કાંદામાં રેકોર્ડ તેજી: માસિક પુરવઠો ઘટી પાંચ વર્ષના તળિયે ઉતર્યો


દેશમાં ૨૦૧૯નું વર્ષ હવે ટૂંકમાં પૂરું થવાનું છે તથાવર્ષના છેલ્લા મહિનામાં પ્રવેશ થયો છે ત્યારે ૨૦૧૯ના વર્ષ પર નજર માંડીએ તો આ વર્ષે કાંદાની બજારમાં મોટી ચડઉતર જોવા મળી છે. વિદાય લેતા વર્ષમાં પૂર્વાર્ધમાં  પ્રથમ ૬ મહિનાના ગાળામાં કાંદાના ભાવમાં સતત પીછેહટ જોવા મળી હતી અને એ વખતે કાંદા ઊગાડતા ખેડૂતો ખાસ્સા રોષે ભરાયા હતા. જોકે ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં  જોઈએ તો કાંદા બજારમાં  જાણે સમગ્ર ચિત્ર ઉલ્ટાઈ ગયું છે. 

તાજેતરમાં કાંદા બજારમાં  જથ્થાબંધ સ્તરે તેમ જ છુટક વેચાણ સ્તરે કાંદાના ભાવ ઉછળતા રહ્યા છે તથા તેજીનો નવો રેકોર્ડ  સર્જાતો રહ્યો છે. દેશમાં  કાંદાના રિટેલ ભાવ ઉછળતા રહી ઉંચામાં કિલોનાં સવાસોથી પણ ઉપર બોલાવા માંડયા છે. આવા ભાવ અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી એવું બજારની પીઢ જાણકારોએ જણાવ્યું  હતું.

આ પ્રશ્ને રાજકીય વાતાવરણ પણ ગરમ થઈ ગયું છે તથા સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. કાંદાના વધતા જતા ભાવને કાબુમાં રાખવા સરકાર છાશવારે નવા નવા પગલાંઓ ભરતી થઈ ગઈ છે છતાં ભાવ કાબુમાં આવતા નથી તેથી સરકારની ચિંતા પણ વધી છે.

કાંદાની તેજીને રોકવા સરકારે કાંદાના સ્ટોક પર મર્યાદારૂપી અંકુશો લાદયા છે તથા નિકાસ કરવા પર પણ બંધી મૂકી છે ઉપરાંત દેશમાં  કાંદાની વધુ આયાત કરવાના પ્રયત્નો પણ શરૂ થયા છે. આવો માહોલ છતાં  બજાર ભાવ ઉછળતા રહ્યા છે. કાંદા બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે કાંદા ઉગાડતા વિવિધ રાજ્યોમાં  પાછોતરો વરસાદ વધુ થતાં તથા ચોમાસાની ઈનિંગ લાંબી ચાલતાં  કાંદાના પાકને  અસર પડી છે અને ત્યારથી ભાવ વૃદ્ધીની શરૂઆત થઈ હતી જે ત્યાર પછી વેગીલી બની હોવાનું જાણકારોએ જણાવ્યુંં હતું.

કાંદાનો પુરવઠો જળવાઈ રહે તથા આવા પુરવઠામાં  કોઈ રૂકાવટ ન આવે એ હેતુસર  મહારાષ્ટ્રમાં એપીએમસીની બજારો જ્યાં ખેડૂતો કાંદા લઈ આવે છે  એવી બજારોમાં ઓછામાં ઓછી રજાઓ પડે તથા વધુમાં વધુ કામના દિવસો ચાલુ રહે એવી તકેદારી રાખવા મહારાષ્ટ્ર સરકારે એપીએમસી કમિટીઓને જણાવ્યાના વાવડ તાજેતરમાં  મળ્યા હતા. દરમિયાન, કાંદા બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે પુરવઠો પાછલા વર્ષની  સરખામણીએ  અડધો થઈ ગયો છે.

કાંદાનો સંગ્રહ કરવામાં આવેલો જથ્થો બજારમાં વેંચી દેવોયો છે તથા નવા પાકને વિલંબ થવા ઉપરાંત નવા પાકની ગુણવત્તા પણ નબળી આવવાની ભીતિ બતાવાતી થતાં હાજર બજારમાં  ભાવમાં તેજીની આગભડકતી રહી છે. મહારાષ્ટ્રમાં  સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ  આ વર્ષે ઓકટોબર તથા નવેમ્બર મહિનામાં  રાજ્યના બજારોમાં  કાંદાનો જે પુરવઠો આવ્યો છે  તે પાછલા વર્ષના આ ગાળાની સરખામણીએ માંડ ૫૦ ટકા જેટલો જ આવ્યો છે.

ડિસેમ્બરમાં પણ આવી આવકો બજારમાં અપેક્ષાથી ઓછી રહી છે.  લાલ કાંદાના ખરીફ નવા માલો આવતા થયા છે.  પરંતુ તેનો જથ્થો ઓછો રહ્યો છે.  મહારાષ્ટ્રના  બજારોમાં  નવેમ્બરમાં કાંદાનો જે  પુરવઠો આવ્યો છે તે પુરવઠો પાછલા પાંચ વર્ષનો સૌથી ઓછો માસિક પુરવઠો મનાયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બરમાં બજારોમાં કાંદાની આવક આશરે  ૨૪થી ૨૫  લાખ કિવન્ટલની નોંધાઈ છે જે ગયા વર્ષે નવેમ્બરમાં ૪૧થી ૪૨ લાખ કિવન્ટલની આવી હતી.

મહારાષ્ટ્રમાં ઓકટોબરમાં  આ વર્ષે આવી આવકો આશરે ૨૫ લાખ કિવન્ટલની આવી હતી  તેની સામે પાછલા વર્ષે  ઓકટોબરમાં આ આંકડો આશરે ૫૦થી ૫૧ લાખ કિવન્ટલ જેટલો આવ્યો હતો. કાંદાના ભાવ ડિસેમ્બરમાં ઉંચા જ રહેવાની તથા કદાચ જાન્યુઆરીમાં ઉંચેથી નીચા આવે એવી શક્યતા બજારના સૂત્રો બતાવી રહ્યા છે. આયાતી માલોનો પુરવઠો વધારવા પણ પ્રયત્નો  થઈ રહ્યા છે. 

તાજેતરમાં  સરકાર હસ્તકના  એમએમટીસી દ્વારા  વધુ ચાર હજાર ટન કાંદા તુર્કીથી આયાત કરવા માટેના પ્રયત્નો શરૂ કરાયા છે.  આ પૂર્વે તુર્કીથી આશરે ૧૭ હજાર ટન કાંદા તથા ઈજીપ્તથી આશરે ૬ હજાર ટન કાંદાની આયાત કરવાના ઓર્ડરો અપાઈ ચૂક્યા છે અને હવે વધુ ચાર હજાર ટન કાંદા તુર્કીથી મંગાવાઈ  રહ્યા છે. 

આ પછી વધુ પાંચ હજાર આયાતી કાંદા દરિયાપારથી  મંગાવવા કેન્દ્ર સરકારે  એમએમટીસીને જણાવ્યું હોવાના વાવડ તાજેતરમાં વહેતા થયા છે. તુર્કી તથા ઈજીપ્ત ઉપરાંત અફઘાનિસ્તાન, યુરોપ ખાતેથી પણ કાંદા આયાત કરાઈ રહ્યાં છે  કાંદા આયાતમાં  વિવિધ શરતો પણ હળવી કરાઈ રહી છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RwVWd1
Previous
Next Post »