ધ વેવ (અમેરિકા) .


અમેરિકાના એરિઝોના રાજ્યની ઉત્તર સીમાડે યુટાહ રાજ્યની સરહદે કોલોરાડો ઉચ્ચપ્રદેશમાં પેરિયા કૅન્યન નામનો ૪૫૫ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો વેરાન પ્રદેશ આવેલો છે. પેરિયા કૅન્યન વર્મિલિયન ક્લિફ્સ તરીકે પણ ઓળખાય છે કારણ કે સમગ્ર ઉચ્ચપ્રદેશ ખડકો અને કોતરોથી ભરચક છે. અમેરિકાની મહાન કોલોરાડો નદીને મળતા પહેલા પેરિયા નદી અહીંયા થઇને વહે છે. 

પેરિયા કૅન્યનમાં કોયોટ બટ્સ નામે ઓળખાતો વિસ્તાર દુનિયાભરના લાખો સહેલાણીઓને આકર્ષે છે. આમ તો કોયોટ બટ્સમાં સેન્ડસ્ટોનના બનેલા ખડકો અને કોતરો સિવાય ખાસ કશું નથી અને પથરાળ અને વેરાન પ્રદેશમાં જોવા જેવું શું હોય એવો સવાલ પણ થાય. પરંતુ એ જ તો કુદરતની કમાલ છે કે તે ધાર્યું ન હોય એવા સ્થળોએ કમાલ સર્જે છે.

કોયોટ બટ્સ ખાતે વેવ તરીકે ઓળખાતો અજાયબ ભૂભાગ આવેલો છે. વેવ એટલે પાણીમાં ઉઠતી લહેરો અને ધ વેવ એ પણ ખડકોમાં જાણે પાણીની લહેરો ઉઠી હોય એવો દેખાવ સર્જતો ખડકાળ વિસ્તાર છે. પાણીની વિશાળ લહેરો જુદાં જુદાં રંગોને સમેટીને ખડકો વચ્ચે થઇને ધસમસતી વહેતી હોય એવો દેખાવ સર્જાયો છે. એવું લાગે કે જાણે કોઇ ચિત્રકારે ખડકરૂપી કૅનવાસ ઉપર વિવિધ રંગોની પીંછી વડે અદ્ભૂત રચના કરી હોય.

ધ વેવની સુંદરતા અને ભવ્યતાના માણવી સરળ નથી. આમ તો કુદરતરૂપી શિલ્પકારની આ મનોહર શિલ્પકળાને નિહાળવા લાખો લોકો તરસે છે પરંતુ ભૂલભૂલામણી જેવા આ પ્રદેશમાં રોજના માત્ર ૨૦ જણાને પ્રવેશની પરવાનગી મળે છે. ધ વેવની મુલાકાત લેતા પહેલાં નામ નોંધાવવું પડે છે અને મુલાકાતીઓની પસંદગી પણ લોટરી દ્વારા થાય છે.

જેમને પણ વેવ જોવાની પરવાનગી મળે એને તો ખરેખર લોટરી લાગ્યા જેટલો જ આનંદ થાય છે. એક વખત ખડકોની ભૂલભૂલામણીમાં પ્રવેશ્યા પછી તો જાણે કોઇ અન્ય સૃષ્ટિમાં આવી ગયા હોઇએ એવી અનુભૂતિ થયા વિના નથી રહેતી. ધ વેવની મુલાકાત જીવનની અમૂલ્ય ક્ષણ બની રહે છે અને અહીંયા ફરતા એવો સવાલ થાય કે આટલી ભવ્ય અને મનમોહક શી રીતે રચાઇ હશે?


ધસમસતા પાણીના પ્રવાહના કારણે કોતરો તો ઘણી નદીઓ બનાવતી હોય છે પરંતુ ધ વેવની તો સુંદરતા જ અવર્ણનીય છે. ખડકો વચ્ચે ઉત્પાત મચાવતા, આમતેમ અથડાતા પ્રવાહના કારણે સેન્ડસ્ટોનના બનેલા ખડકોમાં સુંદર ભાત સર્જાઇ છે. પાણી ઉપરાંત સૂસવાટા મારતા પવને પણ વેવ ખાતેની શાનદાર કોતરણીમાં મોટો ભાળો આપ્યો છે.

રણપ્રદેશમાં પવનના જોરે રેતીના નાના મોટા કદના ભૂવા રચાતા તો જોવા મળે છે. જ્યારે અહીંયા તો પવનના જોરે જોશપૂર્વક ઉડતી રેતીના કણોએ ખડકો સાથે ઘસાઇ ઘસાઇને જાણે કે લાજવાબ નકશીકામ કર્યું છે. આશરે ૧૯ કરોડ વર્ષ પહેલાં પવન અને પાણીએ સાથે મળીને પેરિયા કૅન્યનના રેતીયા ખડકોમાં કોતરણીકામ કરવાની શરૂઆત કરી હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે.

પર્વતારોહકો અને ફોટોગ્રાફરોમાં ભારે લોકપ્રિય એવા ધ વેવ સુધી પહોંચવા ખાસી જહેમત ઉઠાવવી પડે છે. જોકે એક વખત વેવમાં પ્રવેશો એટલે મુસાફરીની તમામ તકલીફો વિસરાઇ જાય છે અને પ્રકૃત્તિની આ અદ્ભૂત રચનાને ક્લીક કરવા માટે આંગળીઓ તરસી ઉઠે છે.

ધ વેવ ખાતે રચાયેલી વલયાકાર અને વમળાકાર ભાતની તસવીર લેવા માટેનો આદર્શ સમય બપોરને મનાય છે. સૂર્યના પ્રકાશમાં ખડકોનું કોતરકામ અવનવા રંગો વડે ઝળહળી ઉઠે છે. સહેલાણીઓને અહીંયા સાવધાનીથી ફરવા માટેની સૂચના આપવામાં આવે છે જેથી કરીને ખડકોમાં રચાયેલી લહેરોને નુકસાન ન પહોંચે.

પેરિયા કૅન્યન અને ધ વેવ સુધી પહોંચવા માટે ચાર માર્ગો રચવામાં આવ્યાં છે પરંતુ સાહસિક પર્વતારોહકો બીજા આડાઅવળા માર્ગે પણ ત્યાં સુધી પહોંચી શકે છે. વેવરૂપી પઝલમાં પ્રવેશતા મુલાકાતીઓને ભૂલા ન પડી જવાય એ માટે નકશા પણ આપવામાં આવે છે નહીંતર અહીંયા એવા તો ફસાઇ જવાય કે કદી બહાર નીકળવાનો રસ્તો જ ન મળે. આ પ્રદેશની પ્રાકૃતિક અવસ્થાને જાળવી રાખવા માટે ક્યાંય દિશાસૂચક પાટિયા લગાવવામાં આવ્યાં નથી. ધ વેવ ફરવા માટે વસંત અને પાનખર ઋતુ આદર્શ મનાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Bhj064
Previous
Next Post »