વાસ પણ ધરાવતી નથી પણ બધા જ્યારે કહે છે કે સંમોહનની દશામાં હું મારા પૂર્વજન્મની વાતો કરું છું અને સોળ વર્ષની ગ્રેટચેન ગારતિયેવ બની જઈ જર્મન ભાષા બોલું છું ત્યારે મને નવાઈ લાગે છે. મારી વાતચીતનું રેકોર્ડિંગ મેં સાંભળ્યું છે એટલે મારે એમાં વિશ્વાસ મૂકવો જ પડે એમ છે. મને હવે લાગવા માંડયું છે કે પુનર્જન્મ જેવું જરૂર કંઈ હશે જ. મારું જીવન એનો બોલતો ચાલતો પુરાવો છે ત્યારે હું એનો વિરોધ કઈ રીતે કરી શકું ?'
કેટલાકને અનાયાસે પોતાના પૂર્વજન્મ યાદ આવી જાય છે. ૧૯૬૦માં ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ શહેરમાં પ્રવીણચંદ્ર શાહ નામના એક બેંક કર્મચારીને ત્યાં એક જન્મ થયો એનું નામ રાજુલ પાડવામાં આવ્યું. એનું બાળપણ પૂરું થયું તે ગાળામાં એક દિવસ તેને તેના પૂર્વજન્મની થોડી ઝલક પ્રાપ્ત થઈ ગઈ. તે કહેવા લાગી - મારું નામ ગીતા છે. હું જૂનાગઢની રહેવાસી છું.' પહેલા બધા તેની આ જાહેરાતથી વિસ્મય પામ્યા. એની વાતને હસી કાઢી પણ તે વારંવાર આવું બોલતી અને જૂનાગઢની વાતો કરતી એટલે તેના કુટુંબના લોકોને તેની વાતમાં રસ પડયો. એના દાદા વ્રજલાલભાઈ શાહે એમના જમાઈને જૂનાગઢ જઈને તપાસ કરવા કહ્યું.
તેમણે રાજુલે આપેલી વિગતોના આધારે એણે જણાવ્યું હતું કે તે ગોકળદાસ ઠક્કરને ત્યાં જઈને ત્યાં જઈને એમના કુટુંબની વિગતો પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું કે એમની એક દિકરી હતી એનું નામ ગીતા હતું પણ તે નાની ઉંમરે જ મરણ પામી હતી.' બધાને લાગ્યું કે રાજુલની વાતમાં જરૂર તથ્ય છે એટલે તે તેને લઈને જૂનાગઢ આવ્યા. તેણે કોઈના બતાવ્યા વગર તમામ રસ્તા ઓળખી કાઢ્યા અને પોતાની પોળ પણ જણાવી દીધી.
પોતાના પહેલાના ઘરમાં પણ એ રીતે પ્રવેશી ગઈ કે જાણે ત્યાં વર્ષોથી રહેતી ના હોય ! રાજુલે ગોકળદાસના પત્ની કાંતાબેનને જોયા તે સાથે જ ભાભી- ભાભી કહીને તેમને વળગી જ પડી. પછી બધાને કહેવા લાગી - 'આ મારા મમ્મી છે !' વ્રજલાલભાઈ અને પ્રવીણચંદ્રએ પૂછ્યું - 'આ મમ્મી છે તો તું એમને 'ભાભી' કહીને કેમ બોલાવે છે ?' તેણે કહ્યું : 'હું તો મમ્મીને હંમેશા ભાભી જ કહું છું.' ગોકળદાસ અને તેમના પત્ની કાતાંબેને વિસ્મય પામતા એનું સમર્થન કરતા કહ્યું - 'એની વાત સાચી છે. મારી ગીતા મને 'ભાભી' કહીને જ બોલાવતી !'
એ પછી એ બાજુમાં મીઠાઈની દુકાન હતી ત્યાં બધાને લઈ ગઈ હતી અને એના માલિક એવા મીઠાઈવાળાનું નામ પણ જણાવી દીધું હતું. પોતાને કઈ મીઠાઈ ભાવતી હતી અને તે વારંવાર ત્યાં લેવા જતી હતી તે પણ જણાવ્યું. મીઠાઈવાળાએ પણ કહ્યું કે ગોકળભાઈની દીકરી ગીતા એને ત્યાંથી આ જ મીઠાઈ ઘણીવાર લઈ જતી હતી.
તે પછી તે રાજુલને લઈને ફરવા નીકળ્યા ત્યારે તેણે એક ઘર તરફ આંગળી ચીંધીને કહ્યું - 'ભાભી, આપણે વારંવાર દર્શન કરવા જતા હતા એ આ મંદિરે લઈ જાવ ને !' બધાએ કહ્યું : 'આ મંદિર ક્યાં છે ? આ તો ઘર છે !' કાંતાબેને એમને કહ્યું - 'બહારથી તે ઘર જેવું દેખાય છે પણ અહીં ઘરની અંદર નાના મંદિર જેવું બનાવ્યું છે. હું ગીતાને લઈને અહીં અવારનવાર દર્શન કરવા આવતી હતી !' ગોકળદાસ અને કાંતાબેનના કુટુંબની એવી વાતો રાજુલે કરી જે કોઈને ખબર ના જ હોય ! એ બધા પછી એ વાતને બન્ને કુટુંબે સ્વીકારી લીધી કે ગીતાનો જ બીજો જન્મ રાજુલ રૂપે થયો છે ! આવી ઘટનાઓ પુનર્નજન્મમાં ન માનતા હોય એમને પણ એમાં માનતા કરી દે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rVf6hL
ConversionConversion EmoticonEmoticon