ભારતમાં ખાંડના ઉત્પાદનનો બધો આધાર શેરડીના પુરવઠા પર રહે છે. શેરડીમાંથી ખાંડ ઉપરાંત ગોળ બનાવવામાં આવે છે તથા બાયપ્રોડકટ તરીકે મોલાસીસ, ઈથેનોલ વિ.નું ઉત્પાદન મળતું હોય છે. આમ શરેડીની ઉપલબ્ધતા આ ક્ષેત્રે ચાવીરૂપ ભાગ ભજવતી રહી છે. આવી શેરડીની સપ્લાય વિશે આ વર્ષે સમીકરણોમાં ખાસ્સો બદલાવ જોવા મળી રહ્યો છે.
ભારતમાં ૨૦૧૭-૧૮ના પાક વર્ષમાં શેરડીના વાવેતરનો વિસ્તાર ૪૭ લાખ હેકટર્સમાં નોંધાયો હતો તે ત્યારપછીના ૨૦૧૮-૧૯ના વર્ષમાં વધી ૫૨ લાખ હેકટર્સમાં તથા ૨૦૧૯-૨૦ના વર્ષમાં અંદાજે ૫૯ લાખ હેકટર્સમાં નોંધાયું છે. આમ ૨૦૧૮-૧૯ સામે ૨૦૧૯-૨૦ના પાક વર્ષમાં દેશમાં શેરડીના પાકનો વાવેતરનો વિસ્તાર વધ્યો છે.
જોકે આમ છતાં આ વર્ષે શેરડીના વિવિધ ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદ તથા પુર જેવી સ્થિતિ સર્જાતાં શેરડીના પાકને નોંધપાત્ર અસર જોવા મળી છે અને વાવેતરનો વિસ્તાર વધવા છતાં શેરડીનું ઉત્પાદન ઘટશે એવા નિર્દેશો પ્રથમ તબક્કે મળી રહ્યા છે. દેશમાં શરેડીનું ઉત્પાદન ૨૦૧૭-૧૮ના પાક વર્ષમાં આશરે ૩૮ કરોડ ટન થયું હતું તે ૨૦૧૮-૧૯ના વર્ષમાં વધી ૪૦ કરોડ ટન થયા પછી ૨૦૧૯-૨૦ના વર્ષમાં ઘટીને ૩૫થી ૩૬ કરોડ ટન આસપાસ થશે એવી ભીતિ હાલ જાણકારોમાં બતાવાતી થઈ છે.
દેશમાં મહારાષ્ટ્રમાં શેરડીમાંથી ખાંડ બનાવતી સંખ્યાબંધ મિલો ધમધમે છે. આ મિલોમાં સામાન્યપણે ઓકટોબર મહિનાથી શેરડીનું પિલાણ શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વર્ષે મિલોમાં શેરડીનું પિલાણ વિલંબથી શરૂ થવાની શક્યતા મિલ વર્તુળો બતાવી રહ્યા છે.
એક અંદાજ મુજબ આવું પિલાણ હવે ૧૫ નવેમ્બર આસપાસ શરૂ થવાની શક્યતા બતાવાઈ રહી છે. જોકે શેરડીનું પિલાણ વિલંબમાં પડવા છતાં બજારમાં તથા મિલો પાસે ખાંડનો સ્ટોક પુરતો હોતાં ખાંડના ભાવ પર આવા વિલંબીત પિલાણની કોઈ તેજીની અસર પડવાની શક્યતા જણાતી નથી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તથા રાજ્યમાં હવે પછી સરકાર સત્તા પર આવશે ત્યારે ખાંડ મિલોમાં પિલાણ શરૂ કરવાના પ્રશ્નને પ્રથમ તબક્કે ચર્ચા પર લેવામાં આવશે એવી શક્યતા ખાંડ ઉદ્યોગમાં બતાવાઈ રહી છે. ઓકટોબરના છેલ્લા સપ્તાહમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે.
દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ સુગર ફેકટરીઝ ફેડરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શેરડીના પિલાણનો આરંભ દિવાળી પછી જ શરૂ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં હવે ચૂંટણી પછી જે સરકાર આવશે તેના મિનિસ્ટરોની કમિટિમાં શેરડીના પિલાણ બાબત ચર્ચા હાથ ધરાશે એવું આ સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટચ્રમાં આ વર્ષે સાંગલી તથા કોલ્હાપુરમાં ભારે પૂર આવતાં શેરડીના પાકને ખાસ્સો ફટકો પડયો છ.ે આવા પૂર આવ્યા ત્યારે તો એવું જણાતું હતું કે મહારાષ્ટરમાં શેરડીના પિલાણનો આરંભ ડિસેમ્બર અગાઉ શરૂ થવાની શક્યતા ઓછી છે. મહારાષ્ટ્રમાં એક તરફ કોલ્હાપુર તથા સાંગલીમાં ભારે પૂર આવ્યા હતા ત્યારે બીજી તરફ મરાઠવાડા વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ વિસ્તારમાં શેરડીનો વપરાશ પશુઆહાર તરીકે કરી દેવો પડયો છે.
દરમિયાન, દેશમાં ૨૦૧૯-૨૦માં શેરડીનું ઉત્પાદન ઘટયા પછી ૨૦૨૦-૨૧ના વર્ષમાં દેશમાં શેરડી તથા ખાંડનું ઉત્પાદન ફરી ઉંચે જશે એવી શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં ખાંડ વર્ષ ઓકટોબરથી શરૂ થાય છે જે સપ્ટેમ્બરમાં પૂરું થાય છે. આ વર્ષે વરસાદ વ્યાપક થતાં જમીનમાં પાણીનો સંગ્રહ વધ્યો છે. તળાવો-સરોવરો-નદીઓમાં વધુ પાણી આવ્યું છે.
આ જોતાં આવતા વર્ષે શેરડીનું ઉત્પાદન વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છ.ે ૨૦૧૯-૨૦ના પાક વર્ષમાં દેશમાં શેરડીનો કુલ પાક ૩૫થી ૩૬ લાખ ટન આવશે જે પૈકી આશરે ૧૫ ટકા પાક રિપ્લાન્ટીંગ માટે વપરાશે તથા ૧૫ ટકા શેરડીનો ઉપયોગ ગોળ તથા ખાંડસરી બનાવવા થશે ઉપરાંત અમુક જથ્થો પશુઆહાર તરીકે વપરાશે. એ જોતાં દેશમાં ખાંડના ઉત્પાદન માટે આશરે ૨૫ કરોડ ટન શેરડી ઉપલબ્ધ બને એવી શક્યતા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ouq10V
ConversionConversion EmoticonEmoticon