
આણંદ, તા.09 ડિસેમ્બર 2019, સોમવાર
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય કર્મચારી મહાસંઘ, આણંદ દ્વારા શહેરના અમૂલ ડેરી રોડ ખાતે એક દિવસીય ધરણાં પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજરોજ ધરણાં પ્રદર્શન કરવામાં આવતા જિલ્લાના વિવિધ પીએચસી સેન્ટરો ખાતે આરોગ્ય સેવા ઉપર વિપરીત અસર પહોંચી હતી અને વિવિધ સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. જો કે આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ દર્દીઓને ના છુટકે ખાનગી તબીબી સેવા લેવાનો વારો આવ્યો છે.
વધુમાં મળતી વિગતો મુજબ રાજ્યના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ મામલે સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કર્મચારીઓ ગણી પગાર ધોરણ આપવુ, ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, આરોગ્ય કર્મચારીઓને બઢતી આપવી, જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરી જગ્યાઓ ભરવી, સહિતની વિવિધ ૧૩ પડતર માંગમીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે. આ આંદોલનને ટેકો આપતા આરોગ્ય કર્મચારી મહાસંઘ આણંદ દ્વારા આજે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આંદોલનના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ શહેરની અમૂલ ડેરી પાસે ધરણાં, સૂત્રોચ્ચાર અને દેખાવો તેમજ રામધૂન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ગત તા.૨૮-૧૧-૨૦૧૯થી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના રીપોર્ટ કરવામાં આવ્યા નથી. છેલ્લા ૧૦ દિવસથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ઓનલાઈન કે ઓફલાઈન રીપોર્ટીંગની કામગીરીને ખોરવી નાખવામાં આવતા જિલ્લાની આરોગ્ય સેવા ઉપર વિપરીત અસર થવા પામી છે.
આણંદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ પીએચસી સેન્ટરના કર્મચારીઓ આજે આંદોલનમાં જોડાતા આરોગ્ય સેવા ખોરવી નાખી હતી. જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પીએચસી સેન્ટરો ખાતે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ ખાનગી તબીબોને ઘી-કેળાં થઈ ગયા હતા.
આગામી તા.૧૭ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકાર વિરૂધ્ધ દેખાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2E8aMP3
ConversionConversion EmoticonEmoticon