
'ઇશ્ક મેં મરજાવાં', 'જમાઇ રાજા', 'એક હઝારોં મેં મેરી બહના હૈ' જેવી ધારાવાહિકોમાં કામ કરનાર અભિનેત્રી નીઆ શર્માનેે હવે સુપરનેચરલ ફ્રેન્ચાઇસી 'નાગિન-૪'માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી છે. આ ખૂબસુરત અદાકારાની કમનીય કાયા જોઇને કોઇને પણ ઇર્ષ્યા આવે. પરંતુ તેને આટલું સરસ ફિગર એમને એમ નથી મળ્યું. વાસ્તવમાં તે પોતાના બાંધા પ્રત્યે અતિશય જાગૃત છે.
બલ્કે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે તેને પાતળા રહેવાનું ઓબ્સેશન છે. તે પોતે પણ આ વાત કબૂલ કરવામાં જરાય સંકોચ નથી કરતી. અભિનેત્રી એટલે સુધી કહે છે કે જો મારું વજન એકાદ કિલો વધે તોય મને એટલી બધી ચિંતા થાય કે મારા મગજમાં મારા વજન સિવાયની કોઇ વાત આવે જ નહીં.
હું મારી સહેલીઓ સાથે વાત કરું તોય તેનો મુખ્ય વિષય મારું વજન હોય. હું મારું વજન ઘટાડવા જિમમાં જઇને કસરત પર મંડી પડું. એટલે સુધી કે હું ભૂખે પણ મરું. મને હંમેશાંથી ચોક્કસ પ્રકારનું ફિગર જાળવવાવી ટેવ પડી ગઇ છે. તેથી હું હંમેશાં વજન ન વધે એવો અને પૌષ્ટિક આહાર લેવાનો આગ્રહ રાખું છું. જોકે અગાઉ આવું નહોતું. હું મારી ભાવતી વાનગીઓ ભરપેટ ખાતી. પણ પછીથી મને તેનો પસ્તાવો થતો. છેવટે મેં મારું ખાવાનું ઓછું કરી નાખ્યું.
ઘણાં વર્ષથી હું આમ જ કરતી આવી છું. પણ હવે મને લાગે છે કે મેં જે કર્યું તે ખોટું કર્યું. અને તેનું કારણ એ છે કે મારા સહકલાકારો રવિ દૂબે અને અર્જુન બીજલાનીએ મને સમજાવ્યું કે આ રીતે હું કુપોષણનો શિકાર બની જઇશ. મને પણ સાવ ઓછો ખોરાક લેવાને કારણે ઘણી વખત ખૂબ નબળાઇ લાગે છે. હવે હું પોતે જ્યારે મારી આ આદત માટે પસ્તાઉં છું ત્યારે સઘળી ંમહિલાઓને એવી સલાહ આપું છું કે વજન કાબૂ રાખવાની લ્હાયમાં કોઇએ ભૂખ્યા ન રહેવું જોઇએ.
નીઆ તેના અંગત જીવન વિશે જાહેરમાં વાત કરવાનું પસંદ નથી કરતી. તે કહે છે કે મારું અંગત જીવન, મારી લવ લાઇફ ઇન્સ્ટાગ્રામ માટે નથી. મને મારા ખાનગી ફોટા સોશ્યલ મીડિયા પર મૂકવાનું પસંદ નથી. વળી છેલ્લા કેટલાક સમયમાં મારા કેટલાંક સંબંધો બહુુ ખરાબ રીતે બગડયાં છે. તેથી મને એમ લાગે છે કે જો મને કોઇની સાથે પ્રેમ થાય તોય તે જ્યાં સુધી અંજામ સુધી ન પહોંચે ત્યાં સુધી તેના વિશે જાહેરમાં વાત ન કરવી જોઇએ.
નીઆને પોતાની જાત પ્રત્યે પૂરો વિશ્વાસ છે. તે કહે છે કે હું આજે જે છું તે મારી મહેનત અને આવડતને આભારી છે. તેથી મને એવો પુરુષ જોઇએ છે જે મને શું પહેરવું અને શું નહીં એ નક્કી કરવાનો પ્રયાસ ન કરે. હું શિક્ષિત પુરુષ ઇચ્છું છું. મારી માતા પણ મને કહે છે કે હું જે કહું છું અને કરું છું તે બરાબર છે.તો પછી કોઇ પુરુષ મને શા માટે કહે કે મારે ચોક્કસ ફેશન ન કરવી જોઇએ.
હું એવો પુરુષ ઇચ્છું છું જે મને સમજી શકે અને મારી પડખે ઊભો રહે. તે વધુમાં કહે છે કે ઘણી અભિનેત્રીઓ એમ કહેતી હોય છે કે તેઓ કોઇ અભિનેતા સાથે સંસાર માંડવા નથી ઇચ્છતી. પરંતુ મને એમ લાગે છે કે કોઇ અભિનેતા જ આ ઇન્ડસ્ટ્રી, તેની ફેશન, તેના કામના લાંબા કલાકો ઇત્યાદિ સમજી શકે. મને જો કોઇ સોહામણો અભિનેતા મળે તો હું ખુશ થઇ જાઉં.
નીઆની છાપ આખાબોલી અદાકારા તરીકે છે. અને અભિનેત્રીને તેની સામે જરાય વાંધો પણ નથી. તે કહે છે કે સાચું બોલવામાં શેહ શા માટે રાખવી. જો કોઇ આપણી સામે ખોટું કરે તો આપણે ચૂપ શા માટે રહેવું. હું અહીં કોઇને મસ્કા મારવા નથી આવી. બલ્કે કામ કરવા આવી છું. અને શિસ્તબધ્ધ રીતે કામ કરું છું. કોઇ કામ મેળવવા કે કોઇને રાજી રાખવા હું ક્યારેય પાર્ટીઓમાં નથી ગઇ. મારું આગવું મિત્રમંડળ છે. હું સમયસર સેટ પર પહોંચી જાઉં છું. અને સમય થયે નીકળી પણ જાઉં છું.
અગાઉ હું ઘણાં વધારે કલાકો કામ કરતી. અને પછી મહિનાઓ સુધી માંદી રહેતી. હવે મેં એમ કરવાનું છોડી દીધું છે. અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી છે. મને મારું મહેનતાણું સમયસર ન મળે તોય હું ચલાવી નથી લેતી. જો હું સમયસર કામ આપતી હોઉં તો મને મારી ફી પણ સમયસર મળી જવી જોઇએ. મારી એ માગણી ખોટી તો નથી જ. ભલે ઇન્ડસ્ટ્રીમાં મારી ગણના આખાબોલી તરીકે થતી હોય. પણ કહેવાવાળા લોકો મને પ્રોફેશનલ અને શિસ્તબધ્ધ અદાકારા કહે છે.
અભિનેત્રીને 'નાગિન'ની મુખ્ય ભૂમિકા મળતાં તે બહુ ખુશ છે. તે કહે છે કે મેં અગાઉ ક્યારેય ટાઇટલ રોલ નથી ભજવ્યો. મેં અત્યાર સુધી ઘણું કામ કર્યું છે પરંતુ મને ટાઇટલ રોલ કરવાની તક નથી મળી. હું ખુશ છું કે આ વખતે મને આ મોકો મળ્યો છે. વળી આજની તારીખમાં 'નાગિન' કરતાં વધુ સારી ભૂમિકા બીજી કઇ હોઇ શકે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LpfEUk
ConversionConversion EmoticonEmoticon