આણંદ,તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર
ચાલુ વર્ષે સમગ્ર આણંદ જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ પડવાના કારણે જિલ્લાના કેટલાક રાજમાર્ગોનું ધોવાણ થયું હતું તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારના માર્ગો ખખડધજ બની જવા પામ્યા હતા. ચોમાસામાં ભારે વરસાદના કારણે માર્ગ ઉપર પડેલ ખાડા પુરવા પેચવર્કનું કામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં ચોમાસા દરમ્યાન પડેલ ભારે વરસાદના કારણે જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના અને પંચાયત હસ્તકના ગ્રામ્ય માર્ગોનું ધોવાણ અને ખાડા પડવાથી રાહદારીઓ તથા વાહનચાલકોને પરેશાન થતી હતી. આ માર્ગને પેચવર્ક કરવું અને રાહદારીઓ માટે સરળ બનાવવા નગરપાલિકા, માર્ગ-મકાન વિભાગ અને ગ્રામ્ય વિસ્તાર માટે પંચાયત વિભાગ દ્વારા એકસાથે કામગીરીનો પ્રારંભ કરાયો છે.
જિલ્લા કલેક્ટરના નિર્દેશો મુજબ ઝડપથી આ રસ્તાઓ સરળ બનાવવાની કામગીરી નગરપાલિકાના ચીફ ઓફિસર, માર્ગ-મકાન કાર્યપાલક ઈજનેર, પંચાયત ઈજનેર અને તેઓની ટીમ દ્વારા પ્રારંભ કરાયો છે. આ રસ્તાઓમાં આણંદ-કરમસદ-તારાપુર રોડ, પેટલાદ-પંડોળી-નાર-તારાપુર રોડ, પેવર પટ્ટાનું કામ, ખંભાત-ધુવારણ રોડ, ખંભાત-તારાપુર રોડ ઉપર રવિવારના રોજથી આ કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા પંચાયત ગ્રામ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું પેચવર્કની કામગીરીનો પણ પ્રારંભ કરાયો હતો.
જેમાં કસ્બારા-ડુંગરી ગામને જોડતો માર્ગ, ત્રંબોવડ-ડભોઉને જોડતો માર્ગ, ડભોઉ-માંગરોલનો માર્ગ તથા સામરખા-અજરપુરા માર્ગનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લાના ગંભીરા ગામ પાસે વરસાદથી માર્ગને થયેલ ભારે નુકસાન પગલે માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વાડીનાથ-બોઈપુરા, નાર ગામથી ખોડિયાર માતાજી મંદિરનો રસ્તો, પંડોળી-દંતેલી માર્ગ, વડાલા-ફીનાવ માર્ગ, અડાસ-વડોદ માર્ગ, નાર-રાજપુરા-સનેજ રસ્તો, માણેજ-માનપુરા-સુંદરા-ધૈર્યપુરા-જલસણ માર્ગ અને ગાના-મોગરી માર્ગનો સમાવેશ થાય છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qgyaGN
ConversionConversion EmoticonEmoticon