શકરાભાઇ પરિવારને ફળી શુભ દિવાળી


વરસાદે મુશળધાર વરસીને નવરાત્રીને બરાબર નવડાવી નાખી. ગોરીઓના ગરબાનો માહોલ જ પલટી નાખ્યો. કેટકેટલી હોંશ, કેવી કેવી કલ્પનાઓ.. નવી નવી ફેશનપરસ્તીઓ બધું જ વરસાદે હોમી નાખ્યું. એ તો ગૌરાંગનાઓની મહેચ્છાઓને ઘમરોળીને વિદાય થઇ ગયો.

તાલીઓના તાલે ઊગેલી પૂનમની રાત પણ આવી આવીને ગઇ. હવે શું ? પણ માણસનું મન એમ હારી જતું નથી. જીવનના આનંદ માટે એ કંઇને કંઇ પ્રસંગ શોધી કાઢે છે. નવરાત્રી ગઇ પણ દિવાળી તો સહી ! હવે દિવાળીએ મ્લાન થઇ ગયેલાં મુખ ઉપર ઉજાસ પ્રગટાવ્યો.

રૂમઝુમ કરતી દિવાળીનાં ઠેકાં સંભળાયાં અને ગૃહિણીઓ નવરાત્રીનો શોક માહોલ ભૂલીને સફાઇ કામમાં પરોવાઇ ગઇ.

શાણીબહેન નવરાત્રીની વિદાયનો શોક જલદી ભૂલી ગયાં. એમની તો ઉંમર હતી. અને જે હોંશ એમની પુત્રવધુ મંજરીને હોય તેવી - તેટલી એમનામાં ના હોય એ સ્વાભાવિક છે.

મંજરી પણ શોકને વિંટાળીને છાજલી પર ચડાવી દઇને સફાઇ કામમાં મમ્મી સાથે જોડાઇ ગઇ. ઘરની સફાઇ તો બરાબર થતી હતી, પણ એક સાંજે કચરો વાળતા મંજરીનું ધ્યાન બાથરૂમના નળમાંથી ધીમીધારે પડયા કરતી ધાર પર ગયું. એ જરા ચમકી. એણે નળને ટાઇટ કરવાની મથામણ કરી પણ નળરાજાએ કળયુગની દમયંતીને મચક આપી નહિ.

મંજરી મૂંઝાઇ. મમ્મીને વાત કરી. શાણીબહેન પણ સફાળા બાથરૂમમાં આવી પહોંચ્યાં. નળમાંથી જળધારાને અવિરત પડતી જોઇને એય ગભરાયાં.. સવાર સુધી જો નળરાજા ધીમું ધીમું વરસ્યા કરે તો આગળના રૂમમાં પાણી પ્રસરી જાય.

એમણે પતિ મહાશય શકરાભાઇને આ 'હોનારત'ની જાણ કરી.

શકરાભાઇ પહેલાં તો રાબેતા મુજબ આંખ મીંચામણા કર્યા, પણ મંજરીએ જ્યારે એમને સવાર સુધીમાં આગળના ખંડમાં પાણી આવવા માંડશે એવી માહિતી આપી એટલે એ ગભરાયા. આમેય એ ગભરાટિયા જીવ તો હતા જ. બાથરૂમમાં ધીમે ધીમે રેલાતું પાણી આગળ વધતું હતું. 'હવે શું કરીશું ?'ના નિરાશ ભાવે એ ઊભા રહી ગયા.

મંજરીએ જળધારાને રોકવા માટે નળમાં લૂગડાના એક કટકાનો ડૂચો મારી દીધો. પાણીની ધાર એકદમ ધીમી પડી ગઇ. એ પછી ટીપે ટીપે બાથરૂમ ભીનો થવા માંડયો.

શકરાભાઇ 'હાશ' કરીને સૂતા. પણ મંજરીના જીવમાં ફડક હતી. એ વહેલી સવારે જાગી ત્યારે રૂમમાં પાણી રેલાએલું હતું. એણે લૂગડાનો ડાટો નળમાં ફીટ કરવાની માથાકૂટ કરી ત્યારે ધારા સહેજ ધીમી પડી.

શાણીબહેન અને શકરાભાઇ બંને 'ટેન્શન'માં સામી દિવાળી છે. નળ રિપેર કરવા માટે પ્લમ્બર ક્યાં મળશે ?

દિવાળીમાં તો કામ કરનારાઓની આખી જમાત ન જાણે ક્યાં ગુમ થઇ જાય છે. નોકર, રસોયા, કડિયા, મજૂર, સુથાર - બધા જ. અને પ્લમ્બર તો દીવો લઇને ધોળે દહાડે શોધવા જવું પડે.

શકરાભાઇ અધ્ધર જીવે હવે શું કરવું તેની વિમાસણમાં. મંજરીએ એમને સધિયારો આપ્યો કે પરીના પપ્પાને ઉઠાડું છું. એ કોઇ પ્લમ્બરને ગમે ત્યાંથી પકડી લાવશે.

શાણીબહેને નિઃશ્વાસ નાખ્યો: 'સવાર સવારમાં પ્લમ્બર ક્યાં મળશે ?'

'તપાસ તો કરવા દો !' મંજરીએ એટલું કહીને મુન્નાને ઊઠાડયો. મુન્નો આમ તો અઘોરી. સવારે સહુથી મોડો એ ઊઠે - એને અડધો કલાક વહેલા ઊઠવું પડયું તે વસમું તો લાગ્યું. પણ મંજરીએ તાકીદે ઊઠાડયો: 'નળ લીક થયો છે. રૂમમાં પાણી ભરાવા માંડયું છે. તું કોઇ પ્લમ્બરને પકડી લાવે તો-'

'અત્યારમાં પ્લમ્બર ?' મુન્નો ચિચવાઇ ઊઠયો. 'તારી રાહ જોઇને એ બેઠો હશે ?' એ બરાબર ચિડાઇ ગયો. પણ પપ્પા ખફા છે, ટેન્શનમાં છે એ જાણીને ફટાફટ ઊભો થઇ ગયો.

શાણીબહેને એને 'વિનંતી' કરી: 'ભઇ, તું જરા પ્લમ્બરને પકડી લાવને ! જો તો ખરો ! નળ લીક થયો છે અને પાણીની ધાર છેક રૂમને ભીનો કરી ગઇ છે.'

શકરાભાઇએ 'હાઇ ટોન'માં કહ્યું 'તું ગમે તે પ્લમ્બરને લઇ આવ. નવ વાગ્યા છે એટલે ક્યાંક કારીગરો ઊભા હશે.'

'ચાવી લાવો' મુન્નાએ કહ્યું. એને પ્લમ્બર શોધવાને બહાને ગાડીમાં સહેલ કરવી હતી. તે મંજરી તરત સમજી ગઇ.

મંજરીએ જરા ઉગ્ર ટોનમાં કહ્યું 'બાઇક પર જા. જલ્દી પહોંચી વળ. ગમે તેને શોધી લાવ.'

મંજરીની ત્રાટકતી આંખ જોઇ મુન્નો સમજી ગયો અને તરત બાઇક પર કોઇ પ્લમ્બર મળે તેને લઇ આવવા રવાના થઇ ગયો.

શકરાભાઇ એમના સોફા પર બેસી નિરાશા અને મૂંઝવણથી વહી આવતી ધીમીધારને જોઇ રહ્યા. શાણીબહેન પણ બહુ ઉચાટમાં હતાં. એમને તો સામી દિવાળીએ આ બબાલ થઇ તેનો વધારે ગભરાટ હતો.

મંજરી  આતુરતાથી વારેવારે મુન્નો ક્યારે આવે તેની કાગડોળે રાહ જોઇ રહી હતી. મુન્નો બાઇક પર દૂરથી કોઇને બાઇકની બેક સીટ પર બેસાડીને આવતે દેખાયો એટલે બધાના જીવમાં જીવ આવ્યો.

શાણીબહેન ખુશ થઇ ગયાં. મુન્નો પ્લમ્બરને શોધી લાવ્યો ખરો. મુન્નો પેલા કારીગરને લઇને ઘરમાં આવ્યો. ફેન્ટાએ તાબડ તોબ તેને લીક થતો નળ બતાવ્યો - 'આમાંથી પાણી વહી જાય છે.'

પેલો માણસ જરા જોઇ રહ્યા પછી કહે 'બહેન, આ તો કોઇ પ્લમ્બરનું કામ છે. હું તો સુથાર છું.'

'સુથાર ?' 'હા, બહેન ! એને લગતું  કામ હોય તો કહો.' મુન્ના પર બધા ખિજાઇ ઊઠયા. મુન્નો પ્લમ્બરનેે બદલે સુથારને પકડી લાવ્યો હતો.

(આવતા અંકે બાકી)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2q3VMOw
Previous
Next Post »