ઠાસરના મોટા કોતરીયાની શાળાના છાત્રો જર્જરિત ઓરડાઓમાં ભણવા મજબૂર બન્યા


ઠાસરા, તા.03 ડિસેમ્બર 2019, મંગળવાર

સ્કુલ ચલે હમ...ઠાસરા તાલુકાના મોટા કોતરીયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનુ ભવિષ્ય જોખમાયુ છે.શાળાનુ મકાન જર્જરીત થતા એક ઓરડામાં બેસીને બાળકોને અભ્યાસ કરવો પડી રહ્યો છે.પુરતી સંખ્યામાં બાળકો અને શિક્ષકો હોવા છતા બાળકો માટે અભ્યાસ કરવાના ઓરડા નથી.

મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં  ધો-૧ થી ૮ કુલ ૧૮૭ વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્યાસ કરે છે.જેમાં ૯૨ દિકરીઓ અને ૯૫ દિકરાઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળામાં છ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભૂ થયુ છે.શાળામાં કુલ ૬ ઓરડાઓ આવેલા છે.જેમાં ૧-ઓરડો આર.સી.સી થી બનાવવામાં આવ્યો છે.બીજા પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.જે ગમે ત્યારે તુટી શકે તેમ છે.આ ઓરડામાંથી ૨ ઓરડામાં છત પર નાખવામાં આવેલ વિલાયતી નળિયા તુટી ગયેલી હાલતમાં છે.ઓરડામાં ૩ ઓરડા વર્ષોથી બનાવવામાં આવ્યા છે.જેથી છત પરથી પોપડા અને છત જર્જરીત બની છે.

મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં પુરતા પ્રમાણમાં બાળકો અને શિક્ષકો છે.જ્યારે બેસવા અને ભણવા માટે ઓરડા નથી.શાળામાં શિક્ષકોનુ મહેકમ સાત છે.જ્યારે એક શિક્ષકની ઘટ જોવા મળે છે.તાજેતરમાં શાળા મર્જ કરેલી એવી મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮માં નાના કોતરીયાના ધો-૬ ,૭ અને ૮ ના ૩૧ વિદ્યાથી અભ્યાસ કરવા મોટા કોતરીયા આવે છે.જો કે નાના કોતરીયાથી મોટા કોતરીયા ૧ કિ.મી જેટલુ અંતર કાપી બાળકો અભ્યાસ માટે મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં આવે છે.

મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બેસવાની પુરતી સગવડ ન હોવાના કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. જો જર્જરીત ઓરડામાં બેસાડવામાં આવે તો ગમે ત્યારે આ ઓરડાઓ મોટીજાન હાનિ સર્જે તેવો ભય શિક્ષકોને રહ્યા કરે છે. ચોમાસાના ૪ મહિના બાળકો પ્રાથમિક શાળાની ઓસરીમાં બેસીને અભ્યાસ કરવો પડયો હતો.કારણે કે જર્જરીત થઇ ગયેલા ઓરડામાંથી પાણી ટપકતુ હોવાના કારણે ના છુટકે બાળકોને લોબીમાં બેસાડવાની ફરજ પડી હતી.આ અંગે તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ઠાસરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નડિયાદને લેખિતમાં રજૂઆત કરાઇ છે.ગ્રામજનોની માંગ છે કે સરકાર દ્વારા વહેલી તકે આ સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OKggWo
Previous
Next Post »