પેટલાદના નાર ગામના દંપતીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદ


આણંદ,તા.11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામના પતિ-પત્નીને આણંદની કોર્ટે ચેક રીટર્ન કેસમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ઉપરાંત ચેકની કુલ રકમ રૂા.૪૫.૪૨ લાખ ૬૦ દિવસમાં વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ પણ કરાયો છે. 

પેટલાદ તાલુકાના નાર ગામે રહેતા પ્રિતેશકુમાર પટેલ તથા તેમના પત્ની વિદેશ મોકલવાનો ધંધો કરે છે. સાથે સાથે તેઓ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ પણ ચલાવે છે. થોડા સમય પૂર્વે આણંદના કપાસીયા બજાર ખાતે રહેતા કમલેશકુમાર વિનોદચંદ્ર શાહ તેઓના સંપર્કમાં આવ્યા હતા અને ભત્રીજા પાર્થ પરેશકુમાર શાહ સહિતના પરિવારના ત્રણ વ્યક્તિઓના યુએસએના વીઝીટર વિઝાનું કામ જૂન-૨૦૧૬માં સોંપ્યું હતું. જે મુજબ પ્રિતેશકુમાર પટેલ તથા તેમના પત્નીએ પાર્થ સહિતના પરિવારજનોના અસલ ડીગ્રી સર્ટી, પાસપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ લીધા હતા અને રૂા.૧૭.૩૨ લાખ ચેકથી ચુકવી આપ્યા હતા. બાદમાં ટુકડે-ટુકડે કરી નક્કી થયા મુજબ રૂા.૫૧ લાખ ચુકવી આપ્યા હતા.

જો કે બાદમાં પ્રિતેશભાઈએ સોંપેલ કામ પુરુ કર્યું ન હતુ અને રૂા.૫૧ લાખ પરત કરી દઈશું તેમ જણાવ્યું હતું. બાદમાં ચેક દ્વારા કેટલાક નાણાં તેઓએ પરત કર્યા હતા.  પરંતુ અન્ય રકમનો ચેક આપતા તે ચેક બેંકમાં ભરતા ચેક બાઉન્સ થયો હતો. આ કેસ આણંદના ચોથા એડીશ્નલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ગુનામાં પતિ-પત્ની બંનેને તકસીરવાન ઠેરવી કોર્ટે બંને આરોપીઓને બે વર્ષ કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B77Gtb
Previous
Next Post »