
દૈનિક ધારાવાહિકોમાં કામ કરતાં કલાકારોને ભરપૂર કીર્તિ-કલદાર મળતાં હોય છે. પરંતુ લાંબા સમય સુધી ચાલતી સિરિયલોને કારણે ઘણી વખત તેમના હાથમાંથી અન્ય સારી ઓફર સરી જતી હોય છે. 'કસ્તુરી' દ્વારા પ્રસિધ્ધ બનેલી અને હાલના તબક્કે 'ભાભીજી ઘર પર હૈં'માં 'અંગુર ીભાભી'ની ભૂમિકા ભજવી રહેલી શુભાંગી અત્રે સાથે તાજેતરમાં કાંઇક આવું જ થયું. શુભાંગીએ પોતાના આ અનુભવ વિશે જણાવ્યું હતું કે મને એક વેબ સીરિઝ ઓફર કરવામાં આવી હતી.
તેનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં ૧૫ દિવસ સુધી ચાલવાનું હતું. પરંતુ હાલના તબક્કે હું મારો વર્તમાન શો છોડીને આટલા બધા દિવસ ફાળવી શકું તેમ નહોતી. તેથી મેં એ ઓફર પાછી વાળી દીધી. તેણે આ બાબતે કહ્યું હતું કે જો તમે તમારા કામથી ખુશ ન હો તો આવું કરો એ જુદી વાત છે. પરંતુ હું મારા કામ અને મારા શોથી બહુ ખુશ છું. દર્શકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. ટચૂકડા પડદે ભાગ્યે જ આવા શોમાં કામ કરવાની તક મળતી હોય છે. હું છેલ્લા ૧૪ વર્ષથી ટી.વી. સિરિયલો કરી રહી છું.
પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં જ મને સારું કામ કરવા મળ્યું છે. સ્વાભાવિક રીતે જ હું મારી વર્તમાન સિરિયલ છોડીને અન્ય કોઇ ઓફર ન સ્વીકારું. અલબત્ત, હું હવે સાવધાનીપૂર્વક એવી ધારાવાહિકોની જ પસંદગી કરું છું જે મારા અગાઉના અન્ય શો કરતાં વધુ સારી હોય. મને વેબ શો કે મર્યાદિત સમયમાં પૂરા થતી સિરિયલમાં કામ કરવાની ઇચ્છા પણ છે. પરંતુ તે ધારાવાહિક રસપ્રદ હોવી જોઇએ.
મેં ક્યારેય ટચૂકડો પડદો છોડયો નથી અને છોડવાની પણ નથી:મૌની રોય
'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'થી લઇને 'નાગિન' સુધીની નવ વર્ષની ટચૂકડા પડદાની યાત્રામાં અભિનેત્રી મૌની રોયે ઘણાં શોમાં કામ કર્યું. તેની છેલ્લે આવેલી ધારાવાહિક 'નાગિન' તેને ફળી અને તેનું રૂપેરી પડદે આગમન થયું. અત્યાર સુધી તેણે 'ગોલ્ડ, 'રોમિયો અકબર વૉલ્ટર' અને મેડ ઇન ચાઇના'માં કામ કરી લીધું છે. અને હમણાં તે 'બ્રહ્માસ્ત્ર 'કરી રહી છે. તે કહે છે કે મેં હંમેશાંથી ફિલ્મોમાં આવવાના શમણાં જોયા હતાં જે હવે સાકાર થઇ રહ્યાં છે.પરંતુ ટી.વી. છોડવાનો વિચાર મેં ક્યારેય નથી કર્યો. જોકે તે તરત જ ઉમેરે છે કે હવે મને લાંબા સમય સુધી ચાલનારા કોઇ શોમાં કામ કરવાન ઇચ્છા નથી.
હું મર્યાદિત સમયમાં સમાપ્ત થનારા કોઇ સારા શોમાં કામ કરવા માગું છું. જો મને એવી કોઇ ઓફર આવશે તો હું સમયનું વ્યવસ્થાપન કરી લઇશ. મહત્વની વાત એ છે કે મૌનીને ફિલ્મોમાં ટી.વી. જેવા શક્તિશાળી રોલ નથી મળી રહ્યાં. આ બાબતે તે કહે છે કે હુું ફિલ્મોમાં કામ કરું છું તેને માત્ર એક વર્ષ જ થયું છે. તેથી હમણાંથી તેના વિશે કાંઇ ધારી લેવું યોગ્ય ન ગણાય. આમ છતાં મને લાગે છે કે 'બ્રહ્માસ્ત્ર' પછી મારી ફિલ્મી કારકિર્દીમાં ચોક્કસ બદલાવ આવશે. હું મારી ફિલ્મો પણ બહુ સમજીવિચારીને પસંદ કરું છું.
પરી ચૌધરીએ કર્યું પોતાનું જ નામકરણ
હમણાં 'ગઠબંધન'માં 'ધાનક'( શ્રૂતિ શર્મા)ની બહેનની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી પરી ચૌધરીએ પોતાનું જ નામકરણ કર્યું છે. કહેવાનો અર્થ એ છે કે તેણે પોતાનું નામ બદલીને પ્રિયંકા ચૌધરી કર્યું છે. આ બાબતે તે કહે છે કે મેં ન્યુમરોલોજીના આધારે મારું નવું નામ પસંદ કર્યું છે. તે વધુમાં કહે છે કે એવું નથી કે મને હમણાં કામ નથી મળી રહ્યંુ.
મેં અત્યાર સુધી ઘણાં શોમાં કામ કર્યું છે.આમ છતાં મને એમ થાય છે કે મારા ભાગ્યમાં આના કરતાં પણ કાંઇક વધુ સારું લખેલુ હશે. તેથી હું અંકશાસ્ત્ર મુજબ મારું નામ બદલીને મારા ભાગ્યના દ્વાર ખટખટાવી રહી છું. મઝાની વાત એ છે કે મોટાભાગની અભિનેત્રીઓ ટચૂકડા પડદે લાંબા કલાકો સુધી કરવા પડતા કામ બાબતે ફરિયાદ કરતી હોય છે. જ્યારે પરીને તેની સામે કોઇ ફરિયાદ નથી.હું વધારે સમય સુધી કામ કરીને મારી અભિનય ક્ષમતાને માંજીવાનું પસંદ કરું છું.
જસ્મીન ભસીન બની 'નાગણ'
ધારાવાહિક 'નાગિન'એ ટચૂકડા પડદે ધૂમ મચાવી છે. આ શોની ત્રણેેત્રણ સીઝનને લોકોએ મનભરીને માણી હતી. તેથી જ તેની ચોથી સીઝન બનાવવાનો વિચાર કરવામાં આવ્યો. અને આ ચોથી સીઝનનું નામ છે 'નાગિન-ભાગ્ય કા ઝહરીલા ખેલ'. અત્યાર સુધી આ શોમાં જે જે અભિનેત્રીઓએ નાગિનની ભૂમિકા ભજવી છે તેમના ભાગ્ય બદલાઇ ગયાં છે. અને ચોથી સીઝનમાં નાગિનનો રોલ જસ્મીન ભસીનના ભાગે આવ્યો છે. તે આ બાબતે બહુ ખુશ પણ છે.
તે કહે છે કે આ ધારાવાહિકે અત્યાર સુધી તેના બધા કલાકારોને ઘણી નામના અપાવી છે. હું પણ માનું છું કે મને આ શો ફળશે. વાસ્તવમાં હું આ રોલ કરવા માગતી હતી. અને તે મને મળ્યો તેના થી રૂડું શું.આ શોના કલાકારોએ અત્યાર સુધી પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. હું ઇચ્છું છું કે લોકો મને આ શોમાં પસંદ કરે. એકતા કપૂરે મને આ રોલ આપીને મને નાગિન તરીકે આવકારી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DRbIaw
ConversionConversion EmoticonEmoticon