
નડિયાદ, તા.07 ડિસેમ્બર 2019, શનિવાર
ત્રણ વર્ષ અગાઉ વસો તાલુકાના રામપુર ગામના એક યુવકે ઝઘડા દરમ્યાન એક વ્યક્તિનીં છરીના ઘા મારી હત્યા કરી હતી. આ બનાવ અંગે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેનો કેસ આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા અને ૨૫,૦૦૦નો દંડ ભરવાની સજા ફટકારવામાં આવી છે.
બનાવની વિગતો એવી છે કે વસો તાલુકાના રામપુરા ગામે આવેલ સંધીમાતાના મંદિર પાસે જનકબેન રહે છે. ગત્ ૧૨મી જૂન, ૨૦૧૬ના રોજ રાતના આઠ થી સાડા આઠની વચ્ચેના સમયે જનકબેને તેમની ૧૦ વર્ષની દિકરી રાધાને નજીકમાં આવેલ કરિયાણા અને પાનનો ગલ્લો ચલાવતા ચિરાગ પ્રકાશભાઇની દુકાને રસોઇ બનાવવાનું તેલ લેવા મોકલી હતી. તે સમયે ચિરાગે રાધાને પોતાને બાપ કહી બોલાવવાનું કહેતા રાધાએ બાપ કહેવાની ના પાડી હતી. આથી ચિરાગે રાધાને ગાલ પર ચૂંટણો ખણ્યો હતો. આથી રાધા રડતી રડતી ઘરે ગઇ હતી અને જનકબેનને આ બધી વાત કહી હતી.
આથી જનકબેન ચિરાગને ઠપકો આપવા ગયા હતા. તે સમયે ચિરાગે જનકબેનને બે લાફા મારી હાથ મચકોડી કાઢ્યો હતો. આથી નજીકમાં ઉભેલા ભલાભાઇ ગોકળભાઇએ ચિરાગને ઠપકો આપ્યો હતો. તે જ સમયે ચિરાગના પિતા પ્રકાશભાઇ પણ ત્યાં આવી જતા ભલાભાઇએ ફરિયાદ કરી હતી. આથી ચિરાગ ઉશ્કેરાઇગ યો હતો અને નજીકમાં આવેલ તેના ઘરમાંથી ચપ્પું લઇ આવ્યો હતો. ગુસ્સે થયેલા ચિરાગે ભલાભાઇના છાતીના ભાગે ચપ્પાથી જીવલેણ ઘા કરતા ભલાભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ખૂન કર્યા બાદ ચિરાગ તેના ઘરમાં જઇને સંતાઇ ગયો હતો. તે સમયે આ જ ફળિયામાં રહેતા જયંતિભાઇ મોતીભાઇ અને તેમના દિકરા પિન્ટુ ચિરાગને ઘરે ફરિયાદ કરવા ગયા હતા. જ્યાં ચિરાગે ફરી વખત ચપ્પા વડે આ બંને ઇસમો પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મરણ ગયેલ ભલાભાઇના ભાઇ અંબુભાઇ ગોકળભાઇએ વસો પોલીસ મથકે ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે આધારે વસો પોલીસે ચિરાગની અટકાયત કરી ચપ્પુ તથા ધારીયું કબજે લીધું હતું. અને તેના વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કર્યો હતો. સંપૂર્ણ પુછપરછ અને તપાસ બાદ ચિરાગ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ આજે નડિયાદની એડી.સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધવલ બારોટના દસ્તાવેજી પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને રાખી આરોપી ચિરાગને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂા.૨૫,૦૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DXwbKQ
ConversionConversion EmoticonEmoticon