'પક્ષી ઇચ્છા રાખે છે હું વાદળ હોત તો ? અને વાદળ એવી આકાંક્ષા સેવે છે કે હું પક્ષી હોત તો ?' માણસ પોતાના સુખ કરતાં બીજાના સુખ જેવા સુખની પ્રાપ્તિ માટે મહેચ્છા સેવે છે
* જીવનમાં પોતાને જે કાંઈ પ્રાપ્ત થયું છે, તે પર્યાપ્ત છે, તેમ માણસ કેમ સમજી શક્તો નથી ?
* પ્રશ્નકર્તા: નૈષધ દેરાશ્રી, ૨૦ નાલંદા સોસાયટી, ટી.બી.હોસ્પિટલ સામે, જામનગર (સૌરાષ્ટ્ર)
જે પોતાની ઇચ્છાઓ પર વિજય મેળવી શકે તે દેવ અને ઇચ્છાઓને વશ થઇને તે નચાવે તેમ નાચતો રહે એનું નામ માણસ. સત્વગુણ સમ્પન્ન માણસો ઇચ્છાઓને જીતવામાં જીવનની સાર્થકતા માને છે, જ્યારે રજોગુણી અને તામસપ્રકૃતિના માણસો ઇચ્છાને તાબે થઇને જીવન ગુજારવામાં જીવનની સાર્થકતા માણે છે.
માણસની ઇચ્છાઓને નથી કોઈ અંતિમ આરો કે ઓવારો. માણસનું મન ચંચળ છે. એટલે કે ભટકે છે અને માણસને પણ ભટકાવે છે.
માણસ ભિન્ન-ભિન્ન ઇચ્છાઓથી ઘેરાયેલો રહે છે. આ ઇચ્છાઓ તન, મન અને ધન ત્રણેની આસપાસ ઘૂમ્યા કરે છે. માણસ ઇચ્છે છે કે મારું તન સુંદર બને. સૌંદર્ય વૃદ્ધિ થતાં અભિનેતા કે અભિનેત્રી બનવાની માણસમાં વૃત્તિ જન્મે છે. શરીરમાં બળની વૃધ્ધિ થતાં કુશ્તીમાં કે બલિષ્ઠ સાબિત થવાની પ્રવૃત્તિઓમાં માણસ રસ લે છે અને રમત-ગમત કે કુશ્તીમાં પોતે વિશ્વવિખ્યાત બને એવી મહેચ્છા તેનામાં પ્રગટે છે.
માણસની આકાંક્ષાઓની એ જ મોટી તકલીફ છે તે માણસના 'રૂક જાઓ' હૂક્મને માનવાને બદલે માણસ પર શાસન કરતી થઇ જાય છે. ગરીબને ધનના અભરખા લાગે છે. ધનિક મહાધનિક ઠરવાની આકાંક્ષા સેવે છે. સાધક સ્વર્ગની ઇચ્છા સેવે છે. 'મહાસાગર જાતક'માં ઉચિત જ કહેવામાં આવ્યું છે કે સંગ્રામમાં પોતે શૂરવીર ગણાય એવી ઇચ્છા કામ કરતી હોય છે.
મંત્રણા કરતી વખતે ગુપ્ત વાતને ગુપ્ત રાખે એવી ઇચ્છા માણસ ધરાવતો હોય છે. ભોજન સામગ્રી કોઈ પ્રિય વ્યક્તિ સાથે માણી શકાય એવી ભાવના કામ કરતી હોય છે અને કોઈ સમસ્યા સર્જાય તો બુદ્ધિશાળી માણસનું માર્ગદર્શન મળે તેવી મનોકામના માણસ સેવતો હોય છે.
'વજ્રપાત' શીર્ષક વાર્તામાં મુનશી પ્રેમચંદજીએ ઇચ્છાના બળવત્તર પ્રભાવનું વર્ણન કરતાં કહ્યું છે: 'હાય રે મનુષ્યની ઇચ્છા ? તારી ભીંત કેટલી અસ્થિર છે. રેતીથી નિર્મિત ભીંત તો વરસાદમાં જમીનદોસ્ત થઇ જાય છે. પરંતુ હે ઇચ્છા, તારી દીવાલ તો પાણીની બૂંદ વગર પણ ધરાશાયી બની જાય છે. આંધીના દીવાનો ભરોસો રાખી શકાય, પણ ઇચ્છા, તારો નહીં.' માણસના વિજયી મર્યાદા હોઈ શકે, પણ ઇચ્છાના સામ્રાજ્ય નહીં.
માણસ સ્થિર બુદ્ધિવાળો એટલે કે 'સ્થિતપ્રજ્ઞા' ક્યારે બની શકે ? ભગવતગીતાના બીજા અધ્યાયના ૫૫મા શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે: 'હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. અને જ્યારે આ પ્રમાણે વિશુધ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે. ત્યારે તે વિશુધ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિતપ્રજ્ઞા કહેવાય છે.'' (ભગવદ્ ગીતા: તેના મૂળ સ્વરૂપે: સ્વામી પ્રભુપાદ.')
પણ માણસ 'સ્થિતપ્રજ્ઞા' જેવી ઉત્તમ દશાએ પહોંચી શકે નહીં, કારણ કે કામના વિજય માટે અસાધારણ મનોબળ જોઇએ. ઇચ્છાને માણસના મનોબળ રૂપી ગઢમાં છેદ કરવાની આદત છે.
માણસ અસંતોષની આગમાં નિશદિન બળતો અભાગીઓ જીવ છે. એટલે 'મળ્યું છે તો માણો, જીવન કચવાટે શીદ વહો'નું તત્ત્વજ્ઞાાન એને ગળે ઉતરતું નથી. ઇચ્છાઓની વણઝાર અનંત છે અને એક ઇચ્છા પૂરી કરો એટલે બીજી હજારો ઇચ્છાઓ માણસના મનનો કબ્જો લેવા તાકીને બેઠી હોય છે.
માણસના શબ્દકોશમાં 'પર્યાપ્ત' જેવા શબ્દને માટે 'પૂર્ણ વિરામ'ની જોગવાઈ નથી. માણસની સુખપ્રાપ્તિની અભિલાભા પ્રબળ હોય છે. એક સુખ પ્રાપ્ત થયા બાદ એની શ્રેણીમાં અનેક અન્ય સુખો માણસ ઝંખે છે કારણ કે લોભ, લાલચ અને તૃષ્ણા તેને સદાય લલચાવતી જ રહે છે.
'મહાભારત'માં 'આદિપર્વ'માં વેદવ્યાસ કહે છે તેમ વિષયભોગની ઇચ્છા વિષયો ભોગવાથી શાન્ત થતી નથી. જેમ યજ્ઞાના અગ્નિમાં ઘીની આહૂતિ આપવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે, તેમ વાસનાઓ પણ તેને તૃપ્ત કરવાના પ્રયત્નથી વધુ સતેજ થાય છે. 'પંચામૃત'માં એક અંગ્રેજી ઉક્તિ ટાંકવામાં આવી છે કે જો ઇચ્છાઓ ઘોડા હોત તો ભિખારીઓ પણ તેની ઉપર સવારી કરી શક્ત. માણસ ઇચ્છાની પ્રબળતાને કારણે જે મળે છે તેનાથી સંતુષ્ટ થતો નથી. ઘણીવાર એવું પણ બને છે કે જે ઇચ્છયું તે પ્રાપ્ત થતાં વરદાન બનવાને બદલે અભિશાપ બને છે.
એક ઉદાહરણ મુજબ જ્યારે માણસ કંગાલ સ્થિતિમાં હોય છે, ત્યારે મનોમન વિચારે છે કે 'મને ખાવા સૂકો ટુકડો મળે પેટ ભરીને ખાઈને સુખી થાઉં' તે મળ્યા પછી તે વિચારે છે કે સૂકા ટુકડાને બદલે ગરમાગરમ રોટલી મળે તો કેવું સારું ! સૂકા ટુકડામાં શું ? તે તો કૂતરાને પણ મળે છે એટલે નશીબ સંજોગે મિષ્ટાન્ન મળી જાય તો ભયોભયો ! મિષ્ટાન્ન મળતાને તે વિચારે છે કે મિષ્ટાન્ન રૂપે લાડુ તો હાથીને પણ મળે છે એટલે રહેવાને ઘર મળી જાય તો કેવું સારું ! ઇશ્વર કૃપાથી એને ઘર મળી જાય છે. પછી માણસ વિચારે છે કે ગૃહિણી વગરનું ઘર શા કામનું ? અને તેને ગૃહિણી મળી જાય છે ! ગૃહિણી મળ્યા પછી એ વિચારે છે કે પુત્ર વગરનું ઘર સ્મશાન જેવું લાગે છે. ભગવાન પુત્ર સુખ આપે તો સારું.
ઇચ્છા આગળ વધે છે. પુત્ર સુખ મળ્યા પછી એ પુત્રને પરણાવવાના લહાવાના મનોરથ ધરાવે છે અને પુત્રના લગ્ન પછી દાદા બનવાના કોડ સેવે છે. આમ ઇચ્છાઓ કરતાં કરતાં માણસ વૃદ્ધ થાય છે પણ તેની ઇચ્છાઓ તો જવાન રહે છે અને તેનો પીછો છોડતી નથી. શાસ્ત્રો કહે છે કે ઇચ્છાઓના ત્યાગમાં જ સુખ છે પણ માણસ ઇચ્છાઓનો દાસ બનીને જીવે છે. અને આખી જિંદગી ઇચ્છાઓના ભીષણ ચક્રમાં પીસાયા જ કરે છે.
માણસને ઇચ્છાઓની નિરર્થકતા ધર્મોપદેશકો અને શાસ્ત્રો સમજાવે છે, અને ઇચ્છાઓને નાથવાનો માણસ વિચાર પણ કરે છે, મતલબ કે ઇચ્છાઓનું બંધન ખરાબ છો એવો 'વિવેક' તો તેનામાં જન્મે છે, પણ એકલો વિવેક માણસને સફળ બનાવી શક્તો નથી. એટલે 'વિવેક' સાથે 'વૈરાગ્ય' એટલે 'ત્યાગ' ભાવના જનમથી જોઇએ. ત્યાગ માટે મનની મક્કમતા અને પ્રબળ સંકલ્પ જોઇએ, સંતોષનું પીઠબળ જોઇએ. એના અભાવે માણસ ઇચ્છા ત્યાગ માટે પોતાના મનને મનાવી શક્તો નથી. એટલે કામનાઓ કે તૃષ્ણાઓને માણસના 'મનોરોગ'ની ઉપમા આપવામાં આવી છે.
સ્વામી વિવેકાનંદ કહે છે કે જીવનમાં મારી એવી અભિલાષા છે કે એક એવું ચક્ર પ્રવર્તિત કરું કે જે ઉચ્ચ અને શ્રેષ્ઠ વિચારોને સહુ માણસોના ઘેરે ઘેર પહોંચાડી દે અને સ્ત્રી-પુરુષો પોતાના ભાગ્યનો નિર્ણય જાતે જ કરે.' પરંતુ શ્રેષ્ઠ વિચારો માટે પણ માણસનું મન શ્રેષ્ઠ બનવું જોઇએ. મન શ્રેષ્ઠ બની શક્તું નથી માટે એ સંતોષની અનુભૂતિ કરી શક્તું નથી.
'સ્ટ્રે બર્ડઝ'માં રવીન્દ્રનાથ ટાગોરે પક્ષી અને મેઘનું ઉદાહરણ આપી એ વાત સમજાવી છે કે, માણસ પોતાના સુખ કરતા બીજાના સુખ જોવા સુખની પ્રાપ્તિ માટે મહેચ્છા ધરાવે છે. પક્ષી ઇચ્છા રાખે છે કે હું વાદળ હોત તો ! અને વાદળ એવી આકાંક્ષા સેવે છે કે પોતે પક્ષી હોત તો ! પસંદ અપની- અપની, ખયાલ અપના અપના.
અર્થશાસ્ત્ર કહે છે કે, માણસની ઇચ્છાઓ અસંખ્ય છે અને તેને પરિતુષ્ટ કરવાના સાધનો મર્યાદિત છે. માણસે આ સત્ય સ્વીકારી અધૂરી ઇચ્છા માટે વ્યથિત થવું ન જોઈએ. માણસ જે નથી તેની કામનામાં અટવાયેલા રહેશે માટે એના જીવનમાં સાચો ઉલ્લાસ પ્રગટતો નથી. માણસ બુદ્ધિને કેળવવા પ્રયત્ન કરે છે, પણ મનને કેળવવાનો પ્રયત્ન કરતો નથી.
પરિણામે માણસ શિક્ષિત બને છે પણ મનને પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન કેમ રાખવું તેની કળામાં ઠોઠ રહે છે. ભગવાને જેટલું આપ્યું તે બદલ તેનો આભાર માની 'રામ રાખે તેમ રહીએ'- એવો આંતરિક સંતોષ જ માણસને સુખી બનાવી શકે ! ઇચ્છાઓને મનવટો આપવાની વાત કરતા બહાદુરશાહ 'જફર' કહે છે:
'કહ દો ઇન હસરતો કો
કહીં ઔર જા બસે,
ઇતની જગહ કહાં હૈ
દિલે દાગદાર મેં !'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3838eQc
ConversionConversion EmoticonEmoticon