રાવણના સર્વનાશનું કારણ છે અહંકારરૂપી કોબ્રાનો જીવલેણ સ્પર્શ


મજબૂતી જાળવી રાખવી, પરંતુ મગરૂરી ન રાખવી અને મજબૂરી ન બતાવવી. આપત્તિઓનાં વાવાઝોડાં વચ્ચે અડગ ઊભા રહેવાની દ્રઢતા વ્યક્તિએ કેળવવી જોઈએ. જે અડગ હોય છે એને કોઈ ઝૂકાવી શકતું નથી. જે અડગ હોય છે એને કોઈ ડગાવી શકતું નથી. આમ એવી મજબૂતી કે જેમાં વિષમ સંજોગો સામે ટકી રહેવાનો તકાજો હોય. મગરૂરી કોની રહી છે? આજે જે મગરૂર હોય છે, એને આવતીકાલે રસ્તા પર ભીખ માગતા જોયા છે. 'સગાં દીઠાં મેં શાહઆલમમાં, ભીખ માગતા શેરીએ' એ કવિતાની પંક્તિ હકીકત બનેલી જોઈ છે.

મજબૂરીમાં લાચારી છે, દીનતા છે, લઘુતાગ્રંથિ છે. જ્યારે આપણે તો આ બધાથી મુક્ત થઈને 'અર્હમ્'માં સમાયેલા સાચા 'હું'ને ઓળખવો છે. 'અહમ્'ની પેદાશ જેવાં 'હું'નું વિસર્જન કરવું છે. આ માટેની એટલે કે અહંકાર સામેના વિજયને માટેની વ્યૂહરચના રૂપે 'ફોર્મ્યુલા' ગ્રંથમાં તત્ત્વજ્ઞા, શ્રુતજ્ઞાાની અને આચાર્યશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબે ૩૫ ફોર્મ્યુલા દ્વારા આપી છે. અને આ સંદર્ભમાં તેઓ કહે છે કે,

'મોઢામાં આવતી દુર્ગંધ એ જેમ બગડેલા પેટની નિશાની છે. તેમ જીવનમાં આવતી ક્રોધની દુર્ગંધ તે અંતરમાં રહેલા અભિમાનની નિશાની છે. દુર્ગંધનો ત્રાસ સહવો ન હોય તો અપચો દૂર કરવો જ રહ્યો તેમ જ આપણે ક્રોધથી ત્રસ્ત હોઈએ તો અભિમાનને અવશ્ય દૂર કરવું જ રહ્યું. મુક્તિમહેલ પર ચઢવાના સોપાનમાં સહુથી પ્રથમ પગથિયું હોય તો તે છે અભિમાન ઉપર કારમો ઘા મારવો. અનંતા ભાવોમાં બીજું ઘણું કર્યું પણ આ કાર્ય કરવું રહી ગયું. તેથી જ હજુ ભટકીએ છીએ. માટે જ શ્રીમદ્જીએ અભિમાન માટે એક માર્મિક વાત કરતાં કહ્યું છે કે જો માન ન હોત, તો અહીં જ મોક્ષ હોત.'

અનાદિ કાળથી ઘર કરી ગયેલા તે અભિમાનને દૂર કરવા વિવિધ પ્રકારની ફોર્મ્યુલા વિચારીએ અને તેનો અમલ કરી માનના ભારથી હળવા બની મુક્તિ ગગનમાં ઉડ્ડયન કરીએ. એમણે આપેલી કોબ્રા ફોર્મ્યુલા અંગે તેઓ કહે છે કે, 'વેદવ્યાસરચિત રામાયણમાં એક પ્રસંગ આવે છે. લંકાની ગાદી પર વિભીષણને સ્થાપી રામચંદ્રજીએ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. એક વાર મુકામમાં બધા બેઠા હતા અને યુદ્ધની વાતો મમળાવતા હતા. ત્યાં તો સીતાજીએ પૂછ્યું,

'સ્વામીનાથ! આપ સુપેરે જાણતા હતા કે રાવણને દસ માથા હતા. એક વાર બાણથી આપે માથું ઊડાવ્યું, ત્યાં બીજું ઊગ્યું. બીજું ઊડાવ્યું તો ત્રીજું ઊગ્યું. આમ દસ-દસ બાણ મારીને રાવણને ખતમ કરવા કરતાં છાતીમાં જ એક તીરે ભોંકી દીધું હોત તો? માથું ફરી ઊગે અને બમણા જોરથી આપના ઉપર તે આક્રમણ કરે, તેમાં જોખમ વધારે હતું. આ બધું જાણવા છતાં આપે તેને મારવા માટે દસ-દસ બાણ છોડવાનું જોખમ કેમ વહોર્યું?'

'તમે ભલે મારી ભૂલ પકડી પાડી, પણ મારી તે ભૂલ ઈરાદાપૂર્વકની હતી. સપ્રયોજન હતી.'

'પણ આપના માથે જોખમ કેટલું?'

'રાવણના માથામાં ભયંકર અભિમાન રહેલું હતું. (૧) હજારો વિદ્યાઓનું ગુમાન (૨) ઇન્દ્રની સાથે લાગવગ (૩) સોનાની લંકાનો સફળ રાજવી (૪) ભર યુવાની (૫) પ્રચંડ બાહુબળ (૬) વિશાળ સત્તા (૭) દેદીપ્યમાન સૌંદર્ય (૮) જાજરમાન મળતા સન્માન (૯) મહાપરાક્રમી ભાઈઓ અને પુત્રો (૧૦) વિશાળ સેના.

આ પ્રત્યેક બાબતનો ભયંકર નશો તેના મગજ પર સવાર હતો. દશેય માથાંનાં દસ પ્રકારના અહંકારની રાઈ ભરેલી હતી. જ્યારે તેના હૃદયમાં તો પરમાત્મા પ્રત્યેની નિર્મળ ભક્તિ ભરેલી હતી. તમને ખબર નથી, પણ કૈલાસ પર્વત પર જઈને મહાદેવજીની અવ્વલ ભક્તિ કરીને તેમની પ્રસન્નતા રાવણે મેળવી હતી. તેથી તેમનું હૃદય તો જાણે પરમાત્માના મંદિર સમાન હતું. તેથી તેની છાતી ઉપર હું બાણ ચલાવી શકું એ તો અશક્ય જ હતું. મારે તો તેના અહંકારને જ ઉડાવવો હતો. માટે જ દશેય પ્રકારના અહંકારથી ભારોભાર ભરેલા આ દશેય માથાં મેં ઊડાડયા.'

સોનાની લંકાની સત્તા, હજારો વિદ્યાઓની સહાય, અમાપ સંપત્તિ, અપ્સરાને ટક્કર મારે તેવી રાણીઓ, ઇંદ્ર સાથેની મિત્રતા, કૈલાસ પર્વતને એકલપંડે ઊંચકી શકે તેવું બાવડાનું બળ, વિવેકચક્ષુ ગુમાવેલા રાવણને આ બધી ખાસિયતોનો નશો હતો. અને નશા રૂપી કોબ્રાને પંપાળવામાં અને તેનો સુંવાળો સ્પર્શ કરવામાં વધારે ને વધારે મજા માણતો ગયો.

મદાંધ બનેલા રાવણને ખબર નહીં કે કાયમ શેરને માથે સવાશેર હોય છે. અહંકારના નશામાં સીતાનું અપહરણ કરીને કોબ્રાને વધારે છંછેડવાનું કામ કર્યું. પણ એ અહમનું સ્વરૂપ કેટલું ટકે? લીસા સપના સુંવાળા સ્પર્શમાં અનુભવાતી સુંવાળપની મજા ક્યાં સુધી? તેના અહં ઉપર હથોડો મારનાર રામ-લક્ષ્મણ ન મળ્યા ત્યાં સુધી. માટે રાવણના વિનાશમાં રામ-લક્ષ્મણ કારણ ન હતા પણ તેણે ખાધેલા અહંકારરૂપી કોબ્રાના જીવલેણ ડંખ એ જ એના સર્વનાશનું મૂળ હતા.

કોબ્રા ફોર્મ્યુલા કહે છે કે, 'અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નથી તો આપણા જેવા સામાન્ય માનવીનું અભિમાન ક્યાંથી ટકવાનું? આ અહંકાર આપણને તહસ-નહસ કરી નાખવા સમર્થ છે. સુખે ચાલતો ઘરસંસાર તિતરબિતર, છિન્નભિન્ન કરી નાંખવા સક્ષમ છે. આંતરિક ગુણવૈભવના ચીંથરા ઉડાવી અપયશની ખીણમાં નાંખી દેવા કટિબદ્ધ છે. માટે કોબ્રા જેવા અભિમાનથી દૂર જ રહેવું સારું.'

સદ્દામ હુસેન પણ અહંકારરૂપી કોબ્રાના સુંવાળા સ્પર્શમાં મોહાઈ ગયો. બુશની સામે બફાટ કરીને સુપરપાવર કહેવાતા અમેરિકા સામે માથું ઊંચક્યું. પરિણામ? લપાતા-છુપાતા રહેવાનું, ભાગતા ફરવાનું, બંકરમાં રહેવા છતાં શસ્ત્રનો ઉપયોગ કર્યા વિના જ અમેરિકન સેના વડે આબાદ ઝડપાઈ ગયો. ફાંસીના માંચડે લટકાવી દેવાયો. એક માત્ર અહંકારરૂપ કોબ્રાના સ્પર્શનો મોહ અને પરિણામે પોતાનો વિનાશ.

આ અંહકારરૂપી કોબ્રાની ઘાતકતાનો ખ્યાલ આવી જાય તો માણસ અહં કરી શકે જ નહીં. માણસે આ જીવનમાં કે પછી વિવિધ ભાવોમાં આ અહંકારના કોબ્રાને સેંકડો વાર ડંખ ખાધાં છે છતાં હજુ તેના વિવેકચક્ષુ ખૂલ્યા નથી. હજુ તે કોબ્રાનો સ્પર્શ તેને પ્યારો લાગે છે. કેવી મૂર્ખામી? કેવી બાલિશતા?

તપેલામાં ૫૦૦ રસગુલ્લા હોય, પણ માણસને સમાચાર મળે કે આ તપેલામાં ૨-૪ રસગુલ્લા ઝેરી છે. બાકીના ઝેરી નથી. તો શું તેમાંથી એક પણ રસગુલ્લાને ખાવાનું પસંદ કરશે? નથી જ કરવાનો. ઝેરથી માણસ દૂર ભાગે છે. પણ આ આપણા જીવનની ખોર ખોદી નાંખનાર ભયંકર ઝેરી એવો અહંકારનો કોબ્રા આપણે ખીસ્સામાં લઈને કોલર ટાઈટ કરીને ફરતા હોઈએ છીએ.

ઝેર તો શાયદ એક ભવમાં મોત આપશે, જ્યારે આ અભિમાનરૂપી કોબ્રા તો ભવોયભવ આપણને રીબાવવાનું કામ કરે છે. ઝેરની દુશ્મની છતાં અહંકારરૂપી કોબ્રાની દોસ્તી! શું વિવેકદ્રષ્ટિ સાથે આપણો મેળ પડશે? કોબ્રા ફોર્મ્યુલા આપણને ચેતવતા કહે છે કે -

'લોકોમાં તમારી નામનાથી અને ચાહનાથી સતત ચેતતા રહેજો. ગુડવિલ અને સ્ટેટસથી સાવધાન બનજો. સ્વપ્રશંસા પરનિંદાથી દૂર રહેજો. હારતોરાથી અને માન-સન્માનથી ભાગતા રહેજો. યાદ રાખજો. આ બધું કોબ્રાની ચામડીના સુંવાળા સ્પર્શ સમાન છે. થોડા ગાફેલ રહ્યા એટલે અહંકારનો કોબ્રા છંછેડાઈને તમારો વિનાશ કયારે નોંતરશે? તે ભાળી શકાય એમ નથી.'

કોબ્રા ફોર્મ્યુલા આપણને સાચી સલાહ આપતા કહે છે કે - નામના ને ચાહનાનો નશો તું કદી કરતો નહીં, ગુડવિલ ને સ્ટેટસના ચક્કરમાં તું કદી આવતો નહીં, હાર-તોરા ને સન્માનના રવાડે તું કદી ચડતો નહીં, અહંકારરૂપી કોબ્રાથી તું કદી મરતો નહીં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35376KC
Previous
Next Post »