
ટી.વી. ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં ઘણાં કલાકાર- કસબીઓએ આપસમાં લગ્ન કરીને પોતાના સંસાર વસાવ્યા છે. લાંબા સમયથી એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવાથી આ યુગલો પોતાના જીવનસાથીના કામના લાંબા કલાકો તેમ જ અન્ય બાબતોથી સુપેરે વાકેફ છે. પરિણામે તેમને ક્યારેય એમ પૂછવાની નોબત નથી આવતી કે, ઘર ે આવતાં આટલું બધું મોડું કેમ થયું. વળી તેઓ એકબીજાના સલાહકાર પણ બની શકે છે. આજે આપણે અભિનય ક્ષેત્રે કાર્યરત કેટલાંક યુગલો વિશે વાત કરીએ.
અભિનેત્રી દિપિકા સિંહ અને સિરિયલ સર્જક રોહિત રાજ ગોયલના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દીપિકા પોતાના પતિ વિશે કહે છે કે મારી બધી કમી રોહિત પૂરી કરતો હોય એવું લાગે. તે મારા માટે શું છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે તે બહુ સમજદાર છે.
મારી પ્રસૂતિ પછી હું કામ પર પરત ફરવાનું વિચારતી હતી ત્યારે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે હું બહુ સ્થૂળ થઈ ગઈ છું તેથી હવે મને કામ નહીં મળે. પરંતુ રોહિતે મને હિમ્મત આપી. તે મને કહેતો કે હું હજી પણ અભિનય કરી શકું છું. ત્યાર પછી મને જ્યારે ઓફર આવતી ત્યારે હું દ્વિધામાં પડી જતી. પરંતુ રોહિત મને પ્રોત્સાહન આપતો. હું મારી કોઈપણ ઓફર વિશે રોહિત સાથે ચર્ચાવિચારણા કર્યા પછી જ આગળ વધતી.
અદાકારા વધુમાં કહે છે કે તે ઘરમાં પણ ઘણી મદદ કરે છે, તે અમારા પુત્ર 'સોહમ્ ' ની ખૂબ કાળજી લે છે. ટી.વી. ઉદ્યોગમાં કેટલા લાંબા કલાક સુધી કામ કરવું પડે છે તે રોહન સારી રીતે જાણે છે. તેથી અમારી વચ્ચે ખટરાગ નથી થતો.
ટી.વી. ઈન્ડસ્ટ્રીમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનું યુગલ મોસ્ટ ફેવરિટ ગણાય છે. દિવ્યાંકા કહે છે કે અમે એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં હોવાથી અહીંની કાર્યશૈલીથી સુપરિચિત છીએ. પરિણામે અમને ઘરે મોડા પહોંચવા બાબતે કોઈ ખુલાસા આપવાની જરૂર નથી પડતી.
વિવેક પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. તેથી તે જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હોય, પોતાના રોલની તૈયારી કરતો હોય ત્યારે હું તેને ખલેલ નથી પહોંચાડતી. અલબત્ત, વિવેક પણ આ વાતનું એટલું જ ધ્યાન રાખે છે. હું શૂટીંગ દરમિયાન તેનો ફોન ન લઉં તોય તેને માઠું નથી લાગતું.
રેણુકા શહાણે અને આશુતોષ રાણા પણ એક જ ઈન્ડસ્ટ્રીમાં હોવાથી એકમેકના પૂરક બની રહ્યાં છે. રેણુકા કહે છે કે આ ઉદ્યોગ બહારની વ્યક્તિ ક્યારેય અહીંની કાર્યશૈલી સમજી ન શકે. પરંતુ અમે એક જ ક્ષેત્રમાં હોવાથી તે સારી રીતે સમજી શકીએ છીએ.
અમે અમારી યોજનાઓ, સફળતા, નિષ્ફળતા વિશે ચર્ચા કરીએ છીએ. અમારા કામના કલાકો પુષ્કળ લાંબા હોય છે. વળી અહીં તમારી પાસે હમેશાં કામ હશે જ એવી કોઈ ખાતરી નથી હોતી. આવી સ્થિતિમાં તમારો જીવનસાથી તમને સમજી શકે તે બહુ જરૂરી છે. મને ખુશી છે કે હું આશુતોષની પત્ની છું.
રૂબિના દિલૈક અને અભિનવ શુકલાનું વિવાહિત જીવન સુચારુપણે ચાલી રહ્યું છે. તેનું મૂળ કારણ એ છે કે તેઓ એક જ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. રૂબિના કહે છે કે અમે એકબીજાના સૌથી મોટા ટીકાકાર છીએ. અમે અમારા કામ વિશે ઝાઝી વાતચીત નથી કરતાં. પરંતુ જ્યારે કરીએ છીએ ત્યારે તે અમારા માટે ફળદાયી પુરવાર થાય છે.
અમે સમય મળ્યે ફરવા ઉપડી જઈએ છીએ. અલબત્ત, અમે અમારા કામનું આયોજન તે મુજબ કરીએ છીએ. બાકી દરેક વ્યવસાયમાં તડકીછાંયડી આવતી જ હોય છે. આવી સ્થિતિમાં મુશ્કેલ ઘડી સાચવી લેવાની જરૂર હોય છે. અમે એક જ વ્યવસાયમાં હોવાથી કપરો સમય સાચવી શકીએ છીએ.
રક્ષંદા ખાન અને સચિન ત્યાગી પોતાની પુત્રી એનાયા સાથે ખુશીથી જીવે છે. રક્ષંદા કહે છે કે હું નસીબદાર છું કે મને આ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરતો પતિ મળ્યો છે. તેને કારણે અમારી વચ્ચે કોઈ ગેરસમજ નથી થતી. જો કે તે તરત જ કહે છે કે મઝાની વાત એ છે કે જ્યારે મને રજા હોય ત્યારે તેનું શૂટીંગ ચાલતું હોય છે. અને હું શૂટીંગ કરતી હોઉં ત્યારે તેને રજા હોય છે. ખાસ કરીને મેં 'બ્રહ્મરાક્ષસ' માં કામ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી આવું વધુ બને છે. તેથી અમે એકમેકની રાહ જોતાં રહીએ છીએ. પરંતુ અમારી પુત્રીના જન્મ પછી અમને મનગમતું કામ મળવા લાગ્યું છે.
કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક પણ એક જ ક્ષેત્રે કાર્યરત હોવાથી એકબીજાના પૂરક બની રહ્યાં છે. કાશ્મીરા કહે છે કે હું ક્યાંથી આવું છું અને શું કહું છું તે કૃષ્ણા સારી રીતે સમજે છે. ઘણી વખત એવું બને છે કે અમે પોતપોતાના શૂટીંગમાં વ્યસ્ત હોવાથી લાંબા દિવસો સુધી એકમેકને સમય નથી આપી શકતા.
આમ છતાં અમને ખાતરી હોય છે કે અમે એકબીજા માટે છીએ. વળી કૃષ્ણા બહુ સારો પિતા છે. તે અમારા બે વર્ષના જોડિયા પુત્રો રયાન અને કૃષ્ણાંનંગને સારી રીતે સાચવે છે. હું શૂટીંગમાં વ્યસ્ત હોઉં ત્યાર મને મારા બાળકોની ચિંતા નથી હોતી. હું કૃષ્ણાને ઘણાં વર્ષથી ઓળખું છું. તેથી તેની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ સુપેરે જાણું છું. તે મને બધી વાતે સહયોગ આપે છે. મારી દિગ્દર્શનની ઈચ્છાને પણ તેનું પીઠબળ છે. વાસ્તવમાં તે મને લખવાની પ્રેરણા પણ આપે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Plnpf5
ConversionConversion EmoticonEmoticon