
રશ્મિ સાથે ફેન્ટાની અલપઝલપ થોડી વાતચીત થતી હતી પણ એની ચકોર નજર ચારે તરફ ફરતી હતી
(ગતાંકથી પૂરું)
પેથાભાઈ પરિવારમાં વિશાલ માટે આવનારી વહુ - રશ્મિના વધામણાં થઈ ગયાં... હવે પછી આવનારા લગ્નોત્સવની કલ્પનારંગી મધુર વાતોએ આનંદમંગલનું વાતાવરણ રચી દીધું.
પ્રોફેસર પ્યારેલાલ પેથાભાઈ સાથે રસીલી વાતોમાં એમને કહી રહ્યા હતા કે, પરિવારમાં દીકરા કે દીકરીના લગ્નનો પ્રસંગ મમ્મી- પપ્પા માટે જીવનનો કેવો અનેરો લહાવો બની રહે છે.
વિશાલ અને રશ્મિ વડીલોની વચમાં પરસ્પર છૂપી નજરે ચોરેલી પળોનો નેત્રોત્સવ માણી રહ્યા હતા અને એની વચમાં બંનેનો મધુર સ્પર્શ અનુભવતી બાલિકા પરી વિસ્મય અને વિસ્તૃત આંખે માહોલ નિહાળી રહી હતી. રશ્મિ પણ નવીન અને રોમાંચક વાતાવરણનો અનેરો સ્પર્શ અનુભવી રહી હતી.
રશ્મિ સાથે ફેન્ટાની અલપઝલપ થોડી વાતચીત થતી હતી પણ એની ચકોર નજર ચારે તરફ ફરતી જાણે ઘરનો, પરિવારનો તાગ લેવા મથતી હતી.
થોડીવારમાં અચાનક ફેન્ટા ઉભી થઈ અને રસોડા તરફ વળી. પટલાણી રસોડામાં કશાક કારભારમાં જ હતા ફેન્ટાને રસોડા તરફ વળતી જોઈ એટલે તરત ઝડપથી રશ્મિ પણ ઉઠીને તેની પાછળ ગઈ. ફેન્ટાની પાછળ એ પણ રસોડા સુધી પહોંચી. વિશાલ વિસ્મયથી રશ્મિને આમ એકાએક ઉભી થઈને મમ્મી પાછળ જતી જોઈ રહ્યો.
રશ્મિ રસોડા સુધી પહોંચે ત્યાં જ ફેન્ટાએ તેનો હાથ પકડીને પાછી વાળી.
રશ્મિએ વિવેક કર્યો: 'કેમ મને હક નહિ ?'
ફેન્ટાએ હસીને કહ્યું: 'આજે નહિ. પરણીને પ્રભુતામાં પગલા માંડતા, પરિવારમાં આવો પછી તમને અમે રસોડામાં જ પૂરી રાખીશું.'
રશ્મિને ફેન્ટાએ પાછી વાળી દીધી. વિશાલે કુતૂહલથી ઇશારામાં પૂછ્યું, 'કે...મ ?'
રશ્મિ હસી. પરસ્પર આંખોએ વાત જાણી લીધી. થોડીવારમાં ફેન્ટા રસોડામાંથી હલવો અને પકોડાની ડિશો લઈને બહાર આવી, થોડેક આવી ત્યાં જ રશ્મિ ઝડપથી ઉભી થઈ. ફેન્ટાની સામે દોડી. એના હાથમાંથી ડિશ લઈ લીધી : 'મમ્મી ! તમે આમાં તો મને ના નહિ પાડો.' મમ્મીએ રશ્મિની ઇચ્છા સ્વીકારી લીધી. રશ્મિએ પેથાભાઈ પાસે જઈને એમના હાથમાં ડિશ મૂકી. પેથાભાઈ પરિવારમાં આવનારી વહુની વિવેકશક્તિથી ઝૂમી ઉઠયા.
પાછળ આવેલી ફેન્ટાએ પ્રોફેસર પ્યારેલાલને ડિશ આપી. પ્રોફેસર પ્યારેલાલે ડિશ હાથમાં લેતા વિવેક કર્યો : 'વાનગીની પસંદગી ઉત્તમ છે. મઝા આવી ગઈ.' એમના 'મઝા આવી ગઈ' શબ્દે બધાને હસાવી દીધાં.
પટલાણીએ વિશાલ અને રશ્મિને ડિશ આપવા હાથ લંબાવે ત્યાં જ રશ્મિએ એમના હાથમાંથી ડિશ લઈ લીધી.
'લાવો બા... હું આપી દઉં.'
પરી એના ભાઈ- ભાભી વચ્ચે મુંઝાતી હતી તેને ફેન્ટાએ ઇશારત કરીને બોલાવી લીધી. વિશાલને ફેન્ટાએ વિવેક બુદ્ધિથી અને વ્યવહાર કુશળતાથી કહ્યું : 'વિશાલ તું અને રશ્મિ પપ્પાના રૂમમાં બેસો ત્યાં તમને વાત કરવાનું ફાવશે.'
વિશાલને તો મનગમતી વાત મમ્મીએ કહી એટલે ડિશ સાથે ઉભો થઈ જ ગયો. રશ્મિને કહ્યું : 'ચાલો,
આપણે બાજુના રૂમમાં જઈએ.'
રશ્મિને પણ વડીલોની વચમાં સંકોચથી જાળવીને બેસી રહેવાનું ગમે નહિ જ એ તરત 'હાશ' અનુભવતી વિશાલની પાછળ ગઈ.
એકાંત મળતાં જ બંને રમણે ચડયાં. વિશાલે હલવાનો નાનો ટુકડો રશ્મિના મુખ સામે ધર્યો.
'તમે પહેલા ચાખો.'
'ના. નહિ'
'કેમ ?'
'મેં તમને કેટલીવાર કહ્યું કે મને તમારે 'તમે' તમે' નહિ કહેવાનું. 'તું' કહીને બોલાવવાની.
'ઓહ સોરી !' વિશાલે મલકીને કહ્યુ... 'રશ્મિ પ્લીઝ, ટેસ્ટ હલવા.'
એણે રશ્મિના મુખમાં જ હલવાનો ટુકડો ખોસી દીધો.
રશ્મિ ય તાનમાં આવી. એણે હલવાનો એક મોટો 'પીસ' ટુકડો વિશાલના મુખમાં પરાણે ખોસી દીધો. બંનેની આ એકાંત મુલાકાત મહેફિલ બની ગઈ.
વિશાલ મુગ્ધ બની ગયો. રશ્મિ સમજીને તરત ઉભી થઈ 'વિશાલ ! મારાં માસી મારી રાહ જોતાં હશે હવે હું જાઉં.'
વિશાલની બધી વૃત્તિઓ ચંચળ બની ગઈ હતી. એને આવો અનુભવ પહેલીવાર જ થયો હશે. એણે સંયમ મૂકીને રશ્મિનો હાથ પકડયો એને પોતાની તરફ ખેંચી...
ચકોર રશ્મિ વિશાલની મનોવૃત્તિ પામી ગઈ. 'હમણાં નહિ...' કહીને સ્હેજ હસીને હાથ છોડાવી લીધો.
રશ્મિએ બધાંની ફરી ચરણરજ લીધી. માસીને ઘેર જવા સજ્જ થઈ.
પરી ક્યારની એના વિશાલભાઈ વિશે કુતૂહલમાં હતી.
વિશાલે એને નીરખી. એની આંખોના ભાવ સમજ્યો. એકદમ એ કહે : 'હું રશ્મિને મૂકવા જાઉ છું. પરીને ય લઈ જવું એ બહાને થોડું ફરશે.'
ફેન્ટાએ ચોખ્ખી ના પાડી દીધી: 'એને નથી લઈ જવી. તમે બે જઈ આવો.'
રશ્મિને ય હાશ થઈ. એને ય પરી ગમતી હતી પણ... બે નવા અપરિણીતને એકાંત મળતું હોય. અવનવી, થોડીક અજાણી ચેષ્ટા થઈ જતી હોય ત્યાં બાળકની હાજરી ન હોય એ જ ઇષ્ટ. એમના મન બહુ જલ્દી reception - બહુ ગ્રહણશીલ હોય છે.
વિશાલ પરી સામે જરા આડું જોઈને રશ્મિ સાથે જ ઉપડી ગયો.
(સંપૂર્ણ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YoVYVO
ConversionConversion EmoticonEmoticon