અમૃતા, તારી જાતને તું નિરાધાર ન માનીશ ! હું બેઠો છું ને ! હું ત્યારે ય તારો હતો અને આજે ય તારો જ છું !!
'ચૌ રંગી નથી આવી ?'
'ના, સાહેબ !'
સાહેબ એટલે કે સુમંત શાહની નજર આગળની પાટલી પર ઘૂમતી હતી. બધી જ પાટલીઓને એમણે નજરથી સૂંઘી જોઈ ઃ જાણે કોઈને એ શોધતા હતા ! શોધવાની તરસ એમના ચહેરા પર જોઈ શકાતી હતી. બસ, એક નાનકડા ચહેરાની એમની ખોજ હતી. પણ ન દેખાયો એ ગોળ મટોળ ચહેરો ! એનો અર્થ એ થયો કે ચૌરંગી નથી આવી. પોતે ટેબલ પાસે ઊભા રહીને ભણાવતા હોય કે એકાદ સરસ મજાના કાવ્યનું ગાન કરતા હોય ત્યારે સામે જ બેઠેલી ચૌરંગી એમની સામે જોયા કરતી. કદાચ એમની વાણીમાં એને રસ પડતો હશે !
સુમંત શાહ એ નજરને પકડી લેતા. આ સ્કૂલમાં પ્રથમવાર આવ્યા ને આઠમાં ધોરણમાં પહેલો જ પિરીયડ લેવા દાખલ થયા ત્યારે આખોય કલાસ ઊભો થઈ ગયેલો, ને સામૂહિક અવાજે બોલી ઊઠેલો: 'વેલકમ, સર !' મિ. શાહના ચહેરા પર રાજીપો રેલાઈ રહ્યો. ત્યાં જ એમની નજર પહેલી બેન્ચ પર બેઠેલી છોકરી પર પડી....એ ચહેરો જોયો. ને એમનાથી બોલાઈ ગયું: 'ઓહ !' ને પછી ચહેરા પરના વિસ્મયને છુપાવી, એમણે શીખવવાનું શરૂ કર્યું: 'યસ, વી આર ગોઇંગ ટુ લર્નં ધ નાઇસ પોએમ ! પ્લીઝ, ઓપન ધ પેઈજ નંબર ફોર્ટી ટુ...' અને પછી અધ્યાપન કાર્યમાં એકરસ થઈ જતા.
કહોને કે ડૂબી જતા. ખોવાઈ જતા. ઓગળી જતા ! બહુ સરસ અને સરળ ભાષામાં મિ. શાહ પોએમ સમજાવતા. ગુજરાતીમાં ભાષાંતર કરતા ક્યારેક એના સમાનાર્થી શબ્દો દ્વારા ગુજરાતીમાં કાવ્ય રચી કાઢતા...ને ગાતા ! એય અભિનય સાથે ! કંઠના આરોહ-અવરોહ સાથે !
એમતો તેઓ બીજા કલાસમાં ય જતા પણ આઠમા ધોરણના આ વર્ગખંડ જેવી મજા એમને ન આવતી !
કારણ ? પેલી ગૌર અને ગોળ મટોળ ચહેરાવાળી છોકરી ? ચોરંગી ?
પ્રથમ દિવસે જ ચૌરંગીને એમણે. જોઇ ને અચાનક જ કશુંક યાદ આવી ગયું. અચાનક જ દિલ ધબકી રહ્યું. અચાનક જ હૈયું હચમચી ગયું. 'હેં ? આ ચહેરો ? બિલકુલ અમૃતા જેવો ? નાનકડી અમૃતા જ જોઇ લો ! એવો જ ગૌરવર્ણ.. એવો જ ગોળ ગોળ ચહેરો. એવું નાક-નક્શ ! એવાં જ નશીલાં નેણ ! અને સૌથી વિશેષ વાત એવું જ જમણા-ડાબા ગાલ પર સ્વસ્તિક આકારનું લાખું !'
અમૃતાની નાનકડી કાર્બન કોપી જ જોઇ લો !
'મિ. શાહનું મન ત્યારે જ ક્ષણવાર માટે ખોવાઈ ગયું. વરસોનાં વન વીંધીને અમૃતા પાસે પહોંચી ગયા હતા. તેઓ જાણે અમૃતાને પૂછી રહ્યા હતા... 'અમૃતા !'
'બોલો, મારા સુમંત !' 'તું ક્યાં છે ?' 'મારા ઘરમાં !' 'મેં તને આજે જોઈ.' 'મને ?' 'હા, તને ! મારી અમૃતા ને જતો !' 'સાચું બોલો છો ?'
'હા, શિક્ષક છું. ખોટું બોલતાં શીખ્યો નથી. મહાત્માજીના 'સત્યના પ્રયોગો' અઢાર વાર વાંચી ગયો છું....સાવ સાચું કહું છું, અમૃતા. તારી જ નાનકડી કાર્બન કોપી જેવી છોકરી મારી સામે જ બેઠી છે !'
'તો જોયા કરો, દિલને ટાઢક વળશે !'
- સંવાદ તો કપાઈ ગયો અમૃતા પણ અદ્રશ્ય થઈ ગઈ ! રહી ગયા મિ. સુમંત શાહ, અને સામે બેઠેલી છોકરી ચૌરંગી ! એમને ક્યારેક થતું: 'હું કેમ એ છોકરી સામે જોયા કરું છું ? શા માટે મને તેનામાં અમૃતા દેખાય છે ? શા માટે હું ક્ષણવાર માટે સાનભાન ભૂલી જાઉં છું ? એ છોકરીને જોઈને મને આમ કેમ થાય છે ?' મિ. સુમંત શાહ વિચારોમાં ખોવાઈ જનારા માણસ છે ! ગાંધીજીના રંગે રંગાયેલા છે ! ગાંધીભક્ત કહો તો ય ચાલે 'સત્યના પ્રયોગો' એમનો પ્રિય ગ્રંથ છે.
આમ તો એ જ્ઞાાનપિપાસુ જીવ છે ! બજારમાં જાય ને લારી ઉપર જૂના પુસ્તકો વેચતો કોઈ ફેરિયો મળે તો ઊભા રહે: પછી પુસ્તકો લે ! ગુજરાતી કાવ્યસંગ્રહો લે. ગાંધીજીને લગતું કોઈ પુસ્તક હોય તો ખરીદી લે. સાહિત્યના જીવ છે. સત્ત્વશીલ સાહિત્યના પરખંદા છે ! સાંજ પડયે, હજાર-બે હજારનાં પુસ્તકો બેગમાં ભરીને ઘેર આવે ! સૂના ઘરમાં પ્રવેશે ! એકલા જ છે મિ. શાહ ! મા-બાપે અને સગાં વહાલાં એ બહુ આગ્રહ કર્યો, પણ એમનો તો એક જ જવાબ: 'મન કહેશે ત્યારે વિચારીશ !'
મન કહેતું નથી. આતમરામનો ઓર્ડર થતો નથી. મિ. શાહ વિચારતા નથી ! એકલ તાજી ચુડેલ આખાય બંગલામાં ઘૂમે છે. લોન્લીનેસ ! એકલતા !
ક્યારેક ભયાનક પીડા આપે છે. આ એકલતા. છતાંય એકલતાનો એકદંડિયો મહેલ તેઓ છોડતા નથી. ઓફરો તો ઘણીય આવી. એક શિક્ષિકા દ્વારા પણ ઓફર થઈ: 'તમે હા પાડો તો હું તમારી બનવા તૈયાર છું.'
'ના !' એમણે સોમણની 'ના' સંભળાવી દીધી !
એક અભિનેત્રીની પણ ઓફર આવી: 'મિ. શાહ, નાટકનો સંવાદ નથી બોલતી. સાચા દિલથી કહું છું. તમને મારા જન્મોજન્મના સાથી બનાવી શકું ? તમે કહેશો તો લગ્ન પછી તખ્તાની દુનિયાને રામ રામ કરી દઈશ ! તમે કહેશો તો નાટકમાં અભિનયનાં અજવાળાં પાથરવાનું બંધ કરી દઈશ ! હું સીતા બનવા તૈયાર છું,
તમે મારા રામ બનવા રાજી છો ? મારાં મા-બાપ તરત જ મંડપ અને ચોરીનો ઓર્ડર આપી દેશે. બોલો મિ. સુમંત શાહ, આર યૂ રેડી ?'
'નો !'
એક અબજો પતિ શેઠિયાની દીકરી પ્રસન્નાની ઓફર આવી. 'બસ, મિ. શાહ, હું તૈયાર છું, તમે મને તમારી ઘરવાળી બનાવી દો ! હું તમારા અસ્તિતત્વમાં એકાકાર થઈ જઈશ !' ને પછી થોડીક લાલચ પણ આપી ઃ 'તમે ઇચ્છશો તો મારા બાપના પૈસે ચાલતી કોલેજના તમે પ્રિન્સીપાલ બની શકશો ! બંગલાના માલિક બની શકશો ! કરોડોની મિલકતના સ્વામી બની શકસો. છો તૈયાર ?'
'ના.'
'કેમ ?'
'હું જે છું, એજ ઠીક છું. મારે કોઈ કરોડપતિની કંચનવર્ણી કુંવરીના કંથ નથી બનવું. હું જ્યાં છું ત્યાં સંતુષ્ટ છું ! લોભ-લાલચથી પર છું ! ને મારા કામથી હું જરાય અસંતુષ્ટ નથી, આવડી મોટી ઓફર બદલ આભાર.'
એમને થતું: 'શું હું અભિમાની છું ?' તરત જ માંહયલીપાથી જવાબ મળતો: 'ના ! હું શા માટે બધાને ના પાડી રહ્યો છું ? શું છે કારણ ?'
'કારણ ?'
'હા.'
'કારણ જાણવું છે તારે ? હૈયાના ઊંડાણમાંથી પ્રશ્ન ફેંકતાં.'
'હા.'
'કારણ છે: અમૃતા ! તારા અંતરમાં જેની છબી કોતરાઈ ગઈ છે એ અમૃતા ! તારા કાળજામાં જેની યાદો પૂરાઈને બેઠી છે, એ અમૃતાં ! તારી રગરગમાં, અણુ અણુમાં, રક્તના કણ કણમાં જેનું નામ સતત વહ્યા કરે છે - પડઘાયા કરે છે, એ અમૃતા ! તારી ચાહનાનું ચરમબિંદુ ! યાદ કર...તું એને કદી ભૂલી શકે તેમ નથી !'
હા, યાદ છે મિ. શાહને બધું જ ! એની યાદોમાં તો જીવ્યા કરે છે એ ! વરસોનાં વિંધાઈ ગયાં વન ! એક યુવાન નામે સુમંત આવીને ખડો થઈ ગયો ! ઊજળો વર્ણ અને ત્રિકોણાકાર ચહેરો ! ઊંચાઈ છ ફૂટ ! એ કોલેજમાં ભણે છે ને પેઇંગ ગેસ્ટ તરીકે એક પરિવારની સાથે રહે છે. એક દિવસે એ પરિવારની કન્યા પર નજર પડી.
વાહ અપ્સરા હશે ? ના, અપ્સરા તો આટલી રૂપાળી ન હોય ! પરી હશે ? ના રે ના, પરી તો આટલી સૌંદર્યવંતી ન હોય ! રાણી રૂપમતી હશે ? ના હોં ! આ તો રૂપના શિખર પર વિરાજમાન રાણી છે ! ગોરા ગોરા ગાલ છે, ગોળમટોળ ચહેરો છે, નમણું નાક છે, નશીલી નજર છે, ને બંને ગાલ પર લાલરંગનાં લાખાં છે ! એ યુવાને અમૃતાને પૂછ્યું: 'તમે આ ઘરનાં દીકરી છો ?'
'હા.' 'તમે અહીં રહેવાનાં છો ?' 'હા...રહેવાની છું, એટલું જ નહીં પણ તમારી રસોઈ હું જ બનાવવાની છું. પિતાજીની બદલી થઈ છે, એટલે મારે એમની સગવડો માટે સાથે રહેવું પડે છે !'
'મારી રસોઈ તમે બનાવશો ?' 'હા, મિ. શાહ !' 'તો તો રસોઇ અમૃત જેવી બની જશે !'
'હા, હું તમને અમૃત પીરસીશ....મારું નામ જ અમૃતા છે !'
- ને પછી તો અમૃતા આગ્રહ કરીને જમાડતી ગઈ: 'ના, આટલું તો ખાવું જ પડશે ! ક્યારેક મિષ્ટાન્ન પણ બનતું. અમૃતા મિસ્ટાન્નનો કોળિયો મિ. શાહના મુખમાં ઘુસાડી દેતી: ચાલો, ખાઈ જાવ ! કેવી લાગી મારી રસોઇ ?'
'અમૃત જેવી !'
અને બે ય જીવ હળી ગયા, મલી ગયા ! બે મટીને એક થઈ ગયા ! અમૃતાને જોયા વિના મિ. શાહને ન ચાલતું, મિ. શાહને જોયા વિના અમૃતા છટપટતી ! બેય મળવા લાગ્યાં ! એકરાર થઈ ગયાં, કરાર થઈ ગયાં. આ જનમમાં તો તું જ, બીજું કોઈ નહીં !
પણ વેકેશનમાં મિ. શાહ ગામડે ગયા. વેકેશન પૂરું થતાં પાછા આવ્યા ત્યારે, એમણે અમૃતાને ન જોઈ: 'હેં ? ક્યાં ગઈ હશે અમૃતા ? જવાબ જડી ગયો. એનાં પિતાજીનું અચાનક અવસાન થયું હતું, ને મરતાં પહેલાં તેમણે અમૃતા પાસે જેની સગાઈ કરી હતી એ યુવાન સાથે લગ્ન કરવાનું વચન લીધું હતું ! ને પરણી પણ ગઈ !'
બસ, એ ત્યાંથી નીકળી ગયા ! કોલેજ છોડી દીધી... બીજા શહેરની કોલેજમાં જોડાઈ ગયા ! અમૃતાની યાદોમાં જીવ્યા કરવાનું એમણે મન બનાવી લીધું ! ને તાલીમી ડિગ્રી મેળવી લીધા પછી સ્કૂલો બદલતા બદલતા આ ગામની સ્કૂલમાં જોડાઈ ગયા ! મિ. શાહનું નામ મોટું હતું ! અધ્યાપદ કાર્યમાં એ માસ્ટર ગણાતા ! અને આ સ્કૂલના આઠમા ધોરણની ચૌરંગી સામે જોતાં જ તે ચોંકી ઊઠયા હતા: 'હેં ? આ તો દશમૂશ અમૃતા જેવી જ છે ! બિલકુલ એની નાનકડી કાર્બન કોપી જ જોઈ લો !'
- ને એક દિવસે તેઓ ચૌરંગીના ઘરના બારણે પહોંચી ગયા: ઓહ ! માટીનું સાવ સાધારણ ખોરડું ! ધામા નાંખીને પડેલી ઘોર ગરીબી ! ને તેમણે બારણામાંથી બૂમ પાડી: 'ચૌરંગી ?'
જવાબમાં એક ફાટેલો સાડલો પહેરેલી ઓરત બારણા વચ્ચે આવીને ઊભી રહી ને મિ. શાહના મોઢામાંથી નીકળી ગયું: 'અમૃતા, તું ?'
'ને સુમંત તમે ?' 'સુખી તો છે ને ?' 'ખાવાના ય સાંસા છે, એને સુખ કહેવાતું હોય તો હું સુખી છું !'
ને મિ. શાહ તૂટેલા ખાટલા પર બેસી ગયા: શું કરે છે તારો ઘરવાળો ?
'હું વિધવા છું. ઘરવાળો આ માટીના ખોરડા સહિત ઘોર ગરીબી આપતો ગયો છે. મારે તો ખાધા વગર ચાલે છે. પણ ચૌરંગી ? એ ફૂલનો શો દોષ ? એટલે એય બેઠી બેઠી રોટલો ને છાશ ખાય છે ! કહેતાં અમૃતા રડી પડી. મિ. શાહે તેને હાથ પકડીને બેસાડી.
આંગળી વડે તેનાં આંસું લૂંછી નાખ્યાં.....ને બોલ્યા: 'તું તારી જાતને નિરાધાર ન માનીશ ! હું બેઠો છું ને ? ત્યારે ય હું તારો હતો, ને આજે ય હું તારો જ છું !'ને એમણે ગજવામાંથી પાકીટ કાઢીને રૂપિયાની થોકડી અમૃતાના હાથમાં મૂકી દીધી. આજથી તમારો તમામ ખર્ચ મારા માથે ! ને અમૃતાના માથે હાથ ફેરવી તેઓ બહાર નીકળી ગયા !!'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35q6RKd
ConversionConversion EmoticonEmoticon