
આજે પણ મને એમ લાગે છે કે જો ટચૂકડા પડદે સારા વિષય ધરાવતી સિરિયલો રજૂ થતી હોત તો હું હજી ઘણું વધુ સારું કામ કરી શક્યો હોત.પરંતુ કમનસીબે એવું થયું નહીં.
વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ સુધી ચાલેલી ધારાવાહિક 'અસ્તિત્વ-એક પ્રેમ કહાની' અને ૨૦૦૧થી ૨૦૦૫ સુધી લોકપ્રિય બની રહેલી સિરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' માં કામ કરીને કીર્તિ-કલદાર કમાવનાર અભિનેતા વરૂણ બડોલા હમણાં 'મેરે ડેડ કી દુલ્હન'માં જોવા મળી રહ્યો છે. પ્રૌઢ પિતાનું પાત્ર ભજવતો વરૂણ જોકે ટચૂકડા પડદા પર હાલના તબક્કે આવતી સિરિયલોથી ખાસ રાજી નથી. તે શબ્દો ચોર્યા વિના કહે છે કે ટી.વી. પર વધુ સારા વિષય ધરાવતી શ્રેણીઓ રજૂ કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ટચૂકડા પડદે જે પ્રકારના શો ચાલી રહ્યાં છે તેની ગુણવત્તા વખાણવા લાયક તો નથી જ.
વર્ષોથી ટી.વી. પર અભિનય કરીને જાણીતો બનેલો વરૂણ હાલના તબક્ક ે ચાલી રહેલા શોઝ માટે કહે છે કે સિરિયલ સર્જકોને કહાણી કરતાં માર્કેટ,શોના વેંચાણ અને બિઝનેસ જેવા પાસાં વધુ ધ્યાનમાં રાખવા પડે છે. તે તેના માટે એક સરસ ઉદાહરણ આપતાં કહે છે કે જો નવ વાગ્યાના સ્લોટનો શો કોઇ ડિટરજન્ટ કંપની સ્પોન્સર કરી રહી હોય તો તે શો કરતાં તેમના ડિટરજન્ટની એડવર્ટાઇઝ વધુ સારી હોય. આ વાત પરથી જ આપણને શોની ગુણવત્તાનો ખ્યાલ આવે છે.
તે વધુમાં કહે છે કે મેં આ ઇન્ડસ્ટ્રીના ઘણાં મોટા મોટા લોકોને એમ કહેતાં સાંભળ્યાં છે કે તમે અમને કોન્સેપ્ટ આપો. અમે તેના પરથી સમગ્ર શો બનાવી આપીશું. પરંતુ આવી શેખી કરનારાઓને થોડાં મહિનામાં પોતાના શોનો વીંટો વળાતો જોવાની નોબત આવે છે. વાસ્તવમાં ટચૂકડા પડદે લગભગ વીસેક ધારાવાહિકો ચાલી રહી છે. પરંતુ તેમાંથી માંડ ચારેક શો જ લાંબા સમયથી ટકી રહ્યાં છે. જોકે તેનો સક્સેસ રેટ પણ બહુ ઊંચો નથી.
આનો સીધો અર્થ એ થયો કે આપણે દર્શકોને એવી કથાવસ્તુ આપી રહ્યાં છીએ જે જોવાનું તેઓ પસંદ નથી કરતાં. તે ઉમેરે છે કે કોઇપણ શોની તૈયારી એકાદ વર્ષ ચાલે છે. અને જો તે થોડાં મહિનામાં બંધ કરી દેવાની નોબત આવે તો બધાને નુક્સાન ભોગવવું પડે છે. મેં વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી 'મેરે અંગને મેં' માં કામ કર્યું ત્યાર પછી હું કોઇ અર્થપૂર્ણ શોની તલાશમાં હતો. અને મને 'મેરે ડેડ કી દુલ્હન'નો કોન્સેપ્ટ ગમ્યો તેથી મેં તેમાં કામ કરવાનું સ્વીકારી લીધું. આજે પણ મને એમ લાગે છે કે જો ટચૂકડા પડદે સારા વિષય ધરાવતી સિરિયલો રજૂ થતી હોત તો હું હજી ઘણું વધુ સારું કામ કરી શક્યો હોત.પરંતુ કમનસીબે એવું થયું નહીં.
જોકે રીગ્રેસિવ શોઝ બનાવનારાઓ તેમ જ તેમાં કામ કરતાં કલાકારો એમ કહેતા સાંભળવા મળે છે કે દર્શકોને આ પ્રકારના શો જ ગમે છે. તેથી અમે આવી ધારાવાહિકો બનાવીએ છીએ. તેઓ એવો દાવો પણ કરે છે કે વર્ષોથી દર્શકોના રસરૂચિ બદલાયાં નથી. તેમને આ પ્રકારના શો જોવાનું જ ગમે છે.
આના જવાબમાં વરૂણ કહે છે કે જો તમે દર્શકોને કાંઇ નવું આપો જ નહીં તો તેમના રસરૂચિ શી રીતે બદલાય? તે પોતાની વાત સમજાવતાં કહે છે કે જે સમયમાં દૂરદર્શનની જ બોલબાલા હતી તે વખતે તેમાં મુનશી પ્રેમચંદ અને મિર્ઝા ગાલિબની કહાણીઓ રજૂ થતી. પરંતુ આજે ટચૂકડા પડદાએ પોતાની ગુણવત્તા ગુમાવી દીધી છે.
આજે ઇકોનોમિક્સ શોની કહાણી પર ભારે પડી રહ્યું છે. બાકી મેં અગાઉ જે શો કર્યાં છે તેને ભારે લોકપ્રિયતા મળી છે. મારા લગભગ બધા શો સફળ રહ્યાં છે. જો દર્શકોને એ ધારાવાહિકો ન ગમી હોત તો તે આટલા લાંબા સમય સુધી ચાલત શી રીતે? મારા મતે શોના રેટિંગ પર ધ્યાન આપ્યા વિના દર્શકોને સારા વિષયવસ્તુ ધરાવતી ધારાવાહિકો આપવી જોઇએ.
વરૂણની વર્તમાન ધારાવાહિકમાં પિતા-પુત્રીના સંબંધોને વણી લેવામાં આવ્યાં છે. એમ કહેવાય છે કે તેની કથા 'પિકુ' ફિલ્મ પર આધારિત છે. અને વરૂણે પણ પોતાના પાત્રની પ્રેરણા અમિતાભ બચ્ચનની ભૂમિકા પરથી લીધી છે. પરંતુ વરૂણ આ વાત સાથે સંમત નથી. તે કહે છે કે અમિતાભ બચ્ચનનું પાત્ર છેવાડાનું હતું. મારું પાત્ર સાવ અંતિમ ધ્રૂવ જેવું નથી. વળી આ ધારાવાહિકની માવજત તદ્ન અલગ પ્રકારની છે. એમ કહેવું બહુ સહેલું છે કે અમે આ શોની પ્રેરણા 'પિકુ' પરથી લીધી છે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે મને મારા પાત્ર માટે કોઇ પ્રયાસો જ નથી કરવા પડયાં.
'મેરે ડેડ કી દુલ્હન'માં વરૂણને પ્રૌઢ બતાવવામાં આવ્યો હોવાથી તેના વાળમાં થોડી સફેદી પણ દેખાડવામાં આવી રહી છે. જોકે વરૂણને તેની સામે જરાય વાંધો નથી. તે કહે છે કે મને ઓનસ્ક્રીન વયસ્ક દેખાવામાં કોઇ વાંધો નથી. પરંતુ તે રોલ મને યોગ્ય લાગવો જોઇએ.
તે આ બાબતે એક ઉદાહરણ આપતાં કહે છે કે જ્યારે 'અસ્તિત્વ.....'માં ૧૭ વષનું લીપ આવ્યું ત્યારે મેં એ શો છોડી દીધો હતો. તે વખતે મને વયસ્ક બતાવવામાં આવવાનો હતો. પરંતુ મને તે યોગ્ય નહોતુ ંલાગ્યું. તેથી મેં શોમાં વધુ કામ કરવાની ના પાડી દીધી હતી. વળી તેને માટે મને ૧૨ કિલો જેટલું વજન પણ વધારવાનું હતું.એક કલાકાર તરીકે તમારે જોખમ ઉઠાવવું પડે તેનો વાંધો નહીં, પરંતુ તે જોખમ લેખે લાગે એવું હોવું ઘટે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YjElGK
ConversionConversion EmoticonEmoticon