સિરીયલ કિલર ગેંગના ત્રણ હત્યારા ઝડપાયા


આણંદ, તા.05 ડિસેમ્બર 2019, ગુરુવાર

આણંદ જિલ્લામાં વીતેલા દિવસો દરમ્યાન બનેલી ત્રણ હત્યાની ઘટનામાં ખંભાત તથા વિરસદ પોલીસની સંયુક્ત ટીમોએ હત્યારા ગેંગના ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. લૂંટના ઈરાદે મહિલાઓની હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. હાલ તો પોલીસે આ ગેંગ પૈકીના ત્રણ આરોપીઓને ઝડપી અન્ય સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ ગેંગે જિલ્લામાં અન્ય કોઈ બનાવોને અંજામ આપ્યો છે કે કેમ ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી વિગતો મુજબ તાજેતરમાં આણંદ જિલ્લામાં હાઈવે ઉપર આવેલ મુખ્ય ચોકડીની નજીકથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવવાના કિસ્સા વધવા પામ્યા હતા. જેમાં ગત તા.૩-૧૧-૨૦૧૯ના રોજ ઉંટવાડા-રંગપુર રોડ ઉપર તથા તા.૧-૧૨-૨૦૧૯ના રોજ વિરસદ-દાદપુરા રોડ ઉપર તેમજ તા.૨-૧૨-૨૦૧૯ના રોજ રંગપુર-સાંઠ રોડ ઉપરથી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. વિરસદ-દાદપુરા રોડ ઉપરથી મળી આવેલ મૃતદેહ અંગે તપાસ કરતા તે મૃતદેહ કોમલબેન મીહીરગીરી ગોસ્વામી (ઉં.વ.૩૨)નો હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે ખંભાત તાલુકાના સાંઠ ગામની કેનાલની ગટરમાંથી મળી આવેલ આધેડ મહિલાની ઓળખ થતા તેણી હિરૂબેન શાર્દુલભાઈ ભરવાડ (રહે.મીયાણી, તા.બાવળા) હોવાનું ખુલવા પામ્યું હતું.

આ અંગે હત્યાના ત્રણેય ગુનાઓમાં ખંભાત પોલીસ તથા વિરસદ પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવી મોબાઈલ લોકેશન તથા સર્વેલન્સ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફુટેજ તથા ડમ્પ ટાવરના રેકોર્ડની મદદથી શકમંદોની ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવતા દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા (ઉં.વ.૪૨) (રહે.જલુધ, ટેકરાવાળું ફળીયું, તા.ખંભાત), સલીમ ઈસ્માઈલભાઈ બારીવાલા (ઉં.વ.૪૨) (રહે.ભરૂચ), વિજયભાઈ ઉર્ફે ચકો જશભાઈ ચાવડા (ઉં.વ.૨૩) (રહે.જલુંધ, ટેકરાવાળું ફળીયું) તથા સાવનકુમાર ધનજીભાઈ પટેલ (રહે.કાળી તલાવડી, તા.ખંભાત)ના નામ ઉજાગર થવા પામ્યા હતા. જે પૈકી પોલીસે દિલીપ ઉર્ફે ડાહ્યો ચાવડા, સલીમ બારીવાલા અને સાવનકુમાર પટેલને ઝડપી પાડી કડકાઈથી પુછપરછ કરતા જિલ્લાના વિરસદ, ખંભાત ગ્રામ્ય તથા તારાપુર પોલીસ મથકની હદમાં બનેલ હત્યાના બનાવોમાં પોતે સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે આ ત્રણેય હત્યારાઓને અટકમાં લઈ તેઓની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

કોયલ ગોસ્વામીનો ફોન બંધ થયો તે લોકેશન ટ્રેસ કર્યું

આ લૂંટારૂ ગેંગ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદથી વડોદરા સુધીના પટ્ટામાં સક્રિય થઈ હતી. તારાપુર નજીક એક મહિલાને લૂંટી હત્યા કર્યા બાદ આ અંગે પોલીસની પકડથી દુર રહેતા સાગરીતોની હિંમત ખુલી હતી અને તેઓ અન્ય બે મહિલાઓને પણ પોતાની નિશાન બનાવી હતી. જો કે આણંદની કોલેજમાં એનસીસી કમાન્ડર તરીકે ફરજ બજાવતા કોમલબેન ગોસ્વામીનો ફોન સ્વીચઓફ થયો તે લોકેશન પોલીસે ટ્રેસ કર્યું હતું અને તે દરમ્યાન જે-તે વિસ્તારમાં અન્ય કેટલા ફોન સક્રિય હતા તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરતા જિલ્લામાં બનેલ ત્રણ હત્યાના ગુનાનો પર્દાફાશ થયો હતો.

મહિલાને વાહનમાં બેસાડી લૂંટી લઇ હત્યા કરી નાખતા હતા

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલ આ ગેંગ જિલ્લાના બોરસદ તથા વિરસદ પંથકમાં સાંજના સુમારે લૂંટને અંજામ આપવા માટે એક સીએનજી રીક્ષા તેમજ ફોરવ્હીલ કારનો ઉપયોગ કરતી હતી. સાંજના સુમારે એકલદોક્કલ મહિલા પેસેન્જરને મુસાફરીના બ્હાને વાહનમાં બેસાડયા બાદ સુમસામ જગ્યાએ લઈ જઈ તેઓની પાસેથી રોકડ તેમજ શરીરે પહેરેલ દાગીનાની લૂંટ કર્યા બાદ મુસાફરની ગળુ દબાવી હત્યા કરીને અવાવરૂ જગ્યાએ લાશને ફેંકી દેતા હતા. પોલીસે ઝડપાયેલ શખ્શો પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એક ફરાર આરોપી ઉપરાંત મહિલાની સંડોવણીની ય શંકા

વધુમાં પોલીસના જણાવ્યા મુજબ ચાર આરોપીઓ પૈકી વિજય ઉર્ફે જશભાઈ ચાવડાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ ગેંગમાં એક મહિલાની સંડોવણી હોવાની પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જો કે હત્યાના બનાવોમાં મહિલાનો હાથ છે કે નહીં તે અંગેની તપાસ હજુ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.હાલ તો પોલીસ દ્વારા ઝડપાયેલ ત્રણ શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તેઓના ગુનાહિત ઈતિહાસને ફંફોસવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YmRUWb
Previous
Next Post »