ગળતેશ્વરના અંબાવ રેલવે ફાટકનું કામ બંધ કરાતા વાહનચાલકો અટવાયા


ગળતેશ્વર, તા.11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર

ગળતેશ્વર તાલુકાના અંબાવ રેલ્વે ફાટકની કામગીરી અચાનક બંધ કરાતા  હજારો લોકો અટવાયા છે.વડોદરા તરફ જવા માટેનો આ ટૂંકો રસ્તો હોવાના કારણે મોટી સંખ્યામાં વાહનો આ ફાટકથી ગળતેશ્વર મહાદેવ થઇ વડોદરા જતા હોય છે. ત્યારે ફાટક બંધ કરી દેતા વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને હેરાન થવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંબાવ ફાટક ની કામગીરી કેટલાંય સમયથી ચાલુ હતી. પરંતુ રેલ્વે તંત્ર દ્વારા કામગીરી આરંભી હોવાથી ૧૦ દિવસ સુધી આ ફાટક સદંતર બંધ રાખ્યો છે.ગળતેશ્વર તાલુકાના ગામો જેવા કે સુખીની મુવાડી, સરનાલ, ઉપલેટ, આનંદપુરા, અંબાવ અને ગળતેશ્વર મહાદેવ જેવા ગામોના હજારો લોકો આ જાહેર રસ્તાથી આવન જાવન કરતા હોય છે.આ ઉપરાંત , પ્રા. શાળા અને હાઇસ્કુલ વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.

આ કામમાં રેલ્વે તંત્ર દ્વારા આજથી કામગીરી આરંભાઇ છે.પરંતુ  તંત્ર દ્વારા અહીં કોઇ માર્ગદર્શક બોર્ડ  મુકવામાં આવ્યું નથી.જેના કારણે ગળતેશ્વર મહાદેવ તરફ જતા યાત્રીકો અને આજુબાજુના પાંચથી સાત ગામોની જાહેર જનતા અટવાઇ પડી છે.આ ઉપરાંત ગળતેશ્વર સ્મશાને જતા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ડાધુઓ ફાટક હમણા ખુલશે તેની રાહ જોઇને નનામી લઇને કલાકો સુધી ઉભા રહેવું પડે છે. 

આ દરમ્યાન કોઇ જાગૃત નાગરિકનુ ધ્યાન પડે તો તેમને જણાવે છે કે રેલ્વે તંત્ર દ્વારા કામગીરી આરંભી હોવાના કારણે રેલ્વે ફાટક બંધ છે.અને છેવટે તેમને લાંબા રસ્તે થઇને સ્મશાને જવું પડે છે. તેમજ પાવાગઢ જતા પદયાત્રીકોને પણ ખબર ન હોવાના કારણે અહીં સુધી આવેલા યાત્રિકોને પરત ફરવું પડે છે. અંબાવથી વડોદરા જિલ્લાના જેસર સાવલી તાલુકાને જોડતો રસ્તા પર આવતુ રેલ્વે ફાટક બંધ હોવાથી જાહેર જનતા અને ગળતેશ્વર તાલુકાના યાત્રીકો માટે મોટી સમસ્યા ઉભી થઇ છે.

અંબાવ રેલ્વે ફાટક દસ દિવસ સુધી બંધ રહેવાનુ હોવાના કારણએ ઠાસરાથી આવતા યાત્રીકો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં અગ્નિદાહ માટે જતા લોકો બાધરપુરા રેલ્વે ફાટક થી ગળતેશ્વર જઇ શકશે.સેવાલીયા તરફથી આવતા નાના સાઘનો અંઘાડી લહેરીપુરા પાસેના રેલ્વે ફાટક થી આનંદપુરા થઇ ગળતેશ્વર જઇ શકશે.અંબાવ ફાટક બંધ હોવાથી ૩ કિ.મી વધુ અંતર કાપી ગળતેશ્વર જઇ શકાશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M6HQvS
Previous
Next Post »