દિવાળી ટાણે છવાયેલી મંદીથી વેપારી/ ખેડૂત વર્ગમાં ગભરાટનો માહોલ


આ વર્ષે દીવાળીમાં કૃષિ બજારોની આર્થિક મંદીની અસરોને કારણે ભારે નિરસતા જોવા મળી રહી છે. મોટા ભાગની કૃષિ પેદાશોના વેપારોમાં મોટો કોઈ દમ રહ્યો નથી. સરેરાશ પ્રતિ ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂપિયાના ગાબડા હોવાથી સ્ટોકિસ્ટોની વેચવાલી સતત વધી રહી છે.

દિવાળીએ કૃષિ માલોનું વેચાણ કરી આગામી નવા વર્ષમાં નવા વેપાર ઉપર મીટ મંડાઈ છે. તાજેતરમાં એરંડાના વાયદામાં બનેલી મંદીની સરકીટો અને ત્યારબાદ રાતોરાત સેટલમેન્ટની ઘટનાઓના પડઘા હાજર બજારો ઉપર પડતા ખેડૂતોમાં તથા વેપારીઓમાં ભારે નારાજગી છે. માત્ર એક અઠવાડિયામાં ક્વિન્ટલે ૧૫૦૦ રૂપિયાનાં ગાબડાએ રેકોર્ડ બનાવ્યો છે.

એરંડાના સ્ટોકિસ્ટો તથા ફેક્ટરીવાળાઓ કમજોર બની જાણે થાકી ગયા હોય તેવો માહોલ છે. ભારે નુકસાન વેઠવાનો વારો આવતા એરંડામાં ભારે નિરસતા છે. ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના પીઠાઓમાં આજે પણ એરંડાનો વેપાર બંધ છે. સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નથી વધુમાં આ વર્ષે કહેવાય છે કે એરંડાનું વાવેતર દોઢું છે જેનો નવો પાક ડિસેમ્બરમાં બજારમાં આવવાની ગણત્રી છે.

એરંડામાં ચાલતી મંદીને કારણે એરંડાની ડિસેમ્બરની સીઝનમાં કેવી સ્થિતિ હશે તે જોતાં નિરાશાનો માહોલ છે. એરંડાનો વેપાર લાખના બાર હજાર કરવાનો ધંધો હોય તેવું વેપારીઓ તથા ખેડૂતો અનુભવી રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતોની આવકો ડબલ કરવા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સરકારે આગામી પાંચ વર્ષ માટે ખેડૂતો માટે ૬૬૦૦ કરોડનું ફંડ ફાળવ્યું હોવાની જાહેરાત કરી છે.

કૃષિ ઉત્પાદક સંગઠન (FPO) બનાવી ખેડૂતોને મદદ કરવા ઉપર સરકાર ભાર મૂકી રહી છે. નાના અને સીમાંત ખેડૂતોના ઉપરોક્ત સંગઠન મારફતે ખેડૂતોને મદદ કરવાનો હેતુ સરકારે રાખ્યો છે. સરકારના ઉંચા આયોજન વચ્ચે હાલમાં કૃષિ બજારોમાં આગળ વધતા મંદીના માહોલ વિશે વિચારવાની જરૂર  છે. છેલ્લા કેટલાક સમયથી કૃષિ બજારોમાં સતત ઘટતા જતા ભાવોને કારણે મૂડી ઓછી થવાના ડરથી સ્ટોકિસ્ટોની વેચવાલી વધી રહી છે. વેપારીઓ માલો કાઢી થનાર નુકસાનને અટકાવવાની કોશિષ કરી રહ્યા છે. લેવાલ વર્ગ ઓછો છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરામાં ૩૦૦થી ૪૦૦ રૂપિયા પ્રતિ મણે તૂટી જતાં ભાવો ત્રણ હજારની નીચા આવી ગયા છે. આગામી રવિ સિઝનમાં જીરાનું વાવેતર ૧૫થી ૨૦ ટકા વધવાની ગણત્રીએ હાલમાં વેચવાલીનો સપોર્ટ મળી રહ્યો છે. જીરાના ઉંચા ભાવોને કારણે જીરાની ખેતી ખેડૂતોને આકર્ષી રહી છે અને પ્રથમ પસંદગી જીરા ઉપર છે. જીરાની સમાંતર વરિયાળી તથા ઇસબગોલમાં પણ ૩૦૦ રૂપિયા બજાર તૂટી જતાં વેપારોમાં કોઈ દમ નથી.

જો કે બીજી તરફ દાળોમાં છેલ્લા એક મહિનામાં ૫થી ૧૦ ટકાનો ભાવવધારો થયો છે. હાલમાં દીવાળીના તહેવારોમાં ચણા જેવી દાળોનો વપરાશ નોંધપાત્ર વધી રહેવા માટે સામે સપ્લાય નબળો રહેતાં ભાવો ઉપર અસર પડી રહી છે. ખરીફ સીઝનમાં પણ દાળોનું ઉત્પાદન ઓછું રહેવાની આશંકા છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અડદ, મગ તથા તુવેરના ઉત્પાદન પર અસર પડી છે. જો કે, દાળોમાં વધતી મોંઘવારીને કારણે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સરકારે પોતાની પાસેના ચણાની દાળોના બફર સ્ટોકમાંથી ગરીબ પરિવારોને રાહત દરે દાળોનું વિતરણ શરૂ કરેલ છે. જેનાથી મધ્યમ વર્ગને રાહત મળેલ છે. દિવાળીએ મંદીનું સ્વરૂપ ગંભીર બનતા વેપારી વર્ગમાં સુસ્તીનો માહોલ છવાયો છે.

બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા હકારાત્મક પ્રતિભાવોને કારણે વિશ્વના બજારોની દિવાળી સારી જવાની આશા જન્મી છે. ટ્રેડ ટેન્શનના કારણે બુલિયન, કાચું તેલ, મેટલ જેવી કોમોડિટી ઉપર ભારે અસરો પડી છે. છેલ્લા ૧૫ મહિનાથી અમેરિકા- ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે કેટલાય દેશોની ઇકોનોમી ચગડોળે ચડી છે. મેટલ કોમોડિટી ઉપર ભારે પ્રેશર રહ્યું છે.

વેપારો નબળા થઈ ગયા છે. મેટલના મુખ્ય વપરાશકાર ચીનની ખરીદી ઓછી થતા બજારમાં મંદી ગંભીર બની છે. કાચા તેલમાં પણ સતત ત્રણ દિવસ તેજી છવાઈ છે. ભાવો ૬૦ ડોલરની પાર થયા છે. લાલ સાગરના રસ્તેથી પસાર થતી ઇરાનની ટેન્કરોને મિસાઇલોથી હુમલો કરી ફૂંકી મારતા તેલના પુરવઠા ઉપર અસર પડવાની સાથે સાથે ઓપેકે પણ તેલના  ઉત્પાદનમાં કાપ મૂકવાનું જાહેર કરતા ભાવોમાં ભડકો થયો છે.

આ ઉપરાંત બુલિયન માર્કેટમાં પણ સતત ચાર દિવસથી ભાવોમાં ઉછાળો રહેતાં બજાર તેજી તરફી જઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વધેલી માંગની અસરથી પણ ભાવો વધીને ૩૯૦૦૦ની સપાટીએ આવી ગયા છે. જો કે સોના- ચાંદીમાં તેજી ચીન- અમેરિકાની બેઠકના કારણે કંટ્રોલમાં રહે તેમ છે.

ચીન- અમેરિકા વચ્ચે સમાધાનકારી વલણ રહેતા સોના- ચાંદીમાં સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો થાય તેમ છે. સોનાની સમાંતર ચાંદીમાં બજાર ઉછળીને ૪૬૫૦૦ની આસપાસ તેજ રહી છે. ઘણા સમયથી સોના- ચાંદી બજારમાં સુસ્તી રહેલી હોવાથી આ વખતે સોના- ચાંદીના ભાવો પ્રમાણમાં નીચા રહે તો ઘરાકી ખુલવાની અપેક્ષાએ જ્વેલરી બજારે તમામ તૈયારીઓ કરી છે. દિવાળી ટાણે ભાવો વધશે તો ઘરાકી ઉપર અસર પડશે તેનું ટેન્શન ઝવેરીઓમાં જોવા મળી રહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32bpWO0
Previous
Next Post »