
આણંદ, તા.07 ડિસેમ્બર 2019, શનિવાર
આણંદ જિલ્લાના પાળજ, રતનપુરા અને ત્રણોલ ગામે અમૂલનું ચરમીયા દાણ ખાધા બાદ પશુઓના મોત થયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રીતે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. આજરોજ પશુપાલકોએ અમૂલ ડેરી સ્થિત સરદારની પ્રતિમા પાસે ગાયોનું બેસણું યોજી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના પાળજ ગામે તથા ઉમરેઠ તાલુકાના રતનપુરા અને આણંદ તાલુકાના ત્રણોલ ગામે તાજેતરમાં ૧૫૦થી વધુ ગૌવંશના મોત નીપજ્યા હતા. અમૂલનું ચરમીયા દાણ ખાધા બાદ પશુઓના મોત નીપજ્યા હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે અમૂલના સત્તાધીશો દ્વારા ન્યુમોનીયાના કારણે પશુઓનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી પશુપાલકોમાં ભારે આક્રોશ તાજેતરમાં ત્રણોલ તથા પાળજ મુકામે પશુપાલકોએ છાજીયા કુટી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજરોજ પશુપાલકોએ અમૂલ ડેરી રોડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમા પાસે ગાયોનું બેસણું યોજી રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગાયોના બેસણાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સરકાર દ્વારા તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.
ગાયોનું બેસણું યોજ્યા બાદ અમૂલના સત્તાધીશોને તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગૌવંશ ઉપર એનીમલ ટેસ્ટીંગ કરી અમૂલના સત્તાધીશો દ્વારા અપરાધ આચરવામાં આવ્યો છે. ચરમીયા દાણમાં ભેળવવામાં આવેલ દવાના કારણે ગૌવંશના મૃત્યુ થયા છે. ગૌવંશના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં છેલ્લે અમૂલ દાણ અને અમૂલ ચરમીયા દાણ ખાધા બાબત તથા લીવર અને પાણી ઘટી જવા બાબતનો ઉલ્લેખ સાથે નાના આંતરડામાં સંદિગ્ધ પદાર્થ મળ્યો હોવાનો ઉલ્લેખ છે.
તેમ છતાં તંત્ર દ્વારા કેટલીક બાબતોએ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૧ દિવસમાં ૧૫૦થી વધુ પશુઓના મોત નીપજ્યા છે ત્યારે સરકાર દ્વારા આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ કાનૂની કાર્યવાહી કરી સમગ્ર તપાસ સીબીઆઈ અને સીઆઈડીને સોંપવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RuDCBb
ConversionConversion EmoticonEmoticon