આણંદમાં ઇન્કમટેક્ષ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો


આણંદ,તા.03 ડિસેમ્બર 2019, મંગળવાર

આણંદ એસીબી પોલીસે ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલમાં એસેસમેન્ટ ઓર્ડર કરવા માટે આણંદના ઈન્કમટેક્ષ ઓફીસર દ્વારા માંગવામાં આવેલ લાંચના કિસ્સામાં છટકું ગોઠવી ઈન્કમટેક્ષ ઓફિસર તથા તેના સાગરીતને આબાદ રીતે ઝડપી પાડતા આણંદ જિલ્લાના સરકારી ઓફિસરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ આણંદ ખાતે રહેતા એક અરજદાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨નું ઈન્કમટેક્ષ રીટર્ન આણંદની ઈન્કમટેક્ષ ઓફિસમાં ફાઈલ કરાવાયું હતું. જો કે ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કર્યું હોવા છતાં આણંદના ઈન્મકટેક્ષ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડે અરજદારને ૧૪૮ની નોટિસ આપી વર્ષ ૨૦૧૧-૧૨ના હિસાબો તથા બીલો રજૂ કરવા જણાવ્યું હતું. જે હિસાબો તથા બીલો અરજદારે ઈન્કમટેક્ષ કચેરી આણંદ ખાતે જમા કરાવ્યા હતા.

જો કે તેમ છતાં તેનો એસેસમેન્ટ ઓર્ડર કરવા માટે કિશોરભાઈ રાઠોડ તથા તેમના સાગરીત એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ દોષી દ્વારા રૂા.૫૦ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે પેટે બંને વ્યક્તિઓએ અરજદાર પાસેથી રૂા.૨૫ હજારની લાંચ મેળવી લીધી હતી. ત્યારબાદ બાકી રહેલ રકમની બંને શખ્શો દ્વારા અવાર-નવાર માંગણી કરવામાં આવતી હતી. જો કે બાદમાં બાકી રહેલ રકમ પેટે રૂા.૧૦ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે આ અંગે અરજદાર દ્વારા આણંદ એસીબી પોલીસને સંપર્ક કરવામાં આવતા આણંદ એસીબી પોલીસે આજરોજ છટકું ગોઠવ્યું હતું. 

દરમ્યાન આજે લાંચની રકમ રૂા.૧૦ હજાર એમ.એ.શાહ એન્ડ કાું નાવલીવાલા બિલ્ડીંગ આણંદ ખાતે આપવા જતા ઈન્કમટેક્ષ ઓફિસર કિશોરભાઈ રાઠોડ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ દોષી એસીબી પોલીસના છટકામાં આબાદ રીતે રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/384ThwU
Previous
Next Post »