ઓડ નગરપાલિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ચૂંટાયા


આણંદ, તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર

ભારે કસમકસ વચ્ચે સોમવારના રોજ આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકા ખાતે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ગોપાલસિંહ રાઉલજી કોંગ્રેસના પાંચ સભ્યોના ટેકાથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા કોંગ્રેસે ઓડ નગરપાલિકાની સીટ ગુમાવી છે. બીજી તરફ ઓઢ નગરપાલિકાની સીટ ભાજપના ફાળે જતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકામાં ૨૪માંથી ૧૬ બેઠકો જીતીને કોંગ્રેસ પક્ષે સત્તા હસ્તગત કરી હતી. જો કે દોઢ જ મહિનામાં કોંગ્રેંસમાં આંતરિક ડખા વધી જવાના કારણે પાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. સાથે સાથે અન્ય ચાર સભ્યોએ પણ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતુ. થોડા સમય પૂર્વે હાઈકોર્ટ દ્વારા કામચલાઉ મનાઈ હુકમ હટાવી લેવાતા જિલ્લા કલેક્ટર દ્વારા તા.૧૪ ઓક્ટોબરના રોજ ઓડ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. 

જે અંતર્ગત આજે બપોરના ૧૨:૦૦ કલાકે પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ઓડ પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ તરફથી ગોપાલસિંહ રાઉલજીએ પ્રમુખપદ માટે જ્યારે કોંગ્રેસ તરફથી દિપ્તીબેન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખપદની ચૂંટણી યોજાતા ગોપાલસિંહ રાઉલજીને ૧૩ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના દિપ્તીબેન પટેલને ૧૦ મત મળ્યા હતા. જેથી ચૂંટણી અધિકારીએ ભાજપના ગોપાલસિંહ રાઉલજીને વિજેતા જાહેર કરતા ભાજપ છાવણીમાં આનંદની લાગણી વ્યાપી હતી તો બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો. ગોપાલસિંહ રાઉલજી આગામી અઢી વર્ષની પ્રમુખની મુદ્દતમાં બાકી રહેલા ૧૦ મહિના માટે કાર્યરત રહેશે.

ઓડ નગરપાલિકામાં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરો તથા નેતાઓએ ફટાકડા ફોડી અબીલ-ગુલાલની છોળો ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. ચૂંટણી શરૂ થતા પૂર્વે કોંગ્રેસ દ્વારા તેમના તમામ કાઉન્સીલરોને વ્હીપ વાંચી સંભળાવ્યો હતો તેમ છતાં કોંગ્રેસના પાંચ સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું. જેને લઈ ભાજપનો વિજય થવા પામ્યો હતો.

વ્હીપનો અનાદર કરનારા પાંચ કાઉન્સિલરો સામે પગલાં લેવાશે

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારોને મત આપનાર પાંચ કાઉન્સીલરો વિરૂધ્ધ આગામી સમયમાં પગલાં ભરવામાં આવશે. પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલની આગેવાની હેઠળ પાંચ કાઉન્સીલરો પ્રમુખની ચૂંટણી જાહેર થતાં જ સહેલગાહે ઉપડી ગયા હતા અને આજે સવારે ઓડ પરત ફર્યા હતા અને બાદમાં તેઓએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. પાર્ટી દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ આગામી સમયમાં પાંચેય કાઉન્સીલરો વિરૂધ્ધ કાર્યવાહી કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2potkXy
Previous
Next Post »