ક્યારેક ઉદાસીનતા આવવાનું એક કારણ એ પણ હોય છે કે વ્યક્તિ રડી નથી શકતો. જો તે રડી લે તો તરત જ રીલેક્ષ થઇ જાય છે
આજનો લેખ એવો છે કે વાંચ્યા પછી એવું લાગે કે રડવાની ક્રિયા ખરેખર ખરાબ નથી. સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિને જ્યારે રડતાં જોઇએ તો આપણા મનમાં તરત જ તેના ઉપર સહાનુભૂતિ ઉપજે. કારણ કે રડવું એ કોઇપણ દુ:ખની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. રડવાની ક્રિયા બાળકના જન્મની સાથે જ શરૂ થાય છે.
સૌ પહેલાં જ્યારે દુનિયામાં વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે તેને રડવું જ આવતું હોય છે. આ રડવાની ક્રિયા કોઇ દુ:ખની નિશાની નથી. તબીબી દુનિયામાં જો કોઇ બાળક જન્મતાની સાથે રડે નહિં તો એવી ધારણા બાંધવામાં આવે છે કે તે અસામાન્ય અથવા એબનોરમલ છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનું રડવાનું બંધ થાય છે અને તેની નજીકના વ્યક્તિઓ રડે છે. આ રડવું દુ:ખ વ્યક્ત કરવાની ક્રિયા છે.
વાંચક મિત્રો, આજના લેખમાં માનસીક સ્વસ્થતા અને રડવાની ક્રિયા વચ્ચે શું સંબંધ છે તેનો જ ઉલ્લેખ કરીશું.
રડવું એ એક પ્રકારની લાગણીનો આવેશ છે. કોઇ વ્યક્તિ અતિશય ઉદાસ હોય તો પણ રડે છે, કોઇ વ્યક્તિ અતિશય આનંદમાં આવી જાય તો પણ તેની આંખમાંથી આંસુ આવે છે. કોઇ વ્યક્તિ ક્યારેક રડતી દેખાતી નથી. તો કોઇ વ્યક્તિ વારંવાર લાગણીવશ થઇને રડયા કરતી હોય છે.
માનસીક સ્વસ્થતા માટે જેમ હાસ્યની જરૂર પડે છે તેટલી જ જરૂર રૂદનની હોય છે. એવું નથી કે હસતી વ્યક્તિ જ સુખી હોય છે. અને રડતી વ્યક્તિ દુ:ખી હોય છે. પરંતુ એક વાત નક્કી છે કે દરેક રડતી વ્યક્તિ દુ:ખી અથવા અસ્વસ્થ હોતી નથી. કોઇક કારણસર જ્યારે લાગણીના આવેશમાં વ્યક્તિ રડતી હોય અથવા રડવું પડતું હોય તો એ સારી નિશાની છે.
એનાથી ઉલટું જો કોઇ અત્યંત દુ:ખદાયક પ્રસંગ અથવા બનાવ વખતે રડે નહિં તો તે અસામાન્ય અથવા માનસીક અસ્વસ્થતાની નિશાની છે. એવા કેટલાય દર્દીઓ આવતાં હોય છે અને ફરિયાદ કરતાં હોય છે કે તેઓને રડવું આવતું જ નથી, ખાલી ડુમો ભરાઇ જાય છે,પણ આંખમાંથી આંસુ આવતાં નથી, પરિણામે તેઓ ખુબ જ બેચેનીનો અનુભવ કરે છે, અને ઉદાસ રહે છે, પસ્તાવો થયાં કરે છે કે આ પ્રસંગે મારે રડવું હતું પણ રડી શક્યો નહિં, ક્યારેક તે વ્યક્તિ ખુબ રડી લે તો તરત જ સ્વસ્થ થઇ જાય છે, જેને આપણે મનનો ઊભરો નીકળી ગયો. તેમ કહીએ છીએ.
ક્યારેક ઉદાસીનતા આવવાનું એક કારણ એ પણ હોય છે કે વ્યક્તિ રડી નથી શકતો. જો તે રડી લે તો તરત જ રીલેક્ષ થઇ જાય છે.
ઘણી વખત મને લાગે છે કે જેમ હાસ્યક્લબો હોય છે તેમ જ રૂદનક્લબો પણ શરૂ થવી જોઇએ.
દરેક વખતે રડવું એ લાગણીનો ઊભરો નથી પણ હોતો. ક્યારેક અન્યની સહાનુભૂતિ લેવા માટે પણ વ્યક્તિ રડી લે છે. જેને ''મગરના આંસુ'' કહેવામાં આવે છે. આ પ્રકારનું રડવું ક્યારેક અમુક માનસિક રોગમાં પણ જોવા મળે છે. જેમાં વ્યક્તિ કોઇક કારણસર અથવા કારણવગર રડતી જોવા મળે છે. આમ કોઇક લાભ લેવા માટે પણ આંખોમાં આંસુ આવી જાય છે.
ટુંકમાં રડવું એ માનસિક સ્વસ્થતા માટે જરૂરી આવેશ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RibIIO
ConversionConversion EmoticonEmoticon